...તો મનોજ વાજપેયીએ જીવન ટૂંકાવી લીધું હોત

Published: Feb 04, 2020, 13:30 IST | Ashu Patel | Mumbai

નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ તેને ચાર-ચાર વાર રિજેક્ટ કર્યો હતો!

મનોજ વાજપેયી
મનોજ વાજપેયી

બિહારના બેલવામાં જન્મેલા મનોજ વાજપેયીની મહત્વાકાંક્ષા બૉલીવુડમાં અભિનેતા બનવાની હતી. મનોજ સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારથી તેણે અભિનેતા બનવાનું સપનું જોયું હતું. મનોજે રાજ બબ્બર અને નસીરુદ્દીન શાહના ઇન્ટરવ્યૂના કટિંગ્સ વર્ષો સુધી પોતાની પાસે સાચવી રાખ્યા હતા. તેને રાજ બબ્બર કે નસીરુદ્દીન જેવા કલાકાર બનવું હતું.

પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તે દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ લેવા માગતો હતો. તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, પણ તેને નિષ્ફળતા મળી, બીજી વાર પણ એવું થયું અને ત્રીજી વાર પણ આવું જ થયું. આ રીતે તે ચાર-ચાર વાર રિજેક્ટ થયો.

તે ચોથી વાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં રિજેક્ટ થયો ત્યારે તેની ધીરજ ખૂટી પડી. નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ થયા પછી તે ભાંગી પડ્યો હતો. હતાશામાં સરી પડેલા મનોજને લાગતું હતું કે તેના જીવનનો અંત આવી ગયો છે અને હવે તે કયારેય હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી નહીં શકે.
એ દિવસોમાં તે કલાકો સુધી સૂનમૂન બનીને એકલો બેસી રહેતો હતો. હતાશાના એ દિવસોમાં મનોજ વાજપેયી આત્મહત્યા કરી લેવા માગતો હતો પણ તેના મિત્રોએ તેને સાચવી લીધો. મનોજના મિત્રો તેને એકલો મૂકતા નહોતા અને મનોજ જે રૂમમાં સૂતો ત્યાં તેના ચાર-પાંચ મિત્રો પણ તેની સાથે સૂતા હતા. મનોજ વાજપેયી સતત હતાશામાં ડૂબેલો રહેતો હતો. એવા સમયમાં મિત્રોએ તેને ટકાવી રાખ્યો. હતાશાના એ તબક્કામાં તેને મિત્રોએ નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામા નહીં તો બીજે ક્યાંક અભિનયની તાલીમ મેળવવાની સલાહ આપી.

મિત્રોની સલાહથી મનોજે દિલ્હીમાં સંભવ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. થોડો સમય સંભવ થિયેટર ગ્રુપમાં પ્રવૃત્તિઓ કર્યા પછી કોઈ મિત્રએ તેની ઓળખાણ ઍક્ટિંગ ગુરુ બેરી જોન સાથે કરાવી અને તે બેરી જોન સાથે જોડાયો. મનોજને બેરી જોન સાથે સારું જામી ગયું. બેરી જોને મનોજમાં પ્રતિભા જોઈ અને તેને પોતાના નાટકોમાં અભિનય કરવા માટે અને સહાયક તરીકે મદદરૂપ થવા માટે ૧૮૦૦ રૂપિયાના પગારથી નોકરી આપી હતી.

મનોજ બેરી જોન સાથે કામ કરતો હતો એ દિવસોમાં જ તેણે બૉલીવુડમાં કામ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ઘણા પ્રયત્નો પછી તેને ૧૯૯૪માં ‘હમ બમ્બઈ નહીં જાયેંગે’ ટીવી-સિરિયલમાં અભિનય કરવાની તક મળી. જો કે એ પછી પણ તેણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK