સ્નેહલતાને દિલીપકુમાર સાથે રૂપેરી પડદે ગીત ગાવાની તક મળી હતી!

Published: Feb 05, 2020, 13:39 IST | Ashu Patel | Mumbai

સંઘર્ષ ફિલ્મનું એ ગીત મેરે પૈરોં મેં ઘૂંઘરૂ બંધા દે... સુપરહિટ સાબિત થયું હતું

‘સંઘર્ષ’
‘સંઘર્ષ’

યસ, સ્નેહલતાને દિલીપકુમાર સાથે રૂપેરી પડદે એક ગીત ગાવા મળ્યું હતું. એ ફિલ્મ હતી ‘સંઘર્ષ’ અને એનું સુપરહિટ થયેલું ગીત હતું: ‘મેરે પૈરોં મેં ઘૂંઘરૂ બંધા દે તો ફિર મેરી ચાલ દેખ લે...’

સ્નેહલતા ગુજરાતી ફિલ્મોમાં હિરોઇન તરીકે આવ્યાં એ અગાઉ તેમણે હિન્દી ફિલ્મોમાં હિરોઇન તરીકે સફળ થવા માટે ખૂબ કોશિશ કરી હતી. અગાઉ અહીં વાત કરી હતી કે તેમને હિન્દી ફિલ્મ ‘નાટક’ ફિલ્મમાં સુભાષ ઘઈ સાથે સેકન્ડ લીડ રોલ મળ્યો હતો અને ફિલ્મનિર્માતા સોહનલાલ કંવરે તેમને કેટલીક ફિલ્મમાં મહત્ત્વના રોલ આપ્યા હતા. એવી બે-ચાર ફિલ્મોને બાદ કરતાં તેમને હિન્દી ફિલ્મમાં હિરોઇન તરીકે તક મળી નહોતી, પણ તેમને હિન્દી ફિલ્મમાં અમુક યાદગાર ગીતો મળી ગયાં. રાજેશ ખન્ના અને વહીદા રહેમાનની ‘ખામોશી’ ફિલ્મમાં સ્નેહલતાને ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશ્બૂ...’ જેવું અદ્ભુત ગીત સ્ક્રીન પર ગાવા મળ્યું હતું.

આવું જ એક સુપરહિટ ગીત સ્નેહલતાને દિલીપકુમાર સાથે ગાવા મળ્યું હતું. સ્નેહલતાને ‘સંઘર્ષ’ ફિલ્મમાં દિલીપકુમાર સાથે એ ફિલ્મનું સૌથી વધુ હિટ થયેલું ગીત ‘મેરે પૈરોં મે ઘૂંઘરૂ બંધા દે તો ફિર મેરી ચાલ દેખ લે...’ માં દિલીપકુમાર સાથે ડાન્સ કરવાની તક મળી હતી. એ ગીતમાં સ્નેહલતાના ભાગે થોડા શબ્દો ગાવાના પણ આવ્યા હતા. એ ગીતમાં દિલીપકુમાર જ્યારે ભાંગ પીને એ ગીત ગાય છે ત્યારે તેમની સાથે સ્નેહલતા ડાન્સ કરતાં જોવા મળે છે. દિલીપકુમાર એ ગીતમાં પડદા પર ગાય છે (એ ગીતના ગાયક મોહમ્મદ રફી હતા) ત્યારે એમાં એવા શબ્દો આવે છે કે ‘મોહે લાલી ચુનરિયા ઓઢા દે તો ફિર મેરી ચાલ દેખ લે...’ એ વખતે તેઓ સ્નેહલતાના માથા પરથી તેની લાલ ચુનરી પોતાના માથા પર ઓઢીને ગાય છે અને પછી નાચતા-નાચતા સ્નેહલતાની નજીક જઈને તેમના ખભે હાથ મૂકીને અડધી ચુનરી પોતાના પર ઓઢીને અને અડધી ચુનરી સ્નેહલતાને ઓઢાડીને ગાય છે.

‘સંઘર્ષ’ ફિલ્મમાં દિલીપકુમાર ઉપરાંત વૈજયંતીમાલા, બલરાજ સહાની અને જયંત જેવા કલાકારો પણ હતા. જોકે સ્નેહલતાનો એમાં ‘મેરે પૈરોં મે ઘૂંઘરૂ..’’ ગીત માટે જ ગેસ્ટ-અપીરન્સ હતો. દિલીપકુમાર એ વખતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના અભિનેતા હતા. એ વખતે સુપરસ્ટાર વર્ડ કૉઇન નહોતો થયો નહીં તો દિલીપકુમારને એ સુપરસ્ટારનું બિરુદ મળી ગયું હોત એવો તેમનો દબદબો હતો. તેમના એ ગોલ્ડન પિરિયડમાં સ્નેહલતાને તેમની સાથે એ ગીતમાં ડાન્સ કરવાની તક મળી હતી.

‘સંઘર્ષ’ ફિલ્મ ૨૬ જુલાઈ, ૧૯૬૮ના દિવસે રિલીઝ થઈ હતી. એના ડિરેક્ટર હરનામસિંહ રવૈલ (એચ.એસ. રવૈલ) હતા. એ ફિલ્મનું નિર્માણ પણ તેમણે જ કરેલું અને એ ફિલ્મમાં સંગીત આપ્યું હતું નૌશાદે. એ ફિલ્મની સ્ટોરી અંજના રવૈલની હતી અને એ ફિલ્મના ડાયલૉગ ગુલઝાર અને અબ્રાર અલ્વીએ લખ્યા હતા. એ ફિલ્મમાં દિલીપકુમારની સાથે હિરોઇન તરીકે વૈજયંતીમાલાએ અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં સંજીવકુમાર, બલરાજ સાહની અને જયંત જેવા કલાકારોએ પણ અભિનય કર્યો હતો.
સ્નેહલતા વિશે આવી વધુ રસપ્રદ વાતો ફરી ક્યારેક કરીશું.

‘સંઘર્ષ’ ફિલ્મમાં સ્નેહલતા અને દિલીપકુમાર સાથે ડાન્સ કરતાં હોય એ ગીત જોવું હોય તો એની લિન્ક આ રહી: https://www.youtube.com/watch?v=cuhE6kgWZfA

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK