સ્મૃતિ ઈરાનીની ઍક્ટિંગ-કરીઅર સમાપ્ત?

Published: Dec 16, 2014, 04:34 IST

૬ મહિના રાહ જોયા પછી ફાઇનલી સ્મૃતિ ઑલ ઇઝ વેલમાંથી આઉટ


નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દી પર ધ્યાન આપવાનું કહ્યું હોવાથી સ્મૃતિ ઈરાનીએ નક્કી કરેલું કે તેમની અધૂરી ફિલ્મ ‘ઑલ ઇઝ વેલ’ તેમની છેલ્લી ફિલ્મ હશે. આ મતલબનો એક અહેવાલ ૨૯ જુલાઈના મિડ-ડેમાં છપાયો પણ હતો. જોકે ‘ઑલ ઇઝ વેલ’નું બાકીનું શૂટિંગ કરવા માટે પણ તેમને ટાઇમ ન મળતો હોવાથી એના નિર્માતાએ હવે સ્મૃતિની જગ્યાએ બીજા કોઈને લઈને ફિલ્મને રી-શૂટ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે સ્મૃતિની એકટિંગ-કરીઅર પર અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, જો તેઓ બીજી કોઈ ફિલ્મ કે સિરિયલમાં પાછાં ન આવે તો.

ડિરેક્ટર ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઑલ ઇઝ વેલ’ માત્ર સ્મૃતિ ઈરાનીની ડેટ્સને કારણે લાંબા સમયથી અટકેલી પડી હતી, પણ હવે પ્રોડ્યુસર અને ડિરેક્ટરે નક્કી કર્યું છે કે સ્મૃતિ ઈરાનીને રિપ્લેસ કરીને અને ફિલ્મને રી-શૂટ કરીને આગળ વધારવી. પહેલાં લોકસભા ઇલેક્શનના કૅમ્પેન માટે અને પછી કેન્દ્ર સરકારમાં મિનિસ્ટ્રી મળવાને કારણે સ્મૃતિ ઈરાની સતત સાત-આઠ મહિનાથી બિઝી હતાં. છેલ્લા ૬ મહિનાથી તો તેમણે ડેટ્સ આપવાનો વાયદો પણ કર્યો હતો, પણ ડેટ્સ મળી નહીં રહી હોવાથી ફાઇનલી હવે સ્મૃતિ ઈરાનીને બદલે અન્ય ઍક્ટ્રેસને લેવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે.

‘ઓહ માય ગૉડ!’ના ડિરેક્ટર ઉમેશ શુક્લની આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, અસિન અને રિશી કપૂર પણ છે. ફિલ્મમાં સ્મૃતિ ઈરાનીએ અભિષેક બચ્ચનની મમ્મીનું કૅરૅક્ટર કર્યું છે. શિમલા અને બૅન્ગકૉકમાં ફિલ્મનું પચાસ ટકાથી વધારે શૂટિંગ પૂરું થઈ ગયું છે. શિમલામાં શૂટિંગ ચાલી રહ્યું હતું એ દરમ્યાન સ્મૃતિ ઈરાનીને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની અમેઠીની બેઠક પરથી ટિકિટ આપતાં તેમણે ચાલુ શૂટિંગે નીકળી જવું પડ્યું હતું અને એ પછી તેમનું શૂટિંગ ક્યારેય થઈ જ નથી શક્યું.થોડા સમય પહેલાં સ્મૃતિ ઈરાનીએ ડિરેક્ટર-પ્રોડ્યુસરને વીક-એન્ડની ડેટ્સ આપવાનું કહ્યું હતું, પણ એ પછી સંસદભવનમાં શિયાળુ સત્ર શરૂ થઈ જતાં એ ડેટ્સ ન મળતાં ફાઇનલી પ્રોડ્યુસરે સ્મૃતિ ઈરાનીને રિપ્લેસ કરીને નવી ઍક્ટ્રેસ સાથે ફિલ્મનું જે શૂટિંગ થઈ ગયું છે એનું રી-શૂટિંગ અને બાકીનું શૂટિંગ આગળ વધારવાનું નક્કી કર્યું છે. સ્મૃતિ ઈરાનીના રિપ્લેસમેન્ટને કારણે જે કોઈ રી-શૂટ કરવાનું થશે એના માટે ફિલ્મના બીજા સ્ટાર્સ પણ ફ્રેશ ડેટ્સ આપવા તૈયાર છે.

વારંવાર બદલાઈ રિલીઝ-ડેટ

‘ઑલ ઇઝ વેલ’ જ્યારે બનવાની શરૂ થઈ ત્યારે એવું પ્લાનિંગ હતું કે એ ફિલ્મ ઑક્ટોબર-ડિસેમ્બરમાં રિલીઝ કરવી, પણ પછી સ્મૃતિ ઈરાનીને કારણે જાન્યુઆરી અને એ પછી એપ્રિલ મહિના પર એની રિલીઝ પાછળ ગઈ. હવે સ્મૃતિ ઈરાનીનું રિપ્લેસમેન્ટ આવશે અને નવેસરથી શૂટિંગ શરૂ થશે એટલે ફિલ્મની રિલીઝ છેક જૂન મહિના પર ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK