Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂલ માટે મેં માગી માફી : સિદ્ધાર્થ રાંદેરિયા

ભૂલ માટે મેં માગી માફી : સિદ્ધાર્થ રાંદેરિયા

12 October, 2020 07:52 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભૂલ માટે મેં માગી માફી : સિદ્ધાર્થ રાંદેરિયા

સિદ્ધાર્થ રાંદેરિયા

સિદ્ધાર્થ રાંદેરિયા


આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈ ગોલમાલ’ના એક સીનમાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા ઘરમાં શરાબ પીતા હોય ત્યારે વાઇફ પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે પાસે પડેલા તાંબાના કળશામાં શરાબની બૉટલ ખાલી કરીને વાઇફની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ સીનની વિડિયો ક્લિપ બે દિવસથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જબરદસ્ત વિવાદ થયો અને વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રાંતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે સિદ્ધાર્થ રાંદેરિયાને માફી માગવાનું કહેતાં ધમકી આપી હતી કે જો માફી માગશે નહીં તો અડતાલીસ કલાકમાં તેમના ઘરે હલ્લાબોલ બોલાવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદની સાથે બજરંગ દળ પણ જોડાયું હતું અને એમણે પણ સમર્થનમાં કહ્યું હતું કે સિદ્ધાર્થ રાંદેરિયા માફી નહીં માગે તો અમે ધરણાં કરીશું. જોકે આ વિવાદનો અંત સિદ્ધાર્થ રાંદેરિયાએ માફી માગીને આપી દીધો છે. સિદ્ધાર્થભાઈએ કહ્યું હતું, ‘આ જાહેર નિવદેન દ્વારા મારે એટલું જ કહેવાનું કે એ કરવા પાછળ ધાર્મિક લાગણી દુભાવવાનો કે એને ઉલ્લંઘવાનો કોઈ જ આશય નહોતો. એટલે જ આ ઇરાદારહિત ભૂલ માટે દેશ-વિદેશમાં વસતા તમામ દર્શકોની હું અંતઃકરણપૂર્વક માફી માગું છું.’

સિદ્ધાર્થભાઈએ માફી માગવા ઉપરાંત સ્પષ્ટતા સાથે એ પણ કહ્યું હતું કે આવી કોઈ ભૂલ ભવિષ્યમાં નહીં થાય એની પણ ખાતરી આપું છું.



શું કહ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદે?


વિશ્વ હિન્દુ પરિષદના હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું હતું કે સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે, પણ તેમણે પોતાના નાટકમાં હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરીને હિન્દુ ધર્મનું અપમાન કર્યુ છે. જો તેમની તાકાત હોય તો મુસ્લિમ ઘર્મના નમાજ પઢનાર વ્યક્તિ પર નાટકના ભાગરુપે દારુના બે છાંટા નાખીને બતાવે, પછી જુઓ તેમનો કેવો વિરોધ થાય છે, હિન્દુ શાંત છે અને કંઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે એ કંઈ પણ ચલાવી લેશે, આ મામલે સિદ્ધાર્થ રાંદેરિયાએ જાહેરમાં માફી માગવી પડશે. જો માફી નહીં માગે તો તેમના વિરુદ્ધ હિન્દુઓનું અપમાન કરવા બદલ સાઇબર સેલમાં ફરિયાદ કરવામાં આવશે અને તેમના ઘરે હલ્લાબોલ કરવામાં આવશે.

શું કહ્યું હતું બજરંગ દળે?


બજરંગ દળના અગ્રણી અને ગુજરાત પ્રાંતના સિનિયર નેતા જ્વલિત મહેતાએ કહ્યું હતું કે હિન્દુ ધર્મને મજાકનું સાધન બનાવવાની હિંમત દાખવનારા ઍક્ટરે એક વખત બીજા ધર્મની મજાક કરીને દેખાડવું જોઈએ. જો એવું કરી દેખાડે તો અમે માનીએ કે તેમણે માત્ર કલાના હેતુથી જ કર્યું છે. જો સિર્દ્ધાથ રાંદેરિયા માફી નહીં માગે તો અમે તેમના ઘરની સામે ધરણાં માંડીશું અને સ્પીકર મૂકીને તેમના ઘરે ગાયત્રી મંત્રના જાપ કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 07:52 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK