મકાઉમાં શાહરુખ ખાનની નજરમાં વસી ગઈ અંકિતા

Published: Jul 14, 2013, 11:11 IST

આઇફા અવોર્ડ્સમાં સિરિયલ પવિત્ર રિશ્તાની આ હિરોઇનને જોઈને કિંગ ખાને તેને પોતાની ફિલ્મ હૅપી ન્યુ યરની હિરોઇન તરીકે સિલેક્ટ કરી લીધી. જોકે આ ફિલ્મ સ્વીકારવા માટે અંકિતાએ એકતા કપૂરને નારાજ કરવી પડશે
‘ચેન્હ્યાંનઈ એક્સપ્રેસ’ રિલીઝ થયા પછી પંદર જ દિવસમાં એટલે કે સપ્ટેમ્બરમાં ફારાહ ખાનની ફિલ્મ ‘હૅપી ન્યુ યર’નું શૂટિંગ શરૂ થવાનું છે. એ ફિલ્મમાં ફાઇનલી શાહરુખ ખાનની લીડ ઍક્ટ્રેસ ઑલમોસ્ટ નક્કી થઈ ગઈ છે. આ ઍક્ટ્રેસ છે ઝી ટીવી પર આવતી ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની મેઇન હિરોઇન અંકિતા લોખંડે. અંકિતાની પસંદગી બીજા કોઈએ નહીં પણ કિંગ ખાને પોતે કરી છે.

દસ દિવસ પહેલાં મકાઉમાં થયેલા આઇફા અવૉર્ડ્સના ફંક્શનમાં અંકિતા પોતાના બૉયફ્રેન્ડ અને ‘કાય પો છે’થી બૉલીવુડમાં એન્ટર થનારા સુશાંત સિંહ રાજપૂત સાથે ગઈ હતી. આ ફંક્શનમાં શાહરુખ ખાને તેને જોઈ. ફિલ્મ ‘હૅપી ન્યુ યર’માં શાહરુખની જે હિરોઇન છે એનું કૅરૅક્ટર એક મહારાષ્ટ્રિયન છોકરીનું છે. આ કૅરૅક્ટર માટે કૅટરિના કૈફ સુધ્ધાંનું નામ વિચારવામાં આવી રહ્યું હતું, પણ અંકિતાને જોયા પછી શાહરુખને લાગ્યું કે મહારાષ્ટ્રિયન છોકરીના રોલ માટે અંકિતા પર્ફેક્ટ છે એટલે તેણે અંકિતા માટે ફારાહને ભલામણ પણ કરી દીધી. અંકિતા પાછી આવી ગઈ એ પછી ફારાહ અને અંકિતા વચ્ચે મીટિંગ પણ થઈ ગઈ અને અંકિતાને સાઇન કરવાનું ફાઇનલ પણ થઈ ગયું છે.

લાંબા સમયથી બૉલીવુડમાં ટ્રાય કરી રહેલી અંકિતા માટે શાહરુખની હિરોઇન બનવાની આ તક ખરેખર સ્વર્ણિમ છે, પણ આ તક મેળવવા માટે તેણે પોતાની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ની પ્રોડ્યુસર એકતા કપૂર સાથે ચીટિંગ કરવી પડશે એ પણ નક્કી છે.

બન્યું એવું છે કે થોડા સમય પહેલાં બૉલીવુડમાં નસીબ અજમાવવા માટે અંકિતાએ ‘પવિત્ર રિશ્તા’ છોડી દીધી હતી, પણ પછી કોઈ કામ મળ્યું નહીં એટલે તે સિરિયલમાં પાછી આવી અને એ પણ પોતાની શરતો સાથે. આ શરત મુજબ અંકિતાએ સિરિયલમાં પોતાના ડબલ રોલની માગણી કરી હતી, જે એકતા કપૂરે માની અને ‘પવિત્ર રિશ્તા’માં અંકિતા માટે ખાસ ડબલ રોલ તૈયાર કરાવડાવ્યો પણ ખરો. જોકે હવે અંકિતાને શાહરુખની ઑપોઝિટમાં લીડ ઍક્ટ્રેસ બનવાની તક મળી રહી છે ત્યારે અંકિતા એકતા કપૂરને છેતરે અને પોતાની શરતો માન્ય રાખવામાં આવી હોવા છતાં તે એકતાની સિરિયલ છોડી દે એવી પૂરી શક્યતા છે. જોકે સિરિયલ સાથે સંકળાયેલા સૌનું કહેવું છે કે સૈદ્ધાંતિક દૃષ્ટિએ અંકિતાએ આ રીતે સિરિયલ ન છોડવી જોઈએ. જોવાનું એ છે કે અંકિતા હવે સિદ્ધાંતને પસંદ કરે છે કે શાહરુખને?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK