સૌમ્યા ટંડને 'ભાબી જી ઘર પર હૈં' શોને કહ્યું ગુડ બાય, આ છે કારણ

Published: 20th August, 2020 15:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રી આવનાર પાંચ વર્ષમાં પણ પોતાને આ જ પાત્રમાં જોવા નથી માંગતી, 21 ઓગસ્ટે કરશે છેલ્લી વાર શૂટિંગ

સૌમ્યા ટંડન
સૌમ્યા ટંડન

એન્ડ ટીવી પર આવતિ સિરિયલ 'ભાબી જી ઘર પર હૈં'માં અનીતા ભાભી ઉર્ફ ગોરી મેમનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલી અભિનેત્રી સૌમ્યા ટંડન (Saumya Tandon)એ શોને ગુડ બાય કહી દીધું છે. પાંચ વર્ષ સુધી શોનો ભાગ રહ્યાં બાદ સૌમ્યા ટંડન 21 ઓગસ્ટના રોજ છેલ્લી વાર 'ભાબી જી ઘર પર હૈં' માટે શૂટિંગ કરશે. અભિનેત્રી શો છોડશે કે નહીં તે વિશે બહુ અફવાઓ ઉડી હતી. આખરે તેણે સ્પષ્ટતા કરી છે કે તે શા માટે શો છોડી રહી છે.

સૌમ્યા ટંડને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ભાબી જી ઘર પર હૈં' સિરિયલ માટે મેં મારો કોન્ટ્રેક્ટ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. 21 ઓગસ્ટ 2020 એટલે કે શુક્રવારે હું આ શો માટે છેલ્લી વાર શૂટિંગ કરીશ. કોરોના મહામારીના સમયમાં કેટલાંક કલાકારો પોતાની નોકરી ગુમાવી રહ્યાં છે ત્યારે જાણીતા અને લોકપ્રિય શોને અલવિદા કહેવું મુશ્કેલ છે. પરંતુ મને લાગે છે કે નોકરી કરવી અને રેગ્યુલર આવક મારા માટે હવે એક્સાઈટિંગ નથી રહી. એટલે હવે મારે એક કલાકાર અને એન્ટરટેઈનર તરીકે મારો વિકાસ કરે તેવા પ્રોજેક્ટ પર કામ કરવું છે. એવું નથી કે 'ભાબી જી ઘર પર હૈં' સિરિયલે મારો વિકાસ ન કર્યો હોય. અલબત્ત આ સિરિયલનું મારા વિકાસમાં મહત્વનું યોગદાન છે. શોમાં મારી સફર પણ બહુ યાદગાર રહી છે. પરંતુ હવે આવનારા પાંચ વર્ષમાં પણ હું પોતાને આ જ પાત્રમાં જોવા નથી માંગતી. એટલે જ હું આ શો છોડી રહી છું.

થોડાક સમય પહેલાં અફવાઓએ જોર પકડયું હતું કે, કોરોના મહામારી લીધે થઈ રહેલા પે કટને કારણે સૌમ્યા ટંડન શો છોડી રહી છે. પછી એવી પણ અફવાઓ હતી કે અભિનેત્રી 'બિગ બોસ'ની આગામી સિઝનમાં ભાગ લેવા માટે શો છોડી દેવાની છે. પરંતુ તેણે આ બધી માત્ર અફવાઓ જ છે તેમ કહ્યું હતું અને શો છોડવાનો પોતાનો નિર્ણય છે તે સ્પષ્ટ કર્યું હતું.

મીડિયા અહેવાલો પ્રમાણે, 'ભાબી જી ઘર પર હૈં' સિરિયલમાં સૌમ્યા ટંડનની જગ્યા 'બિગ બોસ 13' ફૅમ શેફાલી જરીવાલા લઈ શકે છે. જોકે, શોના નિર્માતાઓએ કે અભિનેત્રીએ આ વાતની પુષ્ટિ નથી કરી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK