શા માટે સંદિપ સિંહે સુશાંત અને તેની બહેન સાથેના વૉટ્સએપ ચેટ્સ જાહેર કર્યા?

Updated: Sep 07, 2020, 13:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સંદિપ સિંહે સુશાંત અને પરિવાર સાથેની પોતાની વૉટ્સ એપ ચેટ જાહેર કરી છે અને પોતાની બાજુ સ્પષ્ટ કરવા માટે તેણે આમ કર્યું છે તેમ કહ્યું

સુશાંત અને અંકિતા સાથે સંદિપ સિંહ
સુશાંત અને અંકિતા સાથે સંદિપ સિંહ

બૉલીવૂડ નિર્માતા સંદિપ સિંહ પોતે સુશાંતનો નજીકનો મિત્ર હતો તેવા તેના દાવાને પગલે સુશાંતના પરિવારે તેને માથે માછલાં ધોયાં અને કહ્યું હતું કે તેની વાતો પોકળ હતી અને તે સુશાંતની નજીક ન હતો અને પરિવાર તો તેને ઓળખતો પણ નથી. સુશાંતના પરિવારે એમ પણ કહી દીધું કે સુશાંત 14 જૂને ગુજરી ગયો તેના એક વર્ષ પહેલાનાં ગાળામાં સંદિપ સિંહ તો તેના સંપર્કમાં જ નહોતો કે ન તેમણે એકબીજાનો ફોનથી કોન્ટેક્ટ કર્યો હતો. આ ચર્ચાને પગલે સંદિપ સિંહે સુશાંત અને પરિવાર સાથેની પોતાની વૉટ્સ એપ ચેટ જાહેર કરી છે અને પોતાની બાજુ સ્પષ્ટ કરવા માટે તેણે આમ કર્યું છે તેમ કહ્યું.

જ્યારે આઇએએનએસએ સંદિપને આ અંગે પુછ્યું ત્યારે તે પોતે સુશાંતના સંપર્કમાં કેમ ન હતો તેનો જવાબ તેની પાસે તૈયાર જ હતો. તેણે કહ્યું કે, “એ બહુ મોટો સ્ટાર હતો અને તે છીછોરે તથા દિલ બેચારમાં બીઝી હતો. જાન્યુઆરી 2019થી હું પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના કાસ્ટિંગમાં બિઝી હતો જે એક ગંભીર બાબત છે. એ કંઇ મજાકની વાત છે? હું કંઇ કૉમેડી બનાવી રહ્યો હતો? એ મોટી જવાબદારી હોય કે નહીં? એ ફિલ્મની રિલીઝ વખતે શું થયું તે બધા જ જાણે છે. અમે બંન્ને પોત પોતાના કામમાં બિઝી હતા અને એનો અર્થ એમ નથી કે અમને એકબીજાની પરવા નહોતી. અમે નવરા પડીને ફરી એકબીજાનો સંપર્ક કરત જ.”

સંદિપે એમ પણ કહ્યું કે તેણે આ ચેટ્સ જાહેર કર્યા કારણકે તે ખોટી રીતે મિડીયા ટ્રાયલ અને ક્રિટીઝમનો ભોગ બની રહ્યો હતો.  તેણે ઉમેર્યું કે, “મારું કુટુંબ મને મુંબઇ છોડી દેવા કહે છે, મારી સોસાયટીના લોકો મને ઘર છોડવા કહે છે કારણકે છેલ્લા 20 દિવસથી મારા બિલ્ડીંગની બહાર મીડિયાની ભીડ થાય છે અને હું જ્યારે બહાર નીકળ્યું ત્યારે મારી કારને રોકવાની કોશીશ થાય છે તેની પર હાથ ઠોકવામાં આવે છે, લોકો એરપોર્ટ પર પણ મારો પીછો નથી છોડતા.”

આ વાત થતાં પોતે દેશ છોડી જવાનો હતો તે અફવાની ચર્ચા થઇ અને તેણે કહ્યું કે, “હું દેશ છોડીને યુકે ભાગી જવાનો હતો એ તો બહુ નાનો આરોપ છે. મારી સામે આનાથી મોટા આક્ષેપો પણ છે, એક ભાજપાના લીડરની વાત છે, એક કોંગ્રેસના લીડરનો દાવો છે – મોલેસ્ટેશન-જાતીય સતામણીના કેસની વાત છે, હું ખૂની છું એવું ય કહેવાય છે, મેં ખૂનનું પ્લાનિંગ કર્યું છેથી માંડીને હું ડ્રગ પેડલર છું એવા આરોપ પણ મુકાયા છે મારી પર અને આ બધી અફવાઓ બહુ છે. રોજ મારે માથે નવો આક્ષેપ મુકાય છે જેને કારણે હવે મને ડિપ્રેશન આવ્યું છે અને મારા આત્મવિશ્વાસના ટૂકડે ટૂકડા થઇ ગયા છે વળી મારા પરિવાર પર પણ તેની અસર પડી છે.” જ્યારે તેને પુછાયું કે સુશાંતના મૃત્યના દિવસે તે શા માટે તેને ઘરે હતો અને તેના મોતનાં બે દિવસ બાદ 16મી જૂને તેણે શા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ફોન કર્યો હતો તેના જવાબમાં તેણે કહ્યું કે આવું જ પુછાયા કરશે તો માણસાઇમાં ય કોઇને વિશ્વાસ નહીં રહે અને પછી ઉમેર્યું કે, “મારા દોસ્તનાં મોતનાં સમાચાર સાંભળીને હું એને ઘરે જાઉં એ મારી ભૂલ છે? જ્યારે મીતુ દીદી એકલા હતા અને બાકીનો પરિવાર પટના, ચંદીગઢ અને અમેરિકામાં હતો ત્યારે હું તેમની પડખે રહ્યો એ ભૂલ હતી? મારી ભૂલ તો એ હતી કે બીજા લોકો જે તેના ઘરે કે હૉસ્પિટલ કે અંતિમ ક્રિયામાં ન આવ્યા તેમના જેવું મેં ન કર્યું. લૉકડાઉન અને કોરોનામાં હું તો બધે જ ગયો, હું બિહારી છું અને અમે જ્યારે કોઇ અજાણ્યા માણસની નનામી પસાર થતા જોઇએ તો કાંધ આપતા હોઇએ છીએ જ્યારે સુશાંત તો મારો મિત્ર હતો. હું તો ઇરફાનની અંતિમ ક્રિયામાં પણ ગયો હતો, હું શ્રીદેવીનાં અંતિમ દર્શન વખતે, યશ ચોપરા, જગજીક સિંઘ અને શમ્મી કપૂરજી ગુજરી ગયા ત્યારે પણ હાજર હતો. હું આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું અને મારે પણ મિત્રો છે મારે આ સંબંધોનું માન કે મલાજો નહીં રાખવાનાં?”

તેણે છેક હવે શા માટે કુટુંબ સાથેના ચેટ્સ જાહેર કર્યા તેની સ્પષ્ટતા કરતા સંદિપે કહ્યું કે, “સુશાંત અને મીતુ દીદી સાથેના મારે ચેટ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરવાનું મને યોગ્ય નહોતું લાગતું પણ મારી પાસે બીજો વિકલ્પ પણ નહોતો. હું આટલા દિવસ ચૂપ બેઠો. લોકોએ મારી મા અને બહેનને ગલીચ રીતે સંબોધ્યા પછી તો મારે કંઇ બોલવું પડે ને! તેમને કોણે આમ કંઇપણ બોલવાનો હક આપ્યો. લોકોએ તો એમ પણ લખ્યું છે કે મારે દાઉદ સાથે કનેક્શન્સ છે જો એમ હોય તો પૈસા ક્યાં છે?એમ જ હોય તો હુ લોકોને કેમ કહું છુ કે મારી ફિલ્મોને ફંડિંગ આપે? ”

સંદિપનું માનવું છે કે સુશાંત જેવી વ્યક્તિ ક્યારેક આત્મહત્યા ન કરે કારણકે તે ખુશમિજાજ અને બુદ્ધિશાળી મણસ હતો જો કે તેને કોની પર શંકા છે તે અંગે તે કોઇનું નામ નથી લઇ રહ્યો.

તેણે કહ્યું કે, “સરકાર અને સીબીઆઇ એ જ શોધવાનો પ્રયાસ કરે છે ત્યારે મારે કોઇ જજમેન્ટ નથી બાંધવા કારણકે લોકો મારી સાથે એમ જ કરી રહ્યા છે. મારા કુટુંબને લાગે છે કે મારી કારકિર્દી પતી ગઇ.મારી એ જ પ્રાર્થના છે કે કોઇને આવા સંજોગોમાંથી પસાર ન થવું પડે. મારે માટે જાણે હવે લૉકડાઉન શરુ થયું છે , દિવસોથી હું મારા ઘરની બહાર મીડિયાના ટોળાં જોઉં છું અને મને નથી ખબર કે આ બધું કેવી રીતે હેન્ડલ કરવું.“

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK