અરમાનને મસ્ત ફળી રહ્યો છે સલમાન

Published: 28th November, 2014 08:40 IST

પ્રેમ રતન ધન પાયોમાં રોલ અપાવ્યા બાદ સાજિદ નડિયાદવાલાની બે ફિલ્મો પણ સાઇન કરાવી


બૉલીવુડમાં સ્ટ્રગલ કરતા કલાકારો માટે બિગ બ્રધર ગણાતા સલમાન ખાને અરમાન કોહલીને સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં કામ અપાવ્યા બાદ હવે અરમાનને વધુ કેટલીક ફિલ્મો મળવા લાગી છે. તાજેતરમાં અરમાને ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની બે ફિલ્મો સાઇન કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘મંગળવારે સાજિદ અને અરમાન વચ્ચેની બેઠકમાં અરમાનને બે ફિલ્મોમાં કામ મળ્યું હતું. અરમાન સલમાનના સંપર્કમાં છે અને પોતાના નજીકના ફિલ્મમેકર્સને સલમાન અરમાનની ભલામણ કરી રહ્યો છે.’

જોકે અરમાને કોઈનું નામ લીધા વગર જ આભાર દર્શાવતાં કહ્યું હતું કે ‘શ્રેષ્ઠ લોકો સાથે કામ કરવાની મને તક મળી એ આર્શીવાદ છે. મારું આટલું કામ થયા બાદ હું ખુશ છું અને આભાર દર્શાવવા મારી પાસે શબ્દો નથી. એથી મારા સાચા દિલથી માત્ર થૅન્ક્યુ કહેવા માગું છું.’

૨૧ નવેમ્બરે સલમાનની બહેન અર્પિતાના મૅરેજ-ફંક્શનમાં અરમાન તેના પીઢ ફિલ્મમેકર પિતા રાજકુમાર કોહલી અને માતા નિશી સાથે હાજર રહ્યો હતો. આ પહેલાં ગયા વર્ષે સલમાન જે રિયલિટી ટીવી-શો ‘બિગ બૉસ’માં હોસ્ટ હતો એમાં પણ અરમાન દેખાયો હતો ત્યારે એવી ચર્ચા હતી કે સલમાન હવે અરમાનની ઍક્ટિંગ કરીઅરને ફરીથી પાટે ચડાવવા માટે પ્રયત્નો કરશે.

આ દિશામાં પહેલું પગલું એ ભરાયું કે સલ્લુ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે એવી સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં અરમાનને એન્ટ્રી મળી હતી. ત્યાર બાદ ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાને પડદા પર પોતાના એક ભાઈનો રોલ અરમાનને અપાવ્યો હતો.

૧૯૯૨માં રાજકુમાર કોહલીએ પોતાની ફિલ્મ ‘વિરોધ’થી અરમાનની ઍક્ટિંગ કરીઅર શરૂ કરાવી હતી. ત્યાર બાદ તેની વધુ કેટલીક ફ્લૉપ ફિલ્મોમાં એક ૨૦૦૨ની  ‘જાની દુશ્મન’ હતી અને ત્યાર બાદ તે ૨૦૦૩માં ‘LOC કારગિલ’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અરમાન પડદા પરથી ગાયબ થઈ ગયો હતો અને લગભગ દાયકા બાદ પહેલી વાર ગયા વર્ષે સલમાનના ટીવી-શોમાં દેખાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK