ઍક્ટર અને ક્લૅપર-બૉય તરીકે સલીમ ખાન અને જાવેદ અખ્તરની મુલાકાત થઈ હતી!

Published: 17th March, 2020 12:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સરહદી લુટેરા ફિલ્મમાં સલીમ અભિનેતા હતા અને એ ફિલ્મમાં જાવેદ ક્લૅપર-બૉય તરીકે કામ કરતા હતા

સલીમ ખાન અને જાવેદ અખ્તર
સલીમ ખાન અને જાવેદ અખ્તર

સલીમ ખાન હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હીરો બનવા ઇચ્છતા હતા. એ દિવસોમાં એ સમયના જાણીતા ફિલ્મ-ડિરેક્ટર કે. અમરનાથનું તેમના પર ધ્યાન પડ્યું હતું અને તેઓ સલીમ ખાનની પર્સનાલિટીથી પ્રભાવિત થયા હતા. તેમણે સલીમ ખાનને ઑફર કરી હતી કે હું ‘બારાત’ ફિલ્મ બનાવી રહ્યો છું. એમાં તને સપોર્ટિંગ ઍક્ટર તરીકે સાઇન કરવા ઇચ્છું છું. હું તને સાઇનિંગ અમાઉન્ટ તરીકે ૧૦૦૦ રૂપિયા અને જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ ચાલે ત્યાં સુધી મહિને ૫૦૦ રૂપિયા પગાર આપીશ. સલીમ ખાને ઉમળકાભેર કે. અમરનાથની ઑફરને સ્વીકારી લીધી અને તેઓ માહિમમાં એક નાનકડું મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા. એ સાથે તેમની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત થઈ ગઈ. કે. અમરનાથની ‘બારાત’ ફિલ્મ ૧૯૬૦માં બની અને એ જ વર્ષે રિલીઝ થઈ. જોકે એ ફિલ્મ ચાલી નહીં અને એ ફિલ્મમાં અભિનય કરવાને કારણે સલીમ ખાનને કોઈ ફાયદો પણ ન થયો. એ ફિલ્મમાં તેમનો સપોર્ટિંગ રોલ હતો.

સલીમ ખાન પ્રિન્સ સલીમનો અભિનય કરતા હતા. ‘બારાત’ ફિલ્મ પછી તેઓ બીજી ફિલ્મમાં અભિનય માટે તક શોધવા લાગ્યા. તેમની પર્સનાલિટીને કારણે તેમને ફિલ્મ તો મળવા લાગી, પણ તેમને સપોર્ટિંગ ઍક્ટર તરીકે જ રોલ મળતા હતા અને તેમને મોટા ભાગે ‘બી’ ગ્રેડની ફિલ્મો જ મળતી હતી. તેમણે ૧૦ વર્ષ દરમ્યાન પચીસ ફિલ્મોમાં કામ કર્યું. એમાંથી ઘણી ફિલ્મોમાં તો તેમના એટલા નાના રોલ હતા કે તેમને ઍક્ટર તરીકે ક્રેડિટ પણ મળી નહોતી.

હીરો તરીકે આંખમાં સપનું આંજીને મુંબઈ આવેલા સલીમ ખાનને સમજાયું કે માત્ર હૅન્ડસમ દેખાવાથી હીરો નથી બની જવાતું. ૧૯૭૦ સુધીમાં તેમણે ૨૫ ફિલ્મો કરી એ પૈકીની ૧૪ ફિલ્મોમાં જ તેમને ક્રેડિટ મળી હતી. એ બધી ફિલ્મોમાં ક્રેડિટ સાથે અને ક્રેડિટ વિના કામ કર્યા પછી સલીમ ખાનને સમજાયું કે અહું આપણો અભિનેતા તરીકે ગજ વાગે એમ નથી એટલે તેમણે સ્ક્રિપ્ટ-રાઇટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. તેમણે પ્રિન્સ સલીમ નામથી જ લખવાનું શરૂ કર્યું.

એ અગાઉ ‘સરહદી લુટેરા’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન સલીમ ખાનનો પરિચય એક ક્લૅપર-બૉય સાથે થયો હતો અને બન્ને વચ્ચે દોસ્તી બંધાઈ ગઈ હતી. એ ક્લૅપર-બૉય પણ ફિલ્મલેખક તરીકે સફળતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

એ ક્લૅપર-બૉયને એ ફિલ્મના ડાયલૉગ લખવાની તક મળી હતી. જોકે ડિરેક્ટર એસ.એ.એસ.એમ. સાગરને કોઈ ડાયલૉગ-રાઇટર ન મળ્યો એટલે તેમણે એ ક્લૅપર-બૉયને ડાયલૉગ લખવાની તક આપવી પડી હતી. એ ક્લૅપર-બૉયનું નામ હતું જાવેદ અખ્તર!

જોકે સલીમ-જાવેદની જોડી એ ફિલ્મ પછી બન્નેની કારમી નિષ્ફળતા અને મજબૂરીને કારણે ચાર વર્ષ બાદ બની. એ વિશે પછી વાત કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK