રિચા ચઢ્ઢાએ પાયલ ઘોષ પર 1.1 કરોડનો માનહાનિનો કેસ કર્યો

Published: 6th October, 2020 16:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સાત ઓક્ટોબરે સુનાવણી થશે, જ્યારે પાયલ ઘોષને આ કેસ માન્ય નથી

રિચા ચઢ્ઢા, પાયલ ઘોષ
રિચા ચઢ્ઢા, પાયલ ઘોષ

બૉલીવુડના ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આક્ષેપ મુકનાર એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Gosh)હવે માનહાનિ કેસમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha)એ પાયલ ઘોષ પર માનહાનિનો કેસ કર્યો છે. રિચા ચઢ્ઢાએ પાયલ ઘોષ સહિત કમાલ આર ખાન (KRK) અને ન્યૂઝ ચેનલ પર 1.1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ દાખલ કર્યો છે. હાલમાં બોમ્બે હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખીને સાત ઓક્ટોબરે સુનાવણી હાથ ધરી છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે, જેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે તેમને નોટિસ આપવામાં આવી નહોતી. આથી જ કોર્ટમાં રજૂ કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. તે સમયે પાયલે પોતાની વાત રજૂ કરતી વખતે એમ કહ્યું હતું કે, એવી ઘણી અભિનેત્રીઓ છે જે અનુરાગ કશ્યપ સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પાયલે અભિનેત્રીઓમાં રિચા ચઢ્ઢા, માહી ગીલ તથા હુમા કુરૈશીનું નામ લીધું હતું. પાયલ ઘોષના આ નિવેદનની વિરુદ્ધ રિચા ચઢ્ઢાએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી મંગળવાર, 6 ઓક્ટોબરના રોજ થઈ હતી પરંતુ અહીંયા સામેનો પક્ષકાર હાજર રહ્યો નહોતો. એટલે કેસને એક દિવસ વધારીને બોમ્બે હાઈકોર્ટે સાત ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરી છે.

રિચા ચઢ્ઢાના વકીલે પાયલ ઘોષના સ્ટેટમેન્ટ બાદ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, રિચાએ થર્ડ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિવાદ તથા આક્ષેપમાં તેનું નામ ખોટી રીતે લેવામાં આવ્યું હોવાની કડક નિંદા કરી હતી. રિચાનું માનવું છે કે, કોઈ મહિલાની સાથે જો વાસ્તવમાં કંઈક ખોટું થયું હોય તો તેને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ. કાર્યક્ષેત્રમાં મહિલાઓને સમાન દરજ્જો મળવો જોઈએ અને ત્યાં તેની પ્રતિષ્ઠાને કોઈ પણ આંચ ના આવે તું ધ્યાન રાખવામાં આવે.

જોકે રિચા ચઢ્ઢાએ માનહાનીનો કેસ કર્યા બાદ પાયલ ઘોષે ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'રિચા ચઢ્ઢા સાથે મારે કંઈ લેવા દેવા નથી. મેં તેણીને બદનામ કરી નથી. એટલે હું સમજી નથી શકતી કે તેનો કેસ શું છે. મેં ફક્ત એટલું જ કહ્યું છે, જે મને અનુરાગ કશ્યપે કહ્યું હતું. તે મારો અંગત મત નથી. તેથી આ માનહાનિનો કેસ માન્ય નથી. પણ જો તેણીએ એવું કહ્યું છે તો હું તેનો સામનો કરીશ અને આ બાબતનો ખુલાસો કરીશ.'

તમને જણાવી દઈએ કે, પાયલ ઘોષ હાલમાં દિલ્હીમાં છે. તેણે મંગળવાર એટલે કે છ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની સમક્ષ હાજર થઈ હતી. એક્ટ્રેસની સાથે તેના વકીલ નિતિન સતપુતે પણ હતા. NCWની સામે બે કેસ છે, એક કેસ પાયલ ઘોષનો છે અને બીજો કેસ રિચા ચઢ્ઢાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK