ફિલ્મ-રિવ્યુ સૅટેલાઇટ શંકરઃ જનની ને જન્મભૂમિ વચ્ચેની દાસ્તાન

Published: Nov 09, 2019, 11:55 IST | Mumbai

સૂરજે ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવ્યું છે. તે તેની ઇમૅજિનેશન અને નકલ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતો હોય છે. આ કારણસર તેને ‘સૅટેલાઇટ શંકર’ નામ આપવામાં આવ્યું હોય છે.

સેટેલાઈટ શંકરનું એક દ્રશ્ય
સેટેલાઈટ શંકરનું એક દ્રશ્ય

દેશભક્તિ અને માનો પ્રેમ બન્ને કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વના છે. સામાન્ય વ્યક્તિ મમ્મીના પ્રેમ સાથે કદાચ વધુ કનેક્ટ થઈ શકે, કારણ કે તેઓ બૉર્ડરની જગ્યાએ તેમની મમ્મી સાથે રહેતા હોય છે. જોકે એક ભારતીય સેનાના જવાન માટે મમ્મી અને જન્મભૂમિ બન્નેમાં જન્મભૂમિ મહત્ત્વની હોય છે. તેઓ હંમેશાં ફૅમિલી પહેલાં દેશને પસંદ કરે છે અને તેમને એની ફરજ પણ પાડવામાં આવે છે. આ જ વિષય પર ડિરેક્ટર-રાઇટર ઇરફાન કામલે ‘સૅટેલાઇટ શંકર’ બનાવી છે. ‘હીરો’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સૂરજ પંચોલીની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મ એક રીતે જોવા જઈએ તો સલમાન ખાનની ‘જય હો’નું ‘2.0’ વર્ઝન છે. ઘણા સમય બાદ બૉલીવુડમાં આવી કોઈ પૉઝિટિવ ફિલ્મ બની છે. ઘણી વાર ફિલ્મ પાસેથી આશા રાખવામાં આવે છે, પરંતુ આ એક એવી ફિલ્મ છે જેમાં કોઈ આશા નહોતી રાખવામાં આવી પણ એમ છતાં એ દર્શકોના દિલને એક વાર ટચ જરૂર કરી જશે.
ફિલ્મની સ્ટોરી
સૂરજે ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવ્યું છે. તે તેની ઇમૅજિનેશન અને નકલ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતો હોય છે. આ કારણસર તેને ‘સૅટેલાઇટ શંકર’ નામ આપવામાં આવ્યું હોય છે, કારણ કે તે ગમે ત્યાંથી ગમે તે જગ્યાએ લોકોના દિલના તાર જોડી દે છે. તે કાશ્મીરમાં કૅમ્પમાં હોય છે. બૉર્ડર પર ક્રૉસ ફાયરમાં તેને નાનકડી ઈજા થાય છે અને તેને આરામ કરવાનું કહેવામાં આવે છે. તેના કમાન્ડિંગ ઑફિસર પાસે વિનંતી બાદ તેને આઠ દિવસ ઘરે જઈને આરામ કરવાની છૂટ મળે છે. તે છેલ્લા એક વર્ષથી તેના ઘરે ન ગયો હોવાથી તેને આ છુટ્ટી મળે છે. જોકે ટ્રેનમાં એક વૃદ્ધ કપલને મળે છે. તેઓ ખોટી ટ્રેનમાં બેસી ગયા હોય છે અને તેમને તેમની જગ્યા પર પહોંચાડવા માટે શંકરની પોતાની ટ્રેન છૂટી જાય છે. આ ટ્રેન છૂટતાં શરૂ થાય છે ફિલ્મની સ્ટોરી. તે ઘરે જવા માટે રોડનો ઉપયોગ કરે છે અને એક પછી એક શહેરમાંથી પસાર થતાં તે કુન્નૂર પહોંચવાનું પ્લાનિંગ કરે છે. જોકે તેને રસ્તે જે પણ મળે છે તેની તે મદદ કરતો જાય છે અને આ મદદ દ્વારા ફિલ્મમેકર્સે ઘણા મુદ્દાને ઉછાળ્યા છે.
સોશ્યલ ઇશ્યુ
આ ફિલ્મ એક રીતે જોવા જઈએ તો પૉઝિટિવિટીની સાથે દેશમાં ચાલી રહેલા સોશ્યલ ઇશ્યુ પર પણ કમેન્ટ કરે છે. રેલવે-સ્ટેશન પર કે ગમે ત્યાં લોકો પોતાની લાઇફમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમની આસપાસની વ્યક્તિને મદદ કરવાનો વિચાર સુધ્ધાં નથી લાવતા. ટ્રેન ચૂકી ગયા બાદ રેલવે-સ્ટેશનની બહાર ઊભેલા ટૅક્સી-ડ્રાઇવર મુસાફરની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ ભાડું વસૂલ કરે છે એનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફૅમિલીમાં જ્યારે એક ભાઈ વધુ સમય ઘરની બહાર હોય ત્યારે બીજો ભાઈ કેવી રીતે જમીન પડાવી લેતો હોય છે એને પણ આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યું છે. પોલીસ અને પૉલિટિશ્યન મળીને કેવી રીતે નાનકડા બિઝનેસમૅન પાસે ગુંડાઓની મદદથી ગેરકાનૂની રીતે પૈસા વસૂલ કરે છે એનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુંડાઓ જ્યારે કોઈ વ્યક્તિને મારતા હોય ત્યારે અન્ય લોકો કેવી રીતે ઊભા રહી તમાશો જુએ છે તેમ જ વિડિયો શૂટિંગ કરતા રહે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ ઍક્સિડન્ટ થયો હોય તો પણ લોકોએ સૂઝબૂજનો ઉપયોગ કરીને લોકોની મદદ કરવી જોઈએ, પરંતુ તેઓ ફક્ત તમાશો જોતા રહે છે. તેમ જ કાશ્મીરમાં ભારતીય સૈનાને દુશ્મન સમજી તેમના પર પથ્થરબાજી કરવામાં આવે છે એ પણ દેખાડવામાં આવ્યું છે.
પર્ફોર્મન્સ
સૂરજ પંચોલીએ પહેલી ફિલ્મ કરતાં આ ફિલ્મમાં સારું કામ કર્યું છે. જોકે તેણે ઍક્ટર તરીકે ઘણી મહેનત કરવાની બાકી છે. ફિલ્મમાં ઘણા પ્રૉબ્લેમ છે. સ્ક્રીનપ્લેથી લઈને ડિરેક્શનમાં બધી જગ્યાએ પ્રૉબ્લેમ જોવા મળે છે. ઇન્ટરવલ પહેલાંનો પાર્ટ થોડો બોરિંગ લાગે છે. તેમ જ કાશ્મીરથી લઈને કુન્નૂર સુધીની રોડ ટ્રિપ દેખાડવામાં આવી હોય ત્યારે ડિરેક્ટર તમામ લોકેશનને વધુ સારી રીતે દેખાડી શક્યો હોત. તેમ જ બે ભાઈ વચ્ચે‍ ઘરમાં જ્યારે બબાલ થાય છે એ દૃશ્ય સારું હતું, પરંતુ જોઈએ એટલું કનેક્ટ નથી થઈ શક્યું. ‘મિશન ઓવર માર્સ’ અને ‘ટાઇપરાઇટર’ જેવા વેબ-શોમાં જોવા મળેલી પાલોમી ઘોષે આ ફિલ્મમાં બ્લૉગરનું પાત્ર ભજવ્યું છે. શંકરે તેને મદદ કરી હોય છે અને એથી દુનિયા સામે તેને હીરો સાબિત કરવા માટે તે બ્લૉગનો ઉપયોગ કરે છે. ફિલ્મમાં સૌથી મહત્ત્વનું પાત્ર મેઘા આકાશે ભજવ્યું છે. સાઉથ ઇન્ડિયામાં રહેતી પ્રમિલાનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેની એન્ટ્રીથી સ્ક્રીન પર એક નવી ચમક આવી જાય છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ છે. તેની અને શંકરની કેમિસ્ટ્રીને સ્ક્રીન પર અદ્ભુત દેખાડવામાં ઇરફાન સફળ રહ્યો છે. સાઉથ ઇન્ડિયાની વ્યક્તિ જ્યારે પણ હિન્દી બોલે છે ત્યારે એકદમ અલગ હોય છે અને એને ખૂબ જ સહજતાથી દેખાડવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ વનલાઇનર્સે પણ ખૂબ જ કામ કર્યું છે. પ્રમિલા એક ડાયલૉગ બોલે છે કે ‘તુમ સૅટેલાઇટ હો કે ટ્યુબલાઇટ?’ આવા ઘણાં વનલાઇનર્સ હસાવવા માટે પૂરતાં છે.
પ્લસ પૉઇન્ટ
ફિલ્મમેકર્સે શંકરને તેના બેઝ પર પહોંચાડવા માટે ઇન્ડિયાને એક કરવાનું કામ કર્યું છે. ઇન્ડિયા પર જ્યારે પણ કોઈ સંકટ આવ્યું ત્યારે સમગ્ર દેશ એક થયો છે. આથી જ ઇરફાને એક આર્મીના એક સૈનિકને મદદ કરવા માટે ફરી ઇન્ડિયાને એક કરવાનું કામ કર્યું છે અને એમાં તે સફળ પણ રહ્યો છે. ફિલ્મમાં એન્ડમાં શંકર જ્યારે કાશ્મીર પહોંચે છે ત્યારે તેના પર પથ્થરબાજી થાય છે. વધુ વિચારતાં દિમાગમાં એક સવાલ થાય છે કે શંકર હાલમાં એક વ્યક્તિને જીપ પર બાંધીને પોતાની રક્ષા કરશે. ૨૦૧૭ના એપ્રિલમાં થયેલી ઘટનાનું ફિલ્મમાં ફરી પુનરાવર્તન કરવામાં આવશે એવું લાગે છે. જોકે મેકર્સ અહીં કોઈ પણ જાતની નેગેટિવિટી નથી દેખાડતા. શંકરનો વિરોધ કાશ્મીરના લોકો જ કરે છે અને ત્યાંના જ લોકો તેની મદદે પણ આવે છે. અહીં ડાયલૉગ છે કે આજે જો શંકર હારી ગયો તો દેશમાં ઇન્સાનિયત મરી જશે. આથી આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ છે કે એક પણ જગ્યાએ નેગેટિવ દૃશ્ય કે ડાયલૉગ નથી.

સ્ટાર- 2.0
માઇન્સ પૉઇન્ટ
શંકરને એક તરફ દેશના તમામ લોકો મદદ કરે છે. તે સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચૅનલ પર સતત છવાયેલો રહે છે. તે રાતોરાત હીરો બની ગયો હોય છે. જોકે શંકરને એની ખબર નથી હોતી, પરંતુ આર્મીને એની જાણ કેમ નથી હોતી એ એક સવાલ છે. દેશની સાથે દુનિયાભર પર નજર રાખનારી આર્મીના ધ્યાનમાં આ વાત કેવી રીતે ન આવી એ સૌથી મોટો પ્રશ્ન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK