રાજકુમારે બિગ બીને સુપરસ્ટાર બનાવ્યા

Published: Feb 13, 2020, 13:12 IST | Ashu Patel | Mumbai Desk

એક્સ્ટ્રા શૉટ્સ : ઝંજીરમાં ફિલ્મની ઑફર રાજકુમારે ફગાવી દીધી હતી એટલે પ્રકાશ મેહરાએ નવા હીરોને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું

ધર્મેન્દ્રએ ‘સમાધિ’ ફિલ્મની સ્ક્રિપ્ટ સામે પ્રકાશ મેહરાને ‘ઝંજીર’ ફિલ્મની સ્ક્રિપ્ટ ઑફર કરી. એ પછી પ્રકાશ મેહરાએ એ ફિલ્મના હીરો તરીકે કોઈ ટોચના હીરોને સાઇન કરવા માટે ખૂબ મથામણ કરી હતી. ધર્મેન્દ્ર તો એટલા વ્યસ્ત હતા કે તેમણે એ ફિલ્મમાં અભિનય કરવાની અક્ષમતા દર્શાવી દીધી હતી. એ દરમિયાન જ તેમણે ‘સમાધિ’ ફિલ્મનું ડિરેક્શન પ્રકાશ મેહરાને અપાવી દીધું હતું.
‘ઝંજીર’ ફિલ્મની સ્ટોરી સલીમ ખાને લખી હતી અને સ્ક્રિપ્ટ સલીમ-જાવેદે સાથે મળીને લખી હતી. પ્રકાશ મેહરાએ રાજકુમારને હીરો તરીકે લઈને એ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં આક્રમક ઇન્સ્પેક્ટરનું પાત્ર હતું અને રાજકુમાર તેમની ઇમેજ પ્રમાણે એ ફિલ્મના હીરોના રોલમાં પર્ફેક્ટ ફિટ બેસે એમ હતા. પ્રકાશ મેહરાએ ‘ઝંજીર’ની સ્ટોરી સંભળાવવા માટે રાજકુમારનો સમય માગ્યો. રાજકુમારે તેમને પોતાના ઘરે મળવા બોલાવ્યા. પ્રકાશ મેહરાએ તેમને સ્ટોરી સંભળાવી.
રાજકુમારને એ સ્ટોરી પસંદ પડી ગઈ. પણ એમ છતાં તેમણે સાફ શબ્દોમાં એ ફિલ્મ સાઇન કરવાની ના પાડી દીધી! પ્રકાશ મેહરા દ્વિધામાં મુકાઈ ગયા. એક બાજુ રાજકુમારે કહ્યું હતું કે ‘યે સ્ટોરી બહુત અચ્છી હૈ. યે સ્ટોરી પે બઢિયા ફિલ્મ બન સકતી હૈ’ પણ બીજી બાજુ તેમણે એ ફિલ્મ સાઇન કરવાની ઘસીને ના પાડી દીધી.
રાજકુમારનો આક્રમક સ્વભાવ હતો એટલે તેમની સાથે વાત કરતાં મોટા-મોટા ડિરેક્ટર્સ પણ સાચવીને બોલતા. અને પ્રકાશ મેહરા તો એ વખતે કોઈ મોટા ડિરેક્ટર હતા નહીં. પ્રકાશ મેહરાએ તેમને ડરતાં-ડરતાં પૂછ્યું કે ‘તમે કહો છો કે આ ફિલ્મની સ્ટોરી તમને ખૂબ જ પસંદ પડી છે તો પછી ફિલ્મ સાઇન કરવાની કેમ ના પાડો છો?’
ત્યારે રાજકુમારે એકદમ સ્પષ્ટ શબ્દોમાં તેમને કહી દીધું કે ‘સ્ટોરી તો બહુ સારી છે, પણ મને તમારી સૂરત પસંદ નથી આવી! તમારો ચહેરો મને પસંદ નથી પડ્યો એટલે હું તમારી ફિલ્મ નહીં કરું!’
છેવટે પ્રકાશ મેહરાએ કોઈ નવા હીરો સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ પછી તેમણે અમિતાભ બચ્ચનને સાઇન કરીને ‘ઝંજીર’ ફિલ્મ બનાવી અને એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. એ ફિલ્મને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોમૅન્ટિક ફિલ્મોની જગ્યાએ ઍક્શન પૅક્ડ ફિલ્મ્સનો દોર શરૂ થયો અને અમિતાભ બચ્ચનનો સુપરસ્ટાર તરીકે ઉદય થયો. એટલે એવું કહી શકાય કે રાજકુમારને કારણે અમિતાભને સુપરસ્ટાર બનવાની તક મળી. તેમણે એ ફિલ્મ રિજેક્ટ કરી એટલે અમિતાભ બચ્ચનને એ ફિલ્મ મળી અને એ ફિલ્મને કારણે અમિતાભની ઍન્ગ્રી યંગ મૅન તરીકેની ઇમેજ ઊભી થઈ ગઈ અને તેમની સામે ઘણીબધી ફિલ્મ્સની ઑફરનો ઢગલો થઈ ગયો અને તેઓ સુપરસ્ટાર બની ગયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK