શત્રુઘ્ન સિંહાની તબિયતના હાલચાલ પૂછવા ખાસ મુંબઈ આવશે રજનીકાન્ત

Published: 19th August, 2012 04:56 IST

રજનીકાન્ત અને શત્રુઘ્ન સિંહાએ ૨૬ વર્ષ પહેલાં પ્રોડ્યુસર કે. સી. બોકાડિયાની ‘અસલી નકલી’માં કામ કર્યું હતું અને બન્ને વચ્ચે ત્યારથી ગાઢ મિત્રતા છે. તાજેતરમાં શત્રુઘ્ન સિંહાની તબિયત ખરાબ થઈ જતાં તેમણે થોડો સમય હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જેના કારણે હવે રજનીકાન્ત તેમના આ ખાસ મિત્રની તબિયતના હાલચાલ પૂછવા ખાસ મુંબઈ આવવાનો છે.

rajni-mumbaiઆ મુદ્દે વાત કરતાં રજનીકાન્તની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આ બન્નેમાં પહેલાં રજનીસરની તબિયત બગડી હતી અને પછી શત્રુઘ્ન સિંહા બીમાર પડ્યા હતા. તેઓ એકબીજાથી દૂર હતા, પણ સતત તેમની પત્નીઓના માધ્યમથી એકબીજાની તબિયતની ખબર રાખી રહ્યા હતા. રજનીકાન્તે પોતાની બીમારીના અનુભવને આધારે શત્રુઘ્નને બીમારીમાંથી સાજા થઈને ઘરે આવ્યા બાદ ખોરાક અને જીવનશૈલીની કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે એની માહિતી પણ આપી હતી.’

શત્રુઘ્ન સાથેની રજનીકાન્તની મિત્રતા વિશે માહિતી આપતાં શત્રુઘ્નની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘શત્રુઘ્નજીને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી રજનીસર નિયમિત રીતે ચેન્નઈથી ફોન કરીને હાલચાલ પૂછતા રહે છે. શત્રુઘ્નજીની તબિયતમાં એકાએક સમસ્યા ઊભી થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એટલે પરિવારજનોની જેમ જ રજનીસર પણ ગભરાઈ ગયા હતા.’

શત્રુઘ્નની તબિયત પૂછવા માટે રજનીકાન્તની મુંબઈ મુલાકાત વિશે વાત કરતાં શત્રુઘ્નનો નજીકનો એક મિત્ર કહે છે, ‘રજની અને શત્રુઘ્ન બન્ને સૅજિટેરિયન છે. રજની શત્રુઘ્નને પોતાના ગુરુ માને છે, કારણ કે જ્યારે રજનીકાન્ત નવોદિત હતા ત્યારે તેઓ શત્રુઘ્નને પોતાનો આદર્શ માનતા હતા અને તેમણે શત્રુઘ્નની ‘રામપુર કા લક્ષ્મણ’ ૩૬ વખત જોઈ હતી. તેઓ એકબીજાની બહુ નજીક છે. રજનીસર શત્રુઘ્ન હૉસ્પિટલમાંથી ઘરે આવે એની જ રાહ જોઈ રહ્યા હતા અને હવે તેઓ અનુકૂળતાએ ચેન્નઈથી મુંબઈ તેમની ખબર કાઢવા આવી જશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK