Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજેશ ખન્નાએ ગુજરાતી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી

રાજેશ ખન્નાએ ગુજરાતી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી

02 January, 2020 12:18 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

રાજેશ ખન્નાએ ગુજરાતી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી

 રાજેશ ખન્નાએ ગુજરાતી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી


યસ, તમે બરાબર જ વાંચ્યું છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ફિલ્મનું વિતરણ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કર્યું હતું (અને રાજેશ ખન્ના એ વખતે સુપરસ્ટાર બની ચૂક્યા હતા). ઉપેન્દ્ર ત્રિવેદીએ એ ફિલ્મ મનુભાઈ પંચોળીની અદ્ભુત નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ પરથી બનાવી હતી. તેમણે જ એ ફિલ્મ લખી હતી અને ડિરેક્ટ પણ કરી હતી.

એ વખતના ધુરંધર ફિલ્મસર્જક શક્તિ સામંતે રાજેશ ખન્નાને હીરો તરીકે લઈને ‘આરાધના’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મે ધૂમ મચાવી હતી અને એ ફિલ્મથી રાજેશ ખન્નાની હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી. એ ફિલ્મે બધા રેકૉર્ડ તોડી નાખ્યા હતા. (બાય ધ વે, ‘આરાધના’ ૧૯૬૯માં રિલીઝ થઈ એ અગાઉ રાજેશ ખન્નાની ‘આખરી ખત’ (૧૯૬૬), ‘રાજ’, ‘ઔરત’, બહારોં કે સપનેં’ (૧૯૬૭) અને ‘શ્રીમાનજી’ (૧૯૬૮) જેવી ફિલ્મ આવી ચૂકી હતી, પણ ૧૯૬૯માં ‘આરાધના’ અને રાજ ખોસલાની ‘દો રાસ્તે’ ફિલ્મ એક મહિનાના સમયગાળામાં જ (‘આરાધના’ ૧૯૬૯ની ૭ નવેમ્બરે અને ‘દો રાસ્તે’ ૧૯૬૯ની ૫ ડિસેમ્બરે) સુનામીની જેમ આવી હતી અને રાજેશ ખન્ના દેશભરમાં છવાઈ ગયા હતા. એ બન્ને ફિલ્મ એકસાથે ધૂમ મચાવતી રહી હતી અને બન્ને ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી ઊજવી હતી. ‘આરાધના’એ એ સમયમાં બૉક્સ ઑફિસ પર ૧૭ કરોડ, ૮૫ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એ ફિલ્મની જગતભરમાં ૪ કરોડ, ૭૪ લાખ ટિકિટ્સ વેચાઈ હતી. અત્યારના સમયના મોટા બૅનરની ફિલ્મની ટિકિટના દર પ્રમાણે ગણતરી કરીએ તો એ ફિલ્મનું બૉક્સ ઑફિસ પર ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુ કલેક્શન હતું અને એ અરસામાં જ શક્તિ સામંત અને રાજેશ ખન્નાએ સાથે મળીને શક્તિરાજ ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી હતી જે ફિલ્મોનું ડિસ્ટ્રિબ્યુશન કરતી હતી.



‘ઝેર તો પીધાં જાણી જાણી’ ફિલ્મનું વિતરણ રાજેશ ખન્ના અને શક્તિ સામંતની શક્તિરાજ ફિલ્મ્સે કર્યું હતું એ માહિતીની ખાતરી કરવા માટે મેં ઉપેન્દ્ર ત્રિવેદીના ભત્રીજા અને વર્તમાન સમયના ટોચના નાટ્યનિર્માતા કૌસ્તુભ ત્રિવેદીનો સંપર્ક કર્યો.


કૌસ્તુભભાઈ ‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે વાત કરતાં કહે છે, ‘હા, ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ફિલ્મનું વિતરણ શક્તિ સામંત અને રાજેશ ખન્નાની કંપનીએ કર્યું હતું. શક્તિ સામંત અને રાજેશ ખન્નાની કંપની ‘શક્તિરાજ ફિલ્મ્સ’ની ઑફિસ મુંબઈના તાડદેવ વિસ્તારમાં બૉમ્બે ઍરકન્ડિશન્ડ માર્કેટમાં હતી. રાજેશ ખન્ના પણ એ ઑફિસમાં જતા હતા અને ત્યાં તેમની મીટિંગ્સ થતી હતી. રાજેશ ખન્ના અને ઉપેન્દ્ર ત્રિવેદીએ ક્યારેય સાથે કામ કર્યું નહોતું, પરંતુ તે બન્ને એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હતા.’

કૌસ્તુભ ત્રિવેદીએ એ ફિલ્મ વિશે અન્ય રસપ્રદ માહિતી પણ આપી. કૌસ્તુભભાઈ કહે છે કે ઉપેન્દ્રભાઈએ બજેટને ધ્યાનમાં રાખીને ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ અડધી બ્લૅક ઍન્ડ વાઇટમાં હતી અને અડધી કલરમાં હતી.


એ ફિલ્મના મુખ્ય કલાકારો હતા અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી. એ ફિલ્મમાં અવિનાશ વ્યાસે સંગીત આપ્યું હતું અને એ વખતના ટોચના ગાયકો આશા ભોંસલે, મન્ના ડે, સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરે ગીતો ગાયાં હતાં.

કૌસ્તુભભાઈ કહે છે કે એ ફિલ્મ બનાવતા અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નાટક પણ બનાવ્યું હતું. એ સુપરહિટ સાબિત થયું હતું. એ નાટકના એ સમયમાં ૧૦૦ શો થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 12:18 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK