પ્રિયંકા ચોપડા સાથે કોણ પૉલિટિક્સ રમ્યું?

Published: 17th December, 2014 03:37 IST

સ્ટારડસ્ટના અવૉર્ડ-ફંક્શનમાં પર્ફોર્મ કરવાનું છેલ્લી ઘડીએ માંડી વાળ્યું અને ટ્વિટર પર મભમ ઇશારો કર્યો




રવિવારે મુંબઈમાં યોજાયેલા સ્ટારડસ્ટના અવૉર્ડ-ફંક્શનમાં પ્રિયંકા ચોપડા પર્ફોર્મ કરવાની હતી અને એ માટે તેણે રિહર્સલથી માંડીને બધી જ પૂર્વતૈયારીઓ પણ કરી હતી, પણ બાર કલાક પહેલાં પ્રિયંકાએ પોતાનો પર્ફોર્મન્સ કૅન્સલ કર્યો હતો. બીજા કામના નામે પ્રિયંકાએ ઑર્ગેનાઇઝરની પાસે પર્ફોર્મન્સ કૅન્સલ તો કરાવ્યો, પણ હકીકત એ હતી કે એ સાંજે પ્રિયંકા બીજે ક્યાંય નહીં પણ પોતાની મમ્મી મધુ ચોપડા સાથે હતી અને તેણે એ ફોટોગ્રાફ પણ સોશ્યલ નેટવર્ક સાઇટ પર શૅર કર્યા.

જ્યારે પર્ફોર્મન્સનું રિહર્સલ ચાલી રહ્યું હતું ત્યારે પ્રિયંકાએ કોઈ જાતના વાંધાવચકા કે વિરોધ જતાવ્યો નહોતો એટલે જ્યારે તેણે પોતાનો પર્ફોર્મન્સ કૅન્સલ કરાવ્યો ત્યારે ઑર્ગેનાઇઝર માટે તો એ શૉકિંગ ન્યુઝ હતા. પ્રિયંકાના પર્ફોર્મન્સ માટે ક્રીએટિવ ટીમ ઑલરેડી મહેનત કરી રહી હતી અને અચાનક જ પ્રિયંકાએ બીજા કામના નામે પોતાની આઇટમ કૅન્સલ કરી નાખી. પ્રિયંકાના કારણે આખા પ્રોગ્રામની સ્ક્રિપ્ટ અને પર્ફોર્મન્સને ચેન્જ કરવા પડ્યાં હતાં.

રવિવારે પોતાનો પર્ફોર્મન્સ કૅન્સલ કરાવ્યા પછી પ્રિયંકા મમ્મી સાથે ઘરે રહી હતી. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું હતું કે સાંજ ઘરે મમ્મી સાથે રહીને વિતાવી, મમ્મીનો પ્રેમ મારા માટે જરૂરી હતો એવું લાગ્યું.

આ ટ્વીટ પછી પ્રિયંકાએ બીજું ટ્વીટ કર્યું એમાં તેની ઇવેન્ટ માટેની નારાજગી દેખાઈ રહી હતી. પ્રિયંકાએ લખ્યું હતું કે ‘મને સમજાઈ ગયું છે કે પૉલિટિક્સ પણ કળાનો એક પ્રકાર છે. એ છતાંય કળાના ક્ષેત્રમાં એ પ્રવેશે ત્યારે દિલ દુખે છે. આજે મને આ પાઠ શીખવા મળ્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK