પ્રીતિ પણ હૉલીવુડથી પ્રેરિત

Published: 14th October, 2011 20:49 IST

પ્રીતિ ઝિન્ટાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘ઇશ્ક ઇન પૅરિસ’માં એક ફ્રેન્ચ ઍક્ટર હશે ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ એક એવી રોમૅન્ટિક ફિલ્મ હશે જેમાં ભારતીય યુવતીને ફ્રેન્ચ યુવક સાથે પ્રેમ થાય. જોકે હવે એવું પણ કહેવામાં આવે છે કે ફિલ્મની સ્ટોરી હૉલીવુડની ખૂબ જ સફળ થયેલી ફિલ્મ ‘બિફોર સનરાઇઝ’ની સ્ટોરી પરથી ઘણી પ્રેરિત હશે.

તેના પ્રોડક્શનની પહેલી ફિલ્મ ‘ઇશ્ક ઇન પૅરિસ’ રોમૅન્ટિક ‘બિફોર સનરાઇઝ’ની સ્ટોરી પરથી બનાવવામાં આવશે

પ્રીતિ ફિલ્મમાં એક ફ્રેન્ચ ઍક્ટર સાથે જોવા મળશે. આ ઍક્ટર કોણ છે એની જાણકારી ફિલ્મની ટીમને પણ નથી. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચ ફિલ્મોમાં તે ઘણો મોટો સ્ટાર ગણવામાં આવે છે. જોકે શરૂઆતમાં તેને ઍક્ટર શોધવામાં તકલીફ થઈ હતી. કોઈ મોટો સ્ટાર તેની સાથે કામ કરવા માટે તૈયાર નહોતો થયો, પણ આ સ્ટારે ફિલ્મ સ્વીકારતાં પ્રીતિને રાહત થઈ છે. ‘ઇશ્ક ઇન પૅરિસ’નું શૂટિંગ નવેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થશે.

ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ફ્રાન્સમાં કરવામાં આવશે અને આ દેશનાં જાણીતાં સ્થળો જેમ કે એફિલ ટાવર અને લુવર મ્યુઝિયમનું ફિલ્મમાં ઘણું મહત્વ હશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રેમ સોની (‘મૈં ઔર મિસિસ ખન્ના’ના દિગ્દર્શક)એ લખી છે અને તે જ આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

‘બિફોર સનરાઇઝ’ની સ્ટોરી

૧૯૯૫માં આવેલી આ રોમૅન્ટિક-ડ્રામા એક અમેરિકન યુવાન અને ફ્રેન્ચ યુવતીની લવસ્ટોરી પર બનાવવામાં આવી હતી. બન્ને યુરોપ ફરવા માટે નીકળ્યાં હોય છે અને અનાયાસે વિયેનામાં તેમની મુલાકાત થાય છે અને એક રોમૅન્ટિક સાંજ તેઓ સાથે ગાળે છે. જોકે બન્ને એ જાણે છે કે એકસાથે ગાળેલી આ તેમની એકમાત્ર સાંજ હશે. ફિલ્મને ક્રિટિકલી અને કમર્શિયલી ઘણી સફળતા મળી હતી. ફિલ્મની સીક્વલ ‘બિફોર સનસેટ’ પણ બનાવવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK