લવની લવ સ્ટોરીઝ: સ્લોમોશનમાં શ્રુંગારરસમાં તરબોળ થવાનો મોકો

Updated: Feb 06, 2020, 13:11 IST | Shilpa Bhanushali, chirantana Bhatt | Mumbai Desk

લવની લવ સ્ટોરીઝમાં રસ લેશો તો સ્લોમોશનમાં શ્રુંગારરસમાં તરબોળ થઇ જશો એ પ્રોમિસ

પ્રેમની પરિભાષા તમે લોકોને પૂછવા જાઓ તો લગભગ જેટલા મોઢાં એટલી વાતો અને એટલા અર્થ પણ જો ખરેખર પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ કરતાં જાણવો હોય તો આ ફિલ્મના પાત્ર લવ પાસેથી શીખવા જેવું છે. જેને માત્ર પ્રેમ આપવો છે, નિસ્વાર્થ પ્રેમ, આશા વગરનો અને અનહદ.

દુર્ગેશ તન્નાની 'લવની લવસ્ટોરીઝ' ફિલ્મ જોવા બેસીએ એટલે કરણ જોહરની ફિલ્મોમાં જે કેન્ડી ફ્લોસ પિંક અને રેડ રોમાન્સ હોય છે તેની ક્ષણો તમને તમારી ભાષામાં પિરસાતી હોય તેવું લાગે એ ચોક્કસ.

એક છોકરો અને ત્રણ છોકરીઓ, ત્રણેય વચ્ચે એક કોમન તંતુ છે પ્રેમ. જોકે પ્રતિક ગાંધીના પાત્ર લવ માટે પ્રેમ એક ફેક્ટર નથી આદત છે. શેક્સપિયરના 'ટ્વેલ્વથ નાઇટ' નાટકમાં એક પાત્રનું વર્ણન કંઇક એ પ્રમાણે હતું કે તેને પ્રેમ કોની સાથે છે તેની બધાં કરતાં તેને પ્રેમમાં હોવાના આઇડિયા સાથે પ્રેમ છે. પ્રતિક ગાંધીના પાત્રને પણ હાલતા ચાલતા પ્રેમ થઇ જાય છે. એ એટલો પ્રેમાળ છે કે જેને પ્રેમ કરે છે એ બીજાને પ્રેમ કરે છે તો એને ભગાડી જવા માટે ય તૈયાર થઇ જાય. લવનું ક્યૂટ પાત્ર પ્રેમમાં પડ્યા કરે છે. તેને પહેલાં મળે છે મિષ્ટી એટલે કે શ્રધ્ધા ડાંગર. પ્રેમ સ્લો મોશનમાં થતો હોય ત્યારે એની મજા જ જૂદી હોય છે. વ્યોમા નાંદીનું પાત્ર સોનમ જ્યારે લવને મળે છે ત્યારે 'પ્યાર દોસ્તી હૈ' કે 'દો પ્યાર કરને વાલે કભી દોસ્ત નહીં હો સકતે' વાળી બંન્ને ઘટનાઓ ઘટે છે. પ્રિતી એટલે કે દીક્ષા જોશીનું પાત્ર લવને યસ-નોની ગેઇમ રમાડ્યા કરે છે.

હવે લવ ફાઇનલી કોની સાથે જોડાય છે એ અહીં કહેવાની મજા નહીં આવે એ માટે તમારે સિનેમા હોલમાં જવું પડશે. અભિનયમાં દરેકે દિલ દઇને કામ કર્યું છે તે દેખાઇ આવે છે પછી તે લવનો સૌમિત્ર મિત્ર હાર્દિક સાંગણી હોય કે તેની ટેણકી બહેન હોય.

ટેક્નીકલી જોઇએ તો આ ફિલ્મમાં પ્રેમનો પિંક ટોન તેની સિનેમેટોગ્રાફી, ઇન્ટ્રેસ્ટિંગ લોકેશન્સ, સ્લો મોશન્સ આમ ધીરે ધીરે પ્રેમનો રંગ ઘેરો કરતા જાય છે જે ચોક્કસ પ્લસ પોઇન્ટ છે. પાર્થ ભરત ઠક્કરનું સંગીત વાર્તાને આગળ વધારવામાં અગત્યનો ફાળો ભજવે છે.

લવ આ ફિલ્મનો નાયક પણ છે અને સુત્રધાર પણ છે અને એ એના પ્રેમનાં ગુંચળાઓને સરખી રીતે વણાયેલા તાણાવાણાની જેમ રજૂ કરવાામાં સફળ પણ રહે છે. લવનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે. લવના પાત્ર વિશે ફિલ્મના ડાયલોગનો ઉલ્લેખ કરવો વધારે ગમશે... "લથડિયા મારતો, ગોથાં ખાતો, લવ કંઇક આવો જ છે...દરિયા જેવો..." જ્યારે પ્રિતી એટલે કે દીક્ષા જોષી સાથે જ્યારે તે અરેન્જ મેરેજ કરવા માટે મળે છે ત્યારે કદાચ તેને પણ લવ સાથે પ્રેમ થઈ જાય છે પણ જેમ ફિલ્મના અંતમાં ખૂબ જ ભાવુક દ્રશ્ય સાથે ડાયલૉગ આવે છે કે, "કદાચ મારા સુધી પહોંચતા આ દરિયો સૂકાઇ ગયો..." આ રીતે ફિલ્મ એક કમ્પલીટ પેકેજ છે. ટોટલ ડ્રામા, ટાઇમપાસ, લવસ્ટોરીસથી ભરપૂર અને તેટલી જ લાગણીશીલ, ભાવુક કરી દેતી ફિલ્મની સ્ટોરી ક્યાંક સ્લો લાગે છે. પણ કૉમેડી આ ગતિને ત્રીજામાંથી પાંચમા ગિયરમાં નાખી દે છે એટલે વાંધો નથી આવતો. ફિલ્મમાં ડાયલૉગ છે "બધાં મને ગાંડો કરવા માગે છે..." આ ડાયલૉગ લવનો મિત્ર બોલે છે તે વખતે હસતાં હસતાં એક વાર તો જાણે પ્રેક્ષક પણ તેની સાથે સાથે આ જ ડાયલૉગ બોલી દે કે ભાઇ તને નહીં પણ આ મને ગાંડો કરવા માગે છે... આમ ફિલ્મમાં કૉમેડી ટાઇમિંગ ખૂબ જ સરસ રીતે આરોપાયું છે છતાં ક્યાંક એવું લાગે છે કે અહીં જબરદસ્તી કૉમેડી નાખવામાં આવી છે... અને તેમ છતાં ફિલ્મમાં હાર્દિક સાંગાણી દ્વારા બોલાયેલા ડાયલૉગ ઓકેના વેરિએશનથી હસવું તો આવી જ જાય છે જે સહેજ પણ મિસ કરવા જેવું નથી.

આ પણ જુઓ : લવની લવ સ્ટોરીઝની ટીમ માંડે છે દિલની વાત

શું આ ફિલ્મ પ્રેમનાં જૂદાં જૂદા તબક્કા બતાડે છે?, શું પ્રેમ કેવી રીતે ઉંમર સાથે મેચ્યોર થાય છે એ કહેવા માગે છે?, કે પછી પ્યાર બાંટતે ચલો વાળો ફંડા અપનાવશો તો ખત્તાં ખાશો અને પ્રેમ કરવાની હોંશ નહીં રહે એવું કહેવા માગે છે? આ બધું જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે, તમને સિનેમા હોલમાં કંટાળો નહીં આવે એની ખાતરી તો ચોક્કસ છે. ગુજરાતી ફિલ્મમાં પ્રેમને કરણ જોહર, રણબીર કપૂર, શાહરૂખ ખાનની સ્ટાઇલમાં બતાડવાનો આ એક સફળ પ્રયાસ છે, એટલા ખાતર અને વેલેન્ટાઇન્સ ડે હોય ત્યારે ગુજરાતીમાં એક બે સોલિડ ડાયલોગ બોલીને ગુજ્જુ ગર્લફ્રેન્ડને ખુશ કરવી હોય તો પ્લીઝ આ ફિલ્મ ચોક્કસ જો જો.
ફિલ્મને મળે છે 3.5 સ્ટાર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK