શાહરુખ-સલમાન વચ્ચે સમાધાન કરાવવાનો પ્રતીકનો માસ્ટર પ્લાન

Published: 10th October, 2011 20:37 IST

પ્રતીકની બૉલીવુડમાં ગણતરીની ફિલ્મો જ રિલીઝ થઈ છે, પણ તેણે બે ટોચના સ્ટાર શાહરુખ ખાન અને સલમાન ખાનની દુશ્મનીને દોસ્તીમાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે અને એ માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કરી નાખ્યો છે. પોતાના આ ઇરાદા પાછળનું કારણ જણાવતાં પ્રતીક કહે છે, ‘શાહરુખ અને સલમાન વચ્ચે કેમ મિત્રતા નથી એ વાત હું સમજી શકતો નથી!

 

આગામી ફિલ્મ ‘માય ફ્રેન્ડ પિન્ટો’ની રિલીઝ પહેલાં આ બન્ને ટોચના કલાકારોની દુશ્મનીને દોસ્તીમાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે

તેઓ બન્ને પોતાના સ્ટારડમથી ખુશ છે અને તેમને બીજી વ્યક્તિની લોકપ્રિયતાની સમસ્યા સતાવતી નથી. તેઓ બન્ને વ્યક્તિ તરીકે પણ બહુ સારા છે. હું તેમને બન્નેને ઓળખું છું તથા તેમને એકસરખો પ્રેમ કરું છું. હું તેમની વચ્ચે બહુ જલદી મિત્રતા કરાવી દઈશ, કારણ કે મને તેમની આ લડાઈ સાવ હેતુ વગરની લાગે છે. જો તેમની વચ્ચે મિત્રતા થઈ જાય તો કેવી અદ્ભુત સ્થિતિ ઊભી થઈ જાય. મને ખાતરી છે કે હું આ કામમાં સફળ નીવડીશ.’


સલમાન અને શાહરુખ વચ્ચે મિત્રતા કરાવવાના બૉલીવુડની મોટી-મોટી વ્યક્તિઓના પ્રયાસ નિષ્ફળ ગયા છે ત્યારે આ મુશ્કેલ કામ સફળ બનાવવાનો પ્રતીકનો દાવો થોડો વધારે પડતો લાગે છે. જોકે પ્રતીક કહે છે કે આ બન્નેએ તેનો પૅચ-અપ માટેનો માસ્ટર પ્લાન સાંભળવાની તૈયારી બતાવી છે. જોકે હાલના તબક્કે તે આ પ્લાન વિશે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ પ્લાન વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘હું થોડો અંધવિશ્વાસુ છું એટલે મારા પ્લાનની તમામ વિગતો નહીં જણાવું, પણ મારું આયોજન ચાલી રહ્યું છે. હું આશા રાખું છું કે મારી ફિલ્મના પ્રીમિયરમાં શાહરુખ અને સલમાન બન્ને હાજરી આપશે અને મારી સાથે ડાન્સ પણ કરશે. હું આ બન્ને કલાકારોથી બહુ પ્રભાવિત છું. હું મારી જાતને આ બન્નેની સાથે સરખાવી શકું છું. સલમાનની જેમ હું મારી જાતને સ્ટારકિડ સમજું છું, પણ શાહરુખની જેમ હું બહારની વ્યક્તિ છું એવી લાગણી પણ અનુભવી શકું છું.’
પ્રતીકનો આ પ્રયાસ હકીકત બની શકશે કે પછી આ માત્ર ફિલ્મની રિલીઝ પહેલાંની પબ્લિસિટી છે એ વાતની તો યોગ્ય સમયે ખબર પડી જ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK