ત્રણ વર્ષ પહેલાં જે લોકો મને રિજેક્ટ કરતા હતા એ લોકો આજે મને અભિનંદન આપે છે: સૈયામી ખેર

Published: Jun 24, 2020, 21:28 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આજે ‘ચોક્ડ: પૈસા બોલતા હૈ’ના પાત્રને જોઈને લોકો અભિનંદન આપે છે

સૈયામી ખેર કહે છે કે જે લોકો તેને ત્રણ વર્ષ પહેલાં રિજેક્ટ કરતા હતા એ લોકો આજે ‘ચોક્ડ: પૈસા બોલતા હૈ’ના તેના પાત્રને જોઈને અભિનંદન આપે છે. વિડિયો-સ્ટ્રીમ‌િંગ સર્વિસ નેટફ્લ‌િક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે. તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સૈયામીએ કૅપ્શન આપી હતી કે ‘આ મારા માટે ખૂબ મોટું કર્જ છે. હું જ્યારે પહેલી વખત અનુરાગ કશ્યપને મળી તો તેમણે મને તેમના ઘરે મળવા બોલાવી હતી. હજી તો હું કંઈ બોલું એ પહેલાં જ તેમણે ચોખવટ કરી હતી કે હું મારા પેરન્ટ્સ સાથે રહું છું. તારે ચિંતા કરવાની જરૂર નથી. તેમની છાપ બૉલીવુડમાં ખરાબ વ્યક્તિ તરીકેની હતી. બહારની દુનિયા મુજબ તે ડ્રગ્સ અને મહિલાઓથી ઘેરાયેલા હતા. તેમની વિશેની વાસ્તવિકતા તો મને બાદમાં ખબર પડી જે તદ્દન વિરોધાભાસી હતી. તેમના ઘરનું વાતાવરણ અદ્દલ ભારતીય ઘરો મુજબ હતું. તેમના પેરન્ટ્સ પેપર વાંચી રહ્યા છે. તેમના ઘરની ડૉરબેલ સતત વાગ્યા કરે છે. શ્રીલાલજી સતત આવનારા મહેમાનો માટે જમવાનું બનાવે છે. તેમની કૅટ પણ આસપાસ ફર્યા કરે છે. અનુરાગ કશ્યપ તો ઘરના એક ખૂણામાં બેઠેલા જોવા મળે છે. તેમણે જે સમયે મને ‘ચોક્ડ’ ઑફર કરી હતી એ રિલીઝનાં ત્રણ વર્ષ પહેલાંનો સમય હતો. એ સમયે મને આ માણસની સચ્ચાઈ જાણવા મળી. તે મારા ફ્રેન્ડ, ગુરુ અને સાઉન્ડિંગ બોર્ડ બની ગયા હતા. તેમની નજીક જઈને જ મને વાસ્તવિકતાની જાણ થઈ હતી. તેમને જ્યારે તમારું કામ પસંદ પડે તો તેઓ ઊછળે છે, ડાન્સ કરે છે, રડે છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે. જો કામ ન પસંદ પડે તો ના પાડે છે. એ માણસને કોઈ ફિલ્ટર્સ નથી. આ જ તેમની સચ્ચાઈ છે. તેમને વ્હિસ્કી પસંદ છે, જેને ઘટાડવાનું હું હંમેશાં તેમને કહેતી હતી. તેમનામાં નાના બાળક જેવી નિર્દોષતા અને મુક્ત મન છે, જે વર્તમાન સમયમાં ખૂબ ઓછું જોવા મળે છે. તેઓ અન્યોને સલાહ આપવામાં એટલા તો વ્યસ્ત બની ગયા છે કે તેઓ પોતાની લાઇફ જ ભૂલી ગયા છે. હંમેશાં સ્વ કરતાં અન્યોને મહત્ત્વ આપે છે. જોકે ખૂબ ઓછા લોકો હોય છે જે તમારાથી ખુશ હોય છે. જે લોકોએ ત્રણ વર્ષ પહેલાં મને નકાર આપ્યો હતો તેઓ જ આજે મારા પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યા છે. અનુરાગ કશ્યપ જેવું ખુશ અને ગર્વિત આજે કોઈ જ નથી. મારામાં વિશ્વાસ કરવા માટે આભાર. સાથે જ મારી જાતને ફરીથી ઘડવા માટે પણ તમારો આભાર.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK