ફિલ્મ-રિવ્યુ - લાલ કપ્તાન - સ્ક્રિપ્ટે ગૂંચવી નાખેલો નાગાબાવાનો બદલો

Published: Oct 19, 2019, 11:49 IST | પાર્થ દવે | મુંબઈ

૨૦૦૭માં આવેલી નિઓ-નૉયર મિસ્ટરી થ્રિલર મનોરમા સિક્સ ફીટ અન્ડર અને ૨૦૧૫માં આવેલી થ્રિલર ફિલ્મ NH 10ના ડિરેક્ટર નવદીપ સિંહની લાલ કપ્તાન અગાઉની બન્ને ફિલ્મોથી ઊતરતી છે.

ફિલ્મ-રિવ્યુ - લાલ કપ્તાન
ફિલ્મ-રિવ્યુ - લાલ કપ્તાન

૨૦૦૭માં આવેલી નિઓ-નૉયર મિસ્ટરી થ્રિલર મનોરમા સિક્સ ફીટ અન્ડર અને ૨૦૧૫માં આવેલી થ્રિલર ફિલ્મ NH 10ના ડિરેક્ટર નવદીપ સિંહની લાલ કપ્તાન અગાઉની બન્ને ફિલ્મોથી ઊતરતી છે. સ્ક્રીનપ્લે નબળો છે, ડાયલૉગ્સ કંગાળ છે અને જે ફિલોસૉફી પર ભાર આપવાની કોશિશ કરાઈ છે એ પોકળ લાગે છે. ઍક્ટિંગ, કૉસ્ચ્યુમ્સ, સિનેમૅટોગ્રાફી સારાં; પણ...

નવદીપ સિંહની ‘લાલ કપ્તાન’નાં ટ્રેલર રસપ્રદ લાગી રહ્યાં હતાં અને સિનેરસિકોના મનમાં સૈફના લુકે ઉત્કંઠા પણ જગાવી હતી. તો શું એ ઉત્કંઠા પૉઝિટિવલી શમે છે કે એના પર ‘લાલ કપ્તાની’ પાણી ફરી વળ્યું? હેડિંગ જોઈને તમે સમજી જ ગયા હશો પણ આવોને, થોડું ડીટેલમાં જોઈએ!

વારતા

ફિલ્મની વાર્તા ૧૭૬૪ના બક્સરના યુદ્ધનાં ૨૫ વર્ષ બાદ ૧૮મી સદીમાં આકાર લે છે. અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત જમાવી રહ્યા છે ને મુગલ, રુહેલખંડી, નવાબ આ બધાની હકુમત પડુંપડું થઈ રહી છે. અમુક અંદરોઅંદર લડી રહ્યા છે ને અમુક ભેગા મળીને અંગ્રેજો સામે લડી રહ્યા છે. આ બધા વચ્ચે વન-મૅન-આર્મી જેવો એક નાગાબાવા, જેને બધા ‘ગુંસાઈ’ (સૈફ અલી ખાન) કહીને બોલાવે છે તે વર્ષોથી ક્રૂર શાસક રહમત ખાન (માનવ વિજ)ને ગોતી રહ્યો છે. ‘વાસેપુર’ના સરદાર ખાનની જેમ તેની જિંદગીની એક જ મકસદ છે ઃ બદલા! બક્સરના યુદ્ધ વખતની કોઈક વાત છે જે ગુંસાઈના મગજમાં અટકેલી છે. રહમત સુધી પહોંચવામાં તેને હથિયારધારી અંગ્રેજો, સુખીરામ ને દુખીરામ નામના બે કૂતરા લઈને બુદેંલખંડની કોતરો વચ્ચે દોડતો ખબરી (દીપક ડોબરિયાલ) અને એક દુઃખી સ્ત્રી (ઝોયા હુસેન) મળે છે. આ બધામાં કોઈ તેનાં પગથિયાં બને છે તો કોઈ તેના પગ ખેંચવાવાળા. શું ગુંસાઈ તેની મંઝિલે પહોંચી શકશે? આ પ્રશ્નનો જવાબ મળે ત્યાં સુધી ગુંસાઈ અને તમારી ધીરજ બન્ને હાંફી જાય છે.

laal-kaptaan

કૅરૅક્ટર ઍન્ડ સ્ક્રિપ્ટ

‘લાલ કપ્તાન’નું પહેલું પોસ્ટર ખાસું ઇનોવેટિવ હતું. પછી તો સૈફના ફોટો-પોસ્ટરની સરખામણી ‘પાઇરેટ્સ ઑફ ધ કૅરિબિયન’ના કપ્તાન ‘જૅક સ્પૅરો’ સાથે થવા લાગી. અંગ્રેજોનું લાલ જૅકેટ પણ ખુલ્લું, ચહેરા પર સફેદ લીસોટા, પાછળથી દેખાતી લાંબી જટા, ભરાવેલી તલવાર, બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક, તાંડવ અને જન્મ-મરણ જેવા શબ્દોલ્લેખ ને હર હર મહાદેવના નારા; ઇન શૉર્ટ આખું વાતાવરણ રહસ્યમયી નાગાબાવા જેવું ઊભું કરાયું છે. ફિલ્મની શરૂઆત અને અંત ‘માણસનો જન્મ થતાં જ કાળ પોતાની ભેંસ પર બેસીને તેની પાછળ પડી જાય છે’ આ પ્રકારના ડાયલૉગથી થાય છે.

આ લુક અને વાતાવરણ સૈફ પર જચે છે. તે માથા પર ભભૂતિ ચોડીને આગની સામે આંખો બંધ કરીને અંધારામાં જંગલ વચ્ચે બેઠો હોય અને બીજી જ સેકન્ડે હથિયારધારી અંગ્રેજો સામે લડી પણ લે. બદલાની આગ, આંખોમાં દેખાતો ગુસ્સો, દુઃખ, તલવારબાજી, આ બધું જ સૈફે કન્વિન્સિંગલી ભજવ્યું છે. આ ફિલ્મ એક ઍક્ટિંગના મોરચે બે વ્યક્તિઓના કારણે સફળ છેઃ એક સૈફ અને બીજો દીપક ડોબરિયાલ.

દીપકનું પાત્ર કૉમિક રિલીફ પૂરી પાડે છે. અમુક સાંભળવાલાયક ડાયલૉગ્સ પણ તે બોલે છે. તેનાં દોડવાનાં શૂઝ સહિતનાં કૉસ્ચુયમ્સ નોંધનીય છે. ‘અંધાધુન’માં પોલીસ-ઑફિસર બનેલો માનવ વિજ અહીં મેઇન વિલન છે, પણ તેનું કૅરૅક્ટર સંપૂર્ણ ડેવલપ નથી થઈ શક્યું. ‘મુક્કેબાઝ’માં મૂક યુવતી બનેલી ઝોયા હુસેન તથા રાણી બનેલી સિમોન સિંહનું કામ ઍવરેજ છે.

NH 10 લખનાર સુદીપ શર્માના ડાયલૉગ્સ નબળા છે. દીપક વેન્કટેશ અને નવદીપ સિંહનો સ્ક્રીનપ્લે ઘણી જગ્યાએ હાલકડોલક થાય છે. ગુંસાઈને રહમત ખાન કોઈ પણ ભોગે જોઈએ છે તો બે વખત પકડીને તે કેમ છોડી દે છે? પ્રકારના ઊડીને આંખે વળગે એવા ભગા એકાધિક છે. ફિલ્મનો કલર-ટોન લાઇટ રખાયો છે; સિનેમૅટોગ્રાફર શંકર રમને નિયૉન બ્લુ અને વાહનોની બત્તી જેવા પીળા રંગનો વધારે ઉપયોગ કર્યો છે. પાછા બહુધા સીન અંધારામાં શૂટ થયા છે. આ ડાર્ક-ડાર્ક કરવામાં કૅરૅક્ટરાઇઝેશન અને સ્ક્રિપ્ટ પણ ડાર્ક (અહીં મંદ વાંચવું) થઈ ગઈ છે!

ડિરેક્શન

‘લાલ કપ્તાન’માં અવશ્ય એવા ત્રણેક સીન્સ છે જેમાં તમને સ્પાર્ક ફીલ થાય. તમને થાય કે હા આ ‘NH 10’ અને ‘મનોરમા...’ના ડિરેક્ટરની ફિલ્મ છે, પણ એ માત્ર ત્રણેક સીનમાં. બાકી ચૌબેની ‘સોનચીડિયા’ની જેમ બુંદેલખંડની કોતરો, પહાડો વચ્ચેથી પસાર થતી નદી, રણકતા ઘોડાઓ, બે જૂથની સામસામી લડાઈ વગેરે દેખાય. ‘સોનચીડિયા’માં વધુ એક એલિમેન્ટ હતું ઃ અપરાધભાવનું. જે સફર બહારની સાથે મૂળ પાત્રોના મનમાં પણ ચાલતી હતી. અહીં એવું કશું જ નથી અને ‘જે જન્મે છે તેને કાળ ખાઈ જાય છે’વાળી કર્મા અને સર્કલની વાત છે તે બિનજરૂરી હોવાથી તકલાદી ને બિનતાર્કિક લાગે છે. ‘સોનચીડિયા’માં મેક્સિકન સ્ટૅન્ડ-ઑફ ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો અહીં સ્પૅઘેટી વેસ્ટર્ન ટર્મનો પ્રભાવ દેખાઈ આવે છે.

ફિલ્મના ઇન્ટરવલ પછીની અંધારામાં શૂટ થયેલી ફાઇટ સીક્વન્સ-તલવાર અને બંદૂકથી થતી લડાઈ દમદાર છે, પણ ત્યાં સુધી વાર્તા ખેંચાઈ ચૂકી છે, ફિલ્મ પકડ છોડી ચૂકી છે. નવદીપ સિંહે રણ અને કોતરો અને જંગલ વચ્ચે ૧૮મી સદીમાં આકાર લેતી ‘એપિક થ્રિલર પિરિયડ ડ્રામા’ બનાવવાની કોશિશ કરી છે, એ માટે ઍસ્થેટિક્સથી લઈને તમામ તામઝામ કર્યા છે, અમુક ડ્રામેટિક દૃશ્યો પણ સૈફનાં મૂક્યાં છે, પણ સ્ક્રિપ્ટમાં આ વખતે ગાબડાં પડ્યાં છે. એ ગાબડાં પાછાં એડિટિંગમાં પણ નથી પુરાયાં. બે કલાકમાં બધાં રહસ્યો ખૂલી ગયાં હોત ને રહમત ખાન મળી ગયો હોત તો પણ આ નાગાબાવાની સફર લાંબી લાગત!

ફિલ્મના કપ્તાનને...

અગાઉની ક્રિટિકલી સફળ ફિલ્મનું પ્રેશર હોય કે બીજું કોઈ કારણ પણ નવદીપ સિંહ ‘લાલ કપ્તાન’માં વધારે જ કૉન્શિયસ થઈ ગયા હોય એવું લાગે છે. તેઓ દરેક કૅરૅક્ટરને વધારે ‘સાચવવા’ની લાયમાં કોઈને ખોલી નથી શક્યા. જેમ કે મૂળ કૅરૅક્ટર નાગા સાધુનું જે રહસ્ય છે એ છેવટ સુધી તેઓ ખોલતા નથી અને ખોલે છે ત્યાં સુધી એની કોઈ કિંમત રહેતી નથી. કોઈને આશ્ચર્ય થતું નથી. ઍક્ટ્રેસ પ્રિયા રાણીને રહસ્યમયી અગમવાણી કરતી બતાવી છે એ વિચિત્ર મેકઅપ કરેલું (ચુડેલ જેવું) પાત્ર અને બોલે છે એ અગમવાણી ફિલ્મનો પ્રવાહ આગળ ધપાવવામાં ક્યાંય કામ નથી આવતાં.

આ પણ વાંચો : સાંડ કી આંખ તમામ માતાઓને સમર્પિત છે : તાપસી પન્નુ

તો ડાર્ક, રહસ્યમયી, બદલે કી ભાવનાવાળી, અંગ્રેજ-ભારતીયોની લડાઈવાળી કોઈ ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો ‘લાલ કપ્તાન’નાં ટ્રેલર્સ ફરી જોઈ લેજો; ફિલ્મ પ્રાઇમ પર આવવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK