Netflix પર સીધી રિલીઝ થનારી ધર્મા પ્રોડક્શનની પહેલી ફિલ્મ ડ્રાઇવમાં શું છે?

Published: 30th October, 2019 12:18 IST | પાર્થ દવે | મુંબઈ

ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સની અત્યારના સમયથી આ સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ છે, કારણ કે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ઉપરાંત એમાં મેઇન સ્ટ્રીમ સ્ટાર્સ જૅકલિન ફર્નાન્ડિસ અને સુશાંત સિંહ રાજપૂત પણ જોડાયાં છે.

ડ્રાઇવનું પોસ્ટર
ડ્રાઇવનું પોસ્ટર

હવે શુક્રવારે માત્ર થિયેટરોમાં નહીં બલકે ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર પણ નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં મોટા પડદે રજાના દિવસોમાં કોઈ બિગ બૅનરની કે મોટા બજેટની ફિલ્મ રિલીઝ થાય એમ આ વખતે શુક્રવારે (૧ નવેમ્બર) કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ની પહેલી ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે, જેનું નામ છે ‘ડ્રાઇવ’.

ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સની અત્યારના સમયથી આ સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ છે, કારણ કે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ઉપરાંત એમાં મેઇન સ્ટ્રીમ સ્ટાર્સ જૅકલિન ફર્નાન્ડિસ અને સુશાંત સિંહ રાજપૂત પણ જોડાયાં છે. કરણ જોહરના અસિસ્ટન્ટ ડિરેક્ટર રહેલા અને ધર્મા પ્રોડક્શનની જ ‘દોસ્તાના’ ફિલ્મના સ્વતંત્ર ડિરેક્ટર રહેલા તરુણ મનસુખાનીએ આ હાઇસ્ટ ફિલ્મ ડિરેક્ટ કરી છે. હાઇસ્ટ એટલે ચોરી. આ ફિલ્મમાં સમર (સુશાંત) અને તારા (જૅકલિન) કાર-રેસર હોય છે અને તેઓ રાષ્ટ્રપતિ ભવનને લૂંટવાનું નક્કી કરે છે! આ કામમાં તેની સાથે જોડાયા છે બિક્કી (વિક્રમજિત વિર્ક) અને નૈના (સપના પબ્બી). તેઓ આ ન કરવાનું કામ ન કરી શકે એ માટે પોલીસ-ઇન્સ્પેક્ટર ઇરફાન (બમન ઈરાની) અને હમીદ (પંકજ ત્રિપાઠી) તેમને અટકાવવાની કોશિશ કરે છે. ઉલ્લેખનીય છે કે બમન ઈરાની અને પંકજ ત્રિપાઠી પણ દમદાર કલાકારો છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે તેમાં ભરપૂર CGI (કમ્પ્યુટર ગ્રાફિક્સ)નો ઉપયોગ થયો છે અને ભારતની જાણીતી ‘ધૂમ’ સિરીઝ તથા નેટફ્લિક્સની જ ઓરિજનલ સિરીઝ ‘મની હાઇસ્ટ’નો પણ પ્રભાવ આ ફિલ્મ પર દેખાઈ આવે છે. હૉલીવુડની જાણીતી ફિલ્મ-સિરીઝ ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ની જેમ ‘ડ્રાઇવ’માં પણ સુપર-ફાસ્ટ કાર્સનો કાફલો દેખાશે એવું લાગે છે.

આ પણ વાંચો : ઉર્વશી રૌતેલાના નામે ગોવાની એક ક્લબમાં શરૂ કરવામાં આવ્યું ડ્રિન્ક

‘ડ્રાઇવ’ શા માટે થિયેટરમાં રિલીઝ કરવાનું માંડી વાળ્યું?

‘ડ્રાઇવ’ હાલના (૨૦૧૯) વર્ષની નેટફ્લિક્સની સાતમી ભારતીય ફિલ્મ છે, પરંતુ અગાઉ એ ૨૦૧૮ના માર્ચ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી. ત્યાર પછી એ એ જ વર્ષે સપ્ટેમ્બરમાં શિફ્ટ થઈ. ત્યારે પણ ધર્મા પ્રોડક્શનની અન્ય ફિલ્મોની જેમ મોટા પાયે થિયેટરોમાં જ રિલીઝ કરવાની વાત હતી, પરંતુ સુશાંત સિંહ રાજપૂતના બોલ્ડ અને ન્યુડ સીન્સને લઈને જો સેન્સર બોર્ડ કંઈ વાંધો ઉઠાવે અને એ કાપવા પડે એ મેકર્સને મંજૂર નહોતું. માટે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન) સામે માથાકૂટમાં ઊતરવું ન પડે અને અન-એડિટેડ ફિલ્મ રિલીઝ થઈ શકે એ માટે તેમણે આ વર્ષના જૂન પછી નક્કી કર્યું કે તે સીધા વિડિયો ઑન ડિમાન્ડ પ્લૅટફૉર્મ પર જ રિલીઝ કરશે.

હવે જોવાનું એ છે કે કાર-રેસિંગ દ્વારા લૂંટની વાર્તા ભારતીય સ્ટાઇલમાં દર્શકોને ઑનલાઇન જોવી ગમે છે કે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK