બૉલીવુડનો નંબર વન લવરબૉય શાહિદ કપૂર

Published: 16th October, 2011 19:33 IST

શાહિદ કપૂરનું લેટેસ્ટ અફેર અનુષ્કા શર્મા સાથે ચાલી રહ્યું છે એવી ચર્ચા અત્યારે બૉલીવુડમાં ફેલાયેલી છે ત્યારે નજર કરીએ આ રંગીનમિજાજી ઍક્ટરની લવ-લાઇફ પર. અનુષ્કાવાળી વાત સાચી હોય તો પબ્લિકને જાણ થઈ હોય એવી તેની ૯ ગર્લફ્રેન્ડ થઈ. આપણને જેના વિશે ખબર ન હોય એ અલગ

 

 


(અર્ચિત એ. મહેતા)

અમ્રિતા રાવ

શાહિદની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ અમ્રિતા રાવ સાથે હતી. ત્યારથી જ તેમની વચ્ચે મિત્રતા સારી હતી. ત્યાર પછી જ્યારે તેઓ રાજશ્રી પ્રોડક્શન્સ હેઠળની ‘વિવાહ’માં સાથે કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમની વચ્ચેની અંગતતા ઘણી ચર્ચામાં હતી. રોમૅન્ટિક ફિલ્મમાં તેમની જોડી ઘણી વખાણવામાં આવી હતી. બન્ને ફિલ્મના લેટ-નાઇટ શોમાં પણ અમુક વખત જોવા મળ્યાં હતાં ત્યારે તેમના સંબંધની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે બન્નેએ હંમેશાં એમ જ કહ્યું છે કે તેમના સંબંધ પ્રોફેશનલ જ છે.

કરીના કપૂર

૨૦૦૪માં ‘ફિદા’ના શૂટિંગ વખતે શાહિદ અને કરીના કપૂર વચ્ચે પ્રેમ થયો હતો. લગભગ ત્રણ વર્ષ સુધીના સંબંધમાં તેમણે ઘણી ફિલ્મો એકસાથે કરી હતી, પણ એમાં જોઈએ એવી સફળતા નહોતી મળી. તેઓ જ્યારે પ્રેમમાં હતાં ત્યારે જ તેમની એક હોટેલમાં કિસ કરતી ક્લિપ બહાર આવી હતી અને એ કારણે તેમની ઘણી નેગેટિવ પબ્લિસિટી થઈ હતી. ૨૦૦૭માં તેમનું બ્રેક-અપ થયું હતું. આ બ્રેક-અપ પાછળ ઘણાં કારણો ગણવામાં આવે છે. શાહિદ દ્વારા કરીનાને અમુક મોટા બૅનરની ફિલ્મોમાં કામ ન કરાવવા માટેનું પ્રેશર, શાહિદની અમ્રિતા રાવ અને ત્યાર પછી વિદ્યા બાલન સાથેની અંગતતા અને સૈફ અલી ખાન સાથે કરીનાની અંગતતા તેમના  બ્રેક-અપનાં મુખ્ય કારણો ગણવામાં આવે છે.

વિદ્યા બાલન

શાહિદ-વિદ્યાની મુલાકાત તેમની ‘કિસ્મત કનેક્શન’ના શૂટિંગ દરમ્યાન થઈ હતી. શૂટિંગનો સમય પસાર થતાં તેમની વચ્ચેની અંગતતા ઘણી વધી ગઈ હતી અને લગાતાર તેમની મિત્રતાના ખબરો આવતા હતા. જોકે ફિલ્મ ફ્લૉપ થતાં અને તેમની જોડી બૉક્સ-ઑફિસ પર એટલી ન જામતાં તેઓ અલગ થઈ ગયાં હતાં. ત્યાર પછી તો શાહિદ અને વિદ્યા વચ્ચે મિડિયામાં શાબ્દિક યુદ્ધ પણ થયું હતું, જેમાં બન્નેએ સ્વીકાર્યું હતું કે તેઓ ફરી ક્યારેય સાથે કામ કરવા નથી માગતાં.

સાનિયા મિર્ઝા

શાહિદ અને સાનિયાની મુલાકાત બૅન્ગલોરના એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ‘કમીને’ના સેટ પર સાનિયા જ્યારે એક આખો દિવસ શૂટ દરમ્યાન હાજર રહી હતી અને સીન વચ્ચેના સમયમાં શાહિદ-સાનિયાની કેમિસ્ટ્રી જોઈને ત્યાં હાજર બધાને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ પ્રેમમાં છે. જોકે આ સંબંધ પણ લાંબો ટકી શક્યો નહોતો, કારણ કે સાનિયા તેની કરીઅરમાં ઘણી ઊંચ-નીચનો સામનો કરી રહી હતી અને ખબરો અનુસાર એ જ સમય દરમ્યાન નાનામાં નાની વાતોમાં પણ તેના શાહિદ સાથે મતભેદ રહેતા હતા. આ કારણે જ તેણે કરીઅરને કોઈ અસર ન થાય એ માટે શાહિદ સાથે બ્રેક-અપ કર્યું હતું.

મુબીના રતનસી

‘કમીને’ના શૂટિંગ દરમ્યાન જ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને પ્રોડ્યુસર ફારુક રતનસી (‘ઝુબૈદા’ના પ્રોડ્યુસર)ની પુત્રવધૂ મુબીના રતનસી સાથે શાહિદનું લિન્ક-અપ થયું હતું. જે દિવસે તેઓ મળ્યાં એ જ દિવસથી મુબીનાએ શાહિદનું ખાસ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. ખબરો અનુસાર તેઓ સેટ પર અને શાહિદની વૅનિટી-વૅનમાં સાથે ઘણો સમય પસાર કરતાં હતાં. તેઓ મિનિષા લાંબાની પહેલી ફિલ્મ ‘યહાં’ના પ્રીમિયરમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. જોકે મુબીનાએ એક ઇન્ટરવ્યુમાં આ સંબંધો નકારી કાઢ્યા હતા. મુબીના ફરીથી ત્યારે ખબરોમાં આવી હતી જ્યારે તેના કારણે શાહિદ અને પ્રિયંકા ચોપડા વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. આ ઉપરાંત પ્રિયંકાએ મુબીના સાથેની મિત્રતા તોડી નાખી હતી, કારણ કે તેને લાગ્યું હતું કે શાહિદ અને તેની અમુક પર્સનલ વાતો મિડિયા સુધી પહોંચતી કરનારી મુબીના છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા અને શાહિદ કપૂરના સંબંધો ઘણા વિચિત્ર રહ્યા છે. ‘કમીને’ના શૂટિંગ દરમ્યાન જ તેમની સારી મિત્રતા થઈ હતી અને ધીમે-ધીમે તેમની ક્લોઝનેસ વધી હતી. ત્યાર પછી તેઓ પ્રેમમાં છે એવા ખબરો આવવા લાગ્યા હતા. તેમના મિત્રોના કહેવા પ્રમાણે તેઓ એકબીજાને ઘણો પ્રેમ કરતાં હતાં, પણ તેમના સ્વભાવ ઘણા અલગ હોવાને લીધે તેમની વચ્ચે નાનામાં નાની વાતોમાં ઝઘડા થતા હતા. આ કારણે જ તેમનું બ્રેક-અપ થયું હતું. જોકે થોડા સમયમાં જ તેઓ ફરીથી સાથે થયાં હતાં અને સ્ટાર વલ્ર્ડ પરના કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’માં તેમણે કપલ તરીકે સાથે હાજરી પણ આપી હતી. જોકે આ વખતે પણ તેમનો સંબંધ લાંબો ટકી શક્યો નહોતો. પ્રિયંકાની ‘સાત ખૂન માફ’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ જતાં તેને આશા હતી કે શાહિદ તેને સહકાર આપશે, પણ શાહિદ તેની મદદે પહોંચી શક્યો ન હોવાને કારણે ગુસ્સે થયેલી પ્રિયંકા અમેરિકા ચાલી ગઈ હતી અને શાહિદની બર્થ-ડે પાર્ટીમાં હાજર નહોતી રહી. લગભગ ત્રણ વર્ષ સુધી ઑન-ઑફ રિલેશનશિપમાં રહ્યા પછી તેમની વચ્ચે ફરી બ્રેક-અપ થયું હતું. જોકે ત્યાર પછી પણ તેઓ અત્યારે કુણાલ કોહલીની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે.

એન્જલા જૉન્સન

કિંગફિશર કૅલેન્ડર-ગર્લ એન્જલા જૉન્સન બૉલીવુડમાં પ્રવેશ મેળવવાની ઘણી કોશિશો કરી રહી છે ત્યારે રણબીર કપૂર અને ત્યાર પછી શાહિદ કપૂર સાથે તેની અંગતતાના ખબરો આવ્યા હતા.

બિપાશા બાસુ

જૉન એબ્રાહમ સાથેના બ્રેક-અપ પછી બિપાશા બાસુની શાહિદ સાથે ટૂંકા સમયમાં થયેલી ક્લોઝનેસના ખબરો આવ્યા હતા. બિપાશાએ ‘મિડ-ડે’ સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે શાહિદને સારી રીતે ઓળખવા લાગી હતી, જેના પરથી તેમની ક્લોઝનેસ બહાર આવતી હતી. જોકે આ સંબંધ ઘણો ટૂંકા ગાળાનો રહ્યો. બિપાશા અને શાહિદ વચ્ચે નાની-નાની વાતોમાં ઝઘડાઓ થવા લાગ્યા હતા અને એ કારણે અત્યારે ગ્રીસમાં શૂટિંગ માટે બિપાશા ગઈ એ પહેલાં તેમના સંબંધનો પણ અંત આવ્યો હતો.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા અને શાહિદ કપૂર વચ્ચે મિત્રતા તો ‘બદમાશ કંપની’ના શૂટિંગ દરમ્યાન થઈ હતી અને ત્યારે પણ તેમની ક્લોઝનેસ ચર્ચામાં હતી. જોકે થોડા સમય પહેલાં ઇમરાન ખાને તેની ફિલ્મો ‘દેહલી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ની સફળતા માટે આપેલી પાર્ટીમાં શાહિદ અને અનુષ્કા સાથે આવ્યાં હતાં અને પાર્ટીમાં હાથમાં હાથ નાખીને સાથે જ જોવા મળ્યાં હતાં. એવું કહેવામાં આવે છે કે ઘરની બાલ્કનીમાં જઈને તેઓ કિસ કરતાં જોવા મળ્યાં હતાં અને એક સેલિબ્રિટી મિત્રે તેમને કહેવું પડ્યું હતું કે મિડિયાની નજરમાં તેઓ આવી શકે છે અને ત્યારે તેઓ અંદર ગયાં હતાં. તેઓ આવતા વર્ષ સુધીમાં યશરાજ ફિલ્મ્સ હેઠળની ‘બૅન્ડ બાજા બારાત’ના ડિરેક્ટર મનીષ શર્માની ફિલ્મમાં અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં સાથે કામ કરે એવી સંભાવનાઓ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK