પૅટરનિટી લીવ લેવાનો સમય ન હોવાની અભિષેકની સ્પષ્ટતા

Published: 31st October, 2011 19:51 IST

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘પ્લેયર્સ’ જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની છે. જોકે હાલમાં અભિષેકના જીવનમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. તે નવેમ્બર મહિનામાં પહેલી વાર પિતા બનવાનો છે અને આ સિવાય તે આ સમયગાળામાં ‘બોલ બચ્ચન’ નામની ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

 

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે અભિષેક તેના સંતાનના જન્મ વખતે પૅટરનિટી લીવ લેવાનો છે, પણ તેણે સ્પષ્ટતા કરી છે કે તે ‘બોલ બચ્ચન’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આ રજા તો નહીં લઈ શકે, પણ બાળકના જન્મ વખતે ઐશ્વર્યાની સાથે ચોક્કસ રહેશે.


પિતા બનવાની પોતાની લાગણી વિશે અભિષેક કહે છે, ‘હું મારા કામમાં એટલો વ્યસ્ત છું કે આ મુદ્દે મેં બહુ ગંભીરતાથી વિચાર જ નથી કર્યો. હકીકતમાં પિતા બનવાની લાગણી સ્વાભાવિક રીતે જ મનમાં વિકાસ પામે છે અને આ મુદ્દે બહુ લાંબો વિચાર કરવાની જરૂર મને નથી લાગતી. બાળકના જન્મ વિશે બધા બહુ ઉત્સાહમાં છે અને ઘણા વખતથી નામોની વિચારણા ચાલી રહી છે. જોકે આ બાળકની જાતિ વિશે ખબર ન હોવાથી અમે છોકરા અને છોકરી બન્નેનાં નામોની પસંદગી કરી રહ્યા છીએ. અમે હજી બાળકો માટે શૉપિંગ શરૂ નથી કર્યું. હું ભવિષ્યમાં બહુ સ્ટ્રિક્ટ પિતા નહીં હોઉં અને બાળકો બગડી જાય એટલી છૂટ પણ નહીં આપું. હું અને ઐશ્વર્યા બન્ને ઇચ્છીએ છીએ કે અમારાં બાળકોનો ઉછેર તેમના પગ જમીન પર ટકેલા રહે એવી રીતે થાય. અમે અમારાં બાળકોનો ઉછેર તેઓ સારી વ્યક્તિ તરીકે વિકસે એ રીતે કરવા માગીએ છીએ અને મારાં મમ્મી-પપ્પાએ પણ મારો ઉછેર આ રીતે જ કર્યો છે.’


પોતાની અને ઐશ્વર્યાની સંભવિત આગામી ફિલ્મ વિશે સ્પષ્ટતા કરતાં અભિષેક જણાવે છે, ‘રાજકુમાર સંતોષીએ મને અને ઍશને ‘લેડીઝ ઍન્ડ જેન્ટલમેન’ માટે સાઇન કર્યા હતાં, પણ ઐશ્વર્યાના પ્રેગ્નન્સીના સમાચાર પછી તેમણે આ ફિલ્મ અત્યાર પૂરતી પડતી મૂકી છે. તેમણે જણાવ્યું છે કે ઍશ કામ કરવા માટે તૈયાર થાય પછી તેઓ આ ફિલ્મ બનાવશે. હાલમાં રાજજી અને મારા વચ્ચે ચાર-પાંચ નવા આઇડિયાની ચર્ચા થઈ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK