નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ કહે છે બીજા કાકા છેડતી કરતા હતા, પણ નવાઝ પાપા કંઇ ન બોલ્યા

Updated: Jun 03, 2020, 16:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક્ટરના ભાઈ પર ભત્રીજીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી દરરોજ એક પછી એક નવા વિવાદોમાં ઘેરાતા જાય છે. એક બાજુ એની પત્નીએ છૂટાછેડાની નોટિસ મોકલાવી છે તો બીજી બાજુ હવે ભત્રીજીએ ગંભીર આરોપ મુક્યો છે. એક્ટરના ભાઈ પર ભત્રીજીએ જાતીય સતામણીનો આરોપ મુક્યો છે જો કે એમાં નવાઝનો કંઇ વાંક નથી પણ આ છોકરી જે હવે પોતાના વર સાથે સેડલ્ડ છે તે કહે છે કે તેણે જ્યારે પોતાના બડે પાપા નવાઝને આ અંગે કહ્યું હતું તો તેમણે કોઇ મદદ કરી ન હતી. મળતી માહિતી મુજબ, પીડિત ભત્રીજીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વાત એ સમયની છે જ્યારે પીડિતા નવ વર્ષની હતી. આ ખબર બહાર આવતાં જ અભિનેતા ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ ઈટી-ટાઈમ્સને જણાવ્યું હતું કે, આ બધી વાતો વર્ષો જૂની છે. આ એ સમયની વાત છે જ્યારે હું માત્ર નવ વર્ષની હતી. હું બે વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. મારા પિતાએ બીજા લગ્ન કર્યા અને હું મારી સાવકી માતા સાથે રહેતી હતી. મારી સાથે દુષ્કર્મ થઈ રહ્યું હતું. પરંતુ હું નાની હતી એટલે મને સમજણ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. જ્યારે હું મોટી થઈ ત્યારે મને ખબર પડી કે મારા કાકાએ મારી સાથે અયોગ્ય વર્તન કર્યું છે. તેમનો  સ્પર્શ બહુ ગંદો હતો જેમાં હિંસા પણ સામેલ હતી.

નવાઝની ભત્રીજીએ કોર્ટ મેરેજ કર્યાં છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પછી પણ મને અને મારા સાસરિયાંને હેરાન કરવામાં આવે છે. આ હેરાનગતી કરવામાં મારા પપ્પા અને મોટા પપ્પા એટલે કે નવાઝુદ્દીન સિદ્દીકી પણ સામેલ છે. તેમણે મારા સાસરાિયાં પર ખોટો કેસ દાખલ કર્યો છે. આ વિષે મેં જ્યારે વાત કરી ત્યારે કોઈએ મારા પર વિશ્વાસ નહોતો કર્યો. મને વિશ્વાસ છે કે મારી આ ફરિયાદ પછી પણ તેઓ મારી મુશ્કેલીઓ વધારવા માટે ચોક્કસ કંઈક કરશે. જોકે, મારા પતિ હંમેશા મારી પડખે ઉભા રહે છે. શારિરીક હિંસાના પુરાવા પણ મારી પાસે છે. મેં મારા પતિને તેની તસવીરો પણ મોકલાવી છે.

વધુમાં નવાઝની ભત્રીજીએ જણાવ્યું હતું કે, મોટા પપ્પા નવાઝુદ્દીન સિદ્દીકી પાસેથી મને કયારેય કોઈ પ્રકારનો સપોર્ટ નથી મળ્યો. એકવાર મને નવાઝે પુછયું હતું કે, હું જીવનમાં શું કરવા માંગુ છું. મને એમ થયું કે તેમણે દુનિયા જોઈ છે એટલે મને સમજશે. જ્યારે મારી સાથે થઈ રહેલા અત્યાચારની મેં વાત કરી અને કહ્યું કે હું મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું તો તેમણે કહ્યું કે આવું કંઈ ન હોય એ તારા કાકા છે. આમ કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ પ્રકરણે એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. જોઈએ આગળ શું થાય છે અને નવાઝને વધુ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK