તાંડવના વિવાદનું તાંડવ: પ્રતિબંધ મૂકવાની મનોજ કોટકની માગ, સરકારે જવાબ માગ્યો

Published: 19th January, 2021 16:33 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય મનોજ કોટકે ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પત્ર લખીને આ વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે

વેબ-સિરીઝ ‘તાંડવ’
વેબ-સિરીઝ ‘તાંડવ’

વેબ-સિરીઝ ‘તાંડવ’ને લઈને દિવસે ને દિવસે વિવાદ વધુ વણસી રહ્યો છે. એથી ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના અધિકારીઓને સમન્સ મોકલીને જવાબ માગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય મનોજ કોટકે ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પત્ર લખીને આ વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. સાથે જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર સખત નિયમો લાદવાની પણ આ પત્રમાં માગણી કરી છે. આ લેટર ટ્વિટર પર શૅર કરીને મનોજ કોટકે ટ્વીટ કર્યું હતું કે ‘મેં આ પત્ર સન્માનનીય પ્રધાન પ્રકાશ જાવડેકરજીને લખ્યો છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર યોગ્ય નિયમો લાદવામાં આવે.’

તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી આ વેબ-સિરીઝમાં ભગવાન શંકર અને દલિત સમાજનું અપમાન થયું હોવાની લાગણી લોકોમાં છે. હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આ પ્રયાસ પણ લોકો જણાવી રહ્યા છે. એથી એ સિરીઝ પર પ્રતિબંધ લગાવવાની માગણી ઉગ્ર બની ગઈ છે. બીજેપી નેતાઓ પણ આ દિશામાં સખત પગલાં લેવાની અપીલ કરી રહ્યા છે. આ સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, સૈફ અલી ખાન, મોહમ્મદ ઝીશાન અયૂબ, ગૌહર ખાન અને સુનીલ ગ્રોવર જોવા મળી રહ્યાં છે. આ સિવાય સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસ વ્યવસ્થા વધારવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશ જાવડેકરને આ સિરીઝ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી રહ્યા છે. સાથે જ સિરીઝમાં અગત્યનાં પરિવર્તન કરવાની પણ માગણી કરવામાં આવી છે. આ સિવાય પ્રકાશ જાવડેકરને નિવેદન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ફિલ્મ અને સિરિયલની સમીક્ષા કરવા માટે સેન્સર બોર્ડ છે એ જ પ્રકારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ આવું સેન્સર હોવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK