ધર્મા પ્રોડક્શન અને કરણ જોહરની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ ચંડીગઢમાં શરૂ થયું છે. આ ફિલ્મમાં મનીષ પૉલ પણ છે. ઇમોશનલ-કૉમેડી એવી આ ફિલ્મના શૂટિંગમાં જોડાતાં પહેલાં મનીષે કહ્યું હતું કે ‘આ શબ્દો મેં સૌથી વધારે મારી મા પાસે સાંભળ્યા છે. મને ખાતરી છે કે આ વખતે પણ મારી માના જ આશીર્વાદ મને મળે છે.’
મનીષ પૉલ ઉપરાંત ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર તો છે, પણ સાથોસાથ યુટ્યુબ-સ્ટાર પ્રાજક્તા કોલી પણ છે. મનીષ ફિલ્મમાં માત્ર કો-સ્ટાર નથી, પણ વરુણ ધવનના સ્તરના જ રોલમાં છે. મનીષે કહ્યું હતું કે ‘૨૦૨૦માં જેટલી તકલીફો સહન કરી એના વળતરરૂપે જ મને આ ફિલ્મ મળી છે.’
મનીષ પૉલની આ ફિલ્મનું શૂટિંગ ચાર મહિના ચાલશે, જેને લીધે તે ચાર મહિના સુધી હવે ટીવી પર જોવા મળશે નહીં. આ વર્ષે ‘ઇન્ડિયન આઇડલ’ મનીષને જ ઑફર થયો હતો, પણ ફિલ્મને લીધે જ મનીષે આ રિયલિટી શો છોડ્યો હતો.