ફિલ્મ-રિવ્યુ : લવ આજ કલ - વાહિયાત, કંગાળ, ભંગાર

Updated: Feb 15, 2020, 15:04 IST | Harsh Desai | Mumbai

આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ વાહિયાત છે : સારા અને ​કાર્તિકે ખૂબ જ કંગાળ (ઓવર) ઍક્ટિંગ કરી છે : હિમાચલની સુંદરતા દેખાડવામાં ઇમ્તિયાઝ અલી પહેલી વાર નિષ્ફળ રહ્યો છે અને કરીઅરની સૌથી ભંગાર ફિલ્મ આપી છે

ફિલ્મ-રિવ્યુ : લવ આજ કલ
ફિલ્મ-રિવ્યુ : લવ આજ કલ

અગિયાર વર્ષ બાદ ઇમ્તિયાઝ અલી તેની ૨૦૦૯માં આવેલી એ જ નામની ફિલ્મ ‘લવ આજ કલ’ લઈને આવ્યો છે. ૨૦૦૯ની ‘લવ આજ કલ’માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને રિશી કપૂર જોવા મળ્યાં હતાં. ૨૦૨૦ની ‘લવ આજ કલ’માં કાર્તિક આર્યન, સારા અલી ખાન, રણદીપ હૂડા અને આરુષી શર્માએ કામ કર્યું છે. તો વૅલેન્ટાઇન્સ ડેએ રિલીઝ થયેલી આ ફિલ્મ કેવી છે એ જોઈએ.

વહી ઘિસી-પિટી સ્ટોરી

ઇમ્તિયાઝ અલીની ફિલ્મો હંમેશાં દર્શકોને કનેક્ટ કરતી હોય છે પરંતુ આ સ્ટોરીમાં એ ચાન્સ થોડા ઓછા છે, કારણ કે અગિયાર વર્ષ પહેલાં પણ તેણે આ જ સ્ટોરી પર ફિલ્મ બનાવી હતી. પહેલી ફિલ્મમાં જે રીતે લવને આજ અને કલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એ જ રીતે આટલાં વર્ષ બાદ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. પહેલી ફિલ્મમાં રિશી કપૂર તેમની સ્ટોરી કહેતા ત્યારે સૈફ અલી ખાન તેમના પાત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણદીપ હૂડા જ્યારે સ્ટોરી કહે છે ત્યારે તેની જગ્યાએ કાર્તિકને દેખાડવામાં આવ્યો છે. ૨૦૨૦ની ‘લવ આજ કલ’માં એ સ્ટોરી છે કે ‘કલ’ની સ્ટોરી સિમ્પલ છે અને સ્મૉલ ટાઉનની છે, જ્યારે ‘આજ’ની સ્ટોરી કૉમ્પ્લીકેટેડ અર્બન લવ-સ્ટોરી છે. ‘કલ’ની સ્ટોરીમાં પ્રેમી પોતાના પરિવાર અને સમાજથી ભાગતા હોય છે અને ‘આજ’ની સ્ટોરીમાં પ્રેમી પોતાની અંદર રહેલા શેતાનથી ભાગતા હોય છે.

સ્ટોરી, ડિરેક્શન અને સિનેમૅટોગ્રાફી

ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મની એક પૅટર્ન છે કે એમાં બે અજાણી વ્યક્તિ મળે છે, પ્રેમ થાય છે અને ત્યાર બાદ તેમની રિલેશનશિપ ઑન-ઍન્ડ-ઑફ ચાલતી રહે છે. આ ફિલ્મ પણ એમાંથી બાકાત નથી. જોકે ઇમ્તિયાઝની કરીઅરની આ સૌથી કંગાળ ફિલ્મ છે. ઇમ્તિયાઝે જે રીતે સ્ટોરી લખી છે એ જોઈને એવું લાગે છે કે તે પોતે પણ હજી કન્ફ્યુઝ્ડ છે. આ કન્ફ્યુઝનને કારણે ફિલ્મની સ્ટોરી પણ એક લાઇનમાં ચાલતી હોય એવી નથી લાગી. ‘આજ’ અને ‘કાલ’ની વચ્ચે એ હંમેશાં લથડિયાં ખાતી જોવા મળી છે. ઇમ્તિયાઝ એક એવો સ્ટોરી ટેલર છે જેની સાથે દર્શકો તરત જ કનેક્ટ થઈ જાય છે. જોકે આ ફિલ્મમાં એ કનેક્શન નથી. તેનું ડિરેક્શન પણ એવું છે કે ઘણી વાર ભૂતકાળ અને વર્તમાનની સ્ટોરી મિક્સ થતાં ઇરિટેશન થઈ આવે છે. તેણે ‘આજ’ની સ્ટોરીમાં યુવાન ઝોઈને ‘કરીઅર’ની પાછળ ભાગતી દેખાડી છે, પરંતુ તે એમાં પણ નિષ્ફળ રહ્યો છે. ઝોઈ એટલે કે સારા અલી ખાન તેની કરીઅર પર ફોકસ કરવા માટે સિરિયસ રિલેશનશિપમાં નથી પડતી અને નો-સ્ટ્રિન્ગ્સ-અટૅચ્ડ જેવી રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે. જોકે ઝોઈ તેની કરીઅરને લઈને કેટલી સિરિયસ છે એને ઇમ્તિયાઝ યોગ્ય રીતે નથી દેખાડી શક્યો. તેમ જ કાર્તિકે આજમાં વીરનું પાત્ર ભજવ્યું છે. વીર દિલ્હીનો યુવાન હોવા છતાં તે પોતાની લાઇફને લઈને સિરિયસ નથી અને ફક્ત ઝોઈની પાછળ પડ્યો રહે છે. દિલ્હીમાં રહેતો કયો યુવાન ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયાના જમાનામાં રહીને પણ છોકરીને અન્ય પ્લૅટફૉર્મ પર કૉન્ટૅક્ટ કરવા કરતાં કૅફેમાં જઈને ફૉલો કરવાનું પસંદ કરે છે? ‘લવ આજ કલ’ની સિનેમૅટોગ્રાફી અમિત રૉયે કરી છે. ઇમ્તિયાઝની ફિલ્મમાં હિમાચલ પ્રદેશ અવશ્ય જોવા મળે છે. તેની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મમાં તે હિમાચલ પ્રદેશને સારી રીતે સ્ક્રીન પર રજૂ નથી કરી શક્યો. અમિત રૉય હિમાચલ પ્રદેશ જ નહીં, દિલ્હીને પણ યોગ્ય રીતે દર્શાવવામાં નિષ્ફળ રહ્યો છે.

ઓવરઍક્ટિંગની દુકાન

કાર્તિક આર્યનને આ ફિલ્મમાં જોવો ખૂબ જ વિચિત્ર લાગે છે. ‘આજ’ની સ્ટોરીમાં વીર અને ‘કલ’ની સ્ટોરીમાં રઘુનું પાત્ર તેણે ભજવ્યું છે. બન્ને પાત્રમાં તે ખૂબ જ અલગ દેખાય છે અને ઍક્ટિંગ પણ અલગ છે. અહીં ઓવર-ઍક્ટિંગ કોણે કહ્યું? કાર્તિક જેવો છે એવા પાત્ર તે સારી રીતે ભજવી શકે છે, પરંતુ તેને તેના વ્યક્તિત્વથી બહારનાં પાત્ર ભજવવામાં મુશ્કેલી પડે છે એ આ ફિલ્મ દ્વારા જોઈ શકાય છે. ૧૯૯૦ના દાયકાની સ્ટોરીની વાત કરીએ તો ત્યારે કયો છોકરો છાતી કાઢીને છોકરી સાથે વાત કરવા જતો એ જોવા જેવું છે. ‘કલ’ની તેની ઍક્ટિંગ ખૂબ જ વિચિત્ર છે અને એટલો જ વિચિત્ર તેનો દાઢીવાળો લુક પણ છે. ઍક્ટિંગ તો દૂર, તેને જોવાનું પણ નથી ગમતું. ‘આજ’ની સ્ટોરીમાં પણ દિલ્હીનો પૈસાદાર ઘરનો છોકરો કેવી રીતે ‘ગગો’ હોય એ સમજવામાં નથી આવતું. સારા અલી ખાને દિલ્હીની આજના જમાનાની ઇન્ડિપેન્ડન્ટ છોકરીનું પાત્ર ભજવ્યું છે જે પોતાની કરીઅર માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે જેથી તે તેની મમ્મી જેવી ભૂલ ન કરે. જોકે તેની મમ્મીના પાત્રને તો સારી રીતે દેખાડી નથી શકાયું, પરંતુ સારાની ઍક્ટિંગ પણ ઍવરેજ છે. તેણે પણ ઘણી ઓવરઍક્ટિંગ કરી છે. એક દૃશ્યમાં તે કૅફેમાં જઈ રહી હોય છે ત્યારે તેની ચાલ પરથી લાગે છે કે તે કૅફે નહીં,

પરંતુ રૅમ્પ-વૉક કરી રહી હોય. આ સાથે જ ઘણાં દૃશ્યમાં તેની ઓવરઍકિંટગ દેખાઈ આવે છે. સૌથી સારી ઍક્ટિંગ કરી હોય તો નવોદિત ઍક્ટ્રેસ આરુષી શર્માએ. તેને જે પાત્ર આપવામાં આવ્યું હતું એ તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ સાથે રણદીપે પણ તેનું કામ ખૂબ જ સારી રીતે કર્યું હતું. તેની પાસે સ્ક્રીન ટાઇમ ઓછો હોવા છતાં તેણે તેની ટૅલન્ટનો પરચો દેખાડ્યો છે અને તેને જોવાનું ગમે એવું તેણે કામ કર્યું છે. સ્ટોરી કંગાળ હોવાથી રણદીપનો પણ જોઈએ એટલો સારી રીતે ઉપયોગ નથી થઈ શક્યો.

મ્યુઝિક

ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઈશાન છાબરાએ આપ્યું છે અને એ સારું છે. જોકે ગીતનું મ્યુઝિક પ્રીતમે આપ્યું છે. ફિલ્મમાં ચાર ગીત છે, પરંતુ એ પણ કોઈ સારી કમાલ નથી કરી શક્યાં. પહેલી ફિલ્મની સરખામણીમાં આ ફિલ્મનાં ગીતમાં ખાસ લેવાનું નથી.

આખરી સલામ

‘લવ આજ કલ’ જોયા બાદ તમને શાહરુખ ખાન અને અનુષ્કા શર્માની ‘જબ હૅરી મેટ સેજલ’ પસંદ પડે તો નવાઈ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK