Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'હવાહવાઈ' અને 'ધક-ધક ગર્લ' ફરી હવે કોઈ નહીં બને

'હવાહવાઈ' અને 'ધક-ધક ગર્લ' ફરી હવે કોઈ નહીં બને

04 July, 2020 01:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'હવાહવાઈ' અને 'ધક-ધક ગર્લ' ફરી હવે કોઈ નહીં બને

'હવાહવાઈ' અને 'ધક-ધક ગર્લ' ફરી હવે કોઈ નહીં બને


સરોજ ખાનનો જન્મ ૧૯૪૮ની બાવીસ નવેમ્બરે મુંબઈમાં થયો હતો. તેમનું સાચું નામ નિર્મલા નાગપાલ હતું. હિન્દી સિનેમામાં કોરિયોગ્રાફર તરીકે તેમનું ખૂબ જ મોટું નામ હતું. તેઓ વર્ષોથી કોરિયોગ્રાફી કરતાં આવ્યાં હતાં અને તેમને ઘણા અવૉર્ડ્સ પણ મળ્યા હતા. તેમને ભારતમાં ડાન્સિંગ ક્વીન અને ધ મધર ઑફ ડાન્સ તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં. કાર્ડિઍક અરેસ્ટને કારણે ગુરુવારે મધરાત બાદ તેમનું અવસાન થયું હતું.

કરીઅર



૧૯૪૭ના ભાગલા બાદ તેમના પિતા કિશનચંદ સાધુ સિંહ અને માતા નોની સિંહ ઇન્ડિયા આવી રહ્યાં હતાં અને એક વર્ષ બાદ મુંબઈમાં સરોજનો જન્મ થયો હતો. ‘નઝરાના’ ફિલ્મ દ્વારા તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ત્રણ વર્ષની ઉંમરથી કરીઅરની શરૂઆત કરી હતી. તેઓ 1950ના દાયકામાં બૅકગ્રાઉન્ડ ડાન્સર બની ગયાં હતાં. કોરિયોગ્રાફર બી. સોહનલાલ સાથે ફિલ્મમાં કામ કરતાં-કરતાં તેઓ ડાન્સ શીખ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કોરિયોગ્રાફી તરફ વળ્યાં હતાં. તેમણે પહેલાં અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૧૯૭૪માં આવેલી ‘ગીતા મેરા નામ’ દ્વારા તેમણે ઇન્ડિપેન્ડન્ટ કોરિયોગ્રાફર તરીકેની શરૂઆત કરી હતી. જોકે તેમને ઓળખ બનાવતાં ખૂબ જ વાર લાગી હતી. 1987માં આવેલી ‘મિસ્ટર ઇન્ડિયા’ના ગીત ‘હવાહવાઈ’ દ્વારા તેઓ જાણીતું નામ બન્યાં હતાં. આ ગીતમાં તેમણે શ્રીદેવીને કોરિયોગ્રાફ કરી હતી. શ્રીદેવી સાથે તેમણે 1986માં આવેલી ‘નગીના’માં અને 1989માં આવેલી ‘ચાંદની’માં કામ કર્યું હતું. શ્રીદેવી બાદ તેમણે 1988માં આવેલી ‘તેઝાબ’ના ગીત ‘એક દો તીન’માં માધુરી દીક્ષિત સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેની સાથે ૧૯૯૦માં આવેલી ‘થાનેદાર’ના ગીત ‘તમ્મા તમ્મા લોગે’ અને ૧૯૯૨માં આવેલી ‘બેટા’ના ગીત ‘ધક ધક કરને લગા’ દ્વારા ધૂમ મચાવી હતી. ‘ધક ધક કરને લગા’એ માધુરીને બૉલીવુડની ધક-ધક ગર્લ બનાવી હતી અને તેઓ પણ બૉલીવુડની સફળ કોરિયોગ્રાફર બની ગયાં હતાં. ૨૦૧૪માં તેમણે ફરી માધુરી સાથે ‘ગુલાબ ગૅન્ગ’માં કામ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે કરણ જોહરની ‘કલંક’માં માધુરી સાથે છેલ્લી વાર કામ કર્યું હતું. તેમણે લગભગ ૨૦૦૦ ફિલ્મી ગીતોમાં કોરિયોગ્રાફી કરી હતી. 


ટીવીમાં એન્ટ્રી

સરોજ ખાન પહેલી વાર ૨૦૦૫માં ‘નચ બલિયે’માં જ્યુરી મેમ્બર તરીકે જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ તેઓ આ જ શોની બીજી સીઝનમાં પણ જોવા મળ્યાં હતાં. તેઓ ‘ઉસ્તાદોં કા ઉસ્તાદ’માં પણ જજ તરીકે જોવા મળ્યાં હતાં. તેઓ ૨૦૦૮માં આવેલા ‘નચલે વે વિથ સરોજ ખાન’માં પણ જોવા મળ્યાં હતાં. આ શોને તેમણે કોરિયોગ્રાફ પણ કર્યો હતો. તેઓ ૨૦૦૮ના ડિસેમ્બરથી ‘બૂગી વૂગી’માં જાવેદ જાફરી, નાવેદ જાફરી અને રવિ બહલ સાથે જજ તરીકે જોવા મળ્યાં હતાં. ૨૦૦૯ની ૨૭ ફેબ્રુઆરીએ ઑન ઍર થયેલા ‘ઝલક દિખલા જા’માં પણ તેઓ જજ તરીકે જોવા મળ્યાં હતાં. જોકે ત્યાર બાદ તેમને કોઈ શોમાં જજ તરીકે બોલાવવામાં નહોતાં આવતાં અને તેમને ફિલ્મોની ઑફર પણ નહીંવત મળતી હતી. તેઓ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં યોજાયેલી એક ડાન્સ કૉમ્પિટિશનમાં પણ જજ તરીકે જોવા મળ્યાં હતાં.


પર્સનલ લાઇફ

કોરિયોગ્રાફર બી. સોહનલાલ સાથે કામ-કરતાં તેમણે તેમની સાથે ૧૯૬૧માં લગ્ન કરી લીધાં હતાં. એ સમયે સરોજ ખાન ૧૩ વર્ષનાં હતાં અને સોહનલાલની ઉંમર ૪૩ વર્ષની હતી. એ સમયે સોહનલાલ પહેલેથી લગ્નગ્રંથિએ બંધાયેલા હતા અને તેમને ચાર બાળકો પણ હતાં. જોકે આ વાતથી સરોજ ખાન અજાણ હતાં. જોકે તેમના લગ્નજીવનનો અંત ૧૯૬૫માં આવી ગયો હતો. ત્યાર બાદ તેમણે ડાન્સ માસ્ટર કમલ સાથે કામ કર્યું હતું. જોકે કમલ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થતાં તમામ જવાબદારી સરોજ ખાન પર આવી હતી. ત્યાર બાદ સરોજ ખાને ૧૯૭૫માં બિઝનેસમૅન સરદાર રોશન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને સુકૈના ખાન નામની દીકરી પણ છે જે દુબઈમાં ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

હાર્ટની તકલીફ

સરોજ ખાનને ૧૭ જૂને બાંદરામાં આવેલી ગુરુ નાનક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જોકે કાર્ડિઍક અરેસ્ટને કારણે ગુરુવારે મધરાત બાદ તેમનું મૃત્યુ થયું હતું.

કન્ટ્રોવર્સી

બૉલીવુડમાં જ્યારે #MeTooનો વાયરો ફૂંકાયો હતો ત્યારે સરોજ ખાનની કમેન્ટે સૌને ચોંકાવી દીધા હતા. એક તરફ જ્યારે બૉલીવુડમાં પાવરફુલ લોકો આર્ટિસ્ટનો ફાયદો ઉઠાવે છે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો હતો ત્યારે સરોજ ખાને કહ્યું હતું કે આખરે તેઓ તેમને કામ તો આપે છે. આ વિશે સરોજ ખાને કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિ છોકરીઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. સરકારી કર્મચારીઓ પણ આવું કરે છે. લોકો ફક્ત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને શું કામ બદનામ કરે છે? તેઓ છોકરીઓનો બળાત્કાર તો નથી કરતા અને તેમને કામ તો આપે છે. કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું કે નહીં એ આખરે છોકરી પણ નિર્ભર કરે છે. તેને તેની આર્ટ પર ભરોસો હોય તો તેણે આવા લોકો સામે ન નમવું જોઈએ.’

જોકે તેમની આ કમેન્ટ ઘણા લોકોને પસંદ નહોતી આવી અને આખરે તેમણે આ માટે માફી માગવી પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK