ઋષિ કપૂરે 3 વર્ષ પહેલાં જ કહ્યું હતું, હું મરી જઈશ ત્યારેય કોઇ નહીં આવે

Published: May 08, 2020, 09:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

ત્રણ વર્ષ પહેલા જ્યારે દિગ્ગજ કલાકાર વિનોદ ખન્નાનું નિધન થયું હતું ત્યારે ઋષિ કપૂર આ વાત પર ખૂબ જ ગુસ્સે થયા હતા કે વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં નવી પેઢીના કલાકારો સામેલ થયા ન હતા.

ઋષિ કપૂર (ફાઇલ ફોટો)
ઋષિ કપૂર (ફાઇલ ફોટો)

હિન્દી સિનેમાના વેટરન એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલના નિધન થઈ ગયું. તેમના મૃત્યુને અઠવાડિયું થઈ ગયું છે, પણ તેમને યાદ કરવાનો સિલસિલો જળવાયેલો છે. ઋષિ કપૂરની ઘણી એવી જૂની વાતો છે, જે તેમને સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. ત્રણ વર્ષ પહેલા જ્યારે દિગ્ગજ કલાકાર વિનોદ ખન્નાનું નિધન થયું હતું ત્યારે ઋષિ કપૂર આ વાત પર ખૂબ જ ગુસ્સે થયા હતા કે વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં નવી પેઢીના કલાકારો સામેલ થયા ન હતા. તે સમયે ટ્વિટર પર ઋષિ કપૂરે તેમની ખૂબ જ ટીકા કરી હતી.

ઋષિ કપૂરે એક પછી એક ટ્વીટ કરીને લખ્યું, શરમજનક. આ પેઢીના એક પણ કલાકાર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં સામેલ ન થયા. એ પણ ત્યારે, જ્યારે તેમણે સાથે કામ કર્યું હતું. આદર આપતાં શીખવું જોઇએ. બીજા ટ્વીટમાં ઋષિ કપૂરે લખ્યું હતું કે, એવું કેમ? મારા પછી પણ... જ્યારે હું મરી જઈશ, મારે આ વાત માટે તૈયાર રહેવાનું છે. કોઇ મનેય કાંધ આપવા નહીં આવે. આજના કહેવાતા સિતારાછી ખૂબ જ નારાજ છું.

ઋષિ કપૂરની નારાજગી આ વાતથી સમજી શકાય છે કે પહેલું ટ્વીટ તેમણે રાતે 11.53ના કર્યું હતું અને છેલ્લું રાતે 1 વાગ્યે. ઋષિ કપૂરે બીજા બે ટ્વીટ્સમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો દીકરો રણબીર ફ્યૂનરલમાં કેમ ન હતો. હા, આ સોશિયલ મીડિયામાં પહેલા જ કહી ચૂક્યો છું કે મારો પત્ની અને રણબીર દેશ બહાર છે. આ સિવાય તેમનું ત્યાં ન હોવાનું અન્ય કોઇ જ કારણ હોઈ શકે નહીં.

Rishi Kapoor Tweet

ઋષિએ આગળ લખ્યું હતું કે, "ગુસ્સે છું. પ્રિયંકા ચોપડાની પાર્ટીમાં ગઈ કાલે રાતે એટલા બધાં ચમચાઓને મળ્યો હતો. વિનોદને ત્યાં અમુક જ હતા. હું તે બધાંથી ખૂબ જ ગુસ્સે છું."

Rishi Kapoor Tweet

આ પણ એક સંજોગ છે કે ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં લૉકડાઉનને કારણે ફક્ત 24 લોકોને જ સામેલ થવાની પરવાનગી મળી હતી, જેમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ હતા. ઋષિ કપૂર અને વિનોદ ખન્નાએ ચાંદની જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વિનોદ ખન્નાનું નિધન 27 એપ્રિલ 2017ના રોજ થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK