બંગાળી શો ‘સંજહર બાતી’ પર આધારિત સિરિયલ ‘આપકી નઝરોં ને સમઝા’ સ્ટાર પ્લસ પર લૉન્ચ થવાનું છે. રસપ્રદ વાત એ છે કે આ હિન્દી રીમેક શોમાં ગુજરાતનું બૅકડ્રૉપ છે. આ શોમાં એવી છોકરીની વાત છે જેની સાવકી મા અને બહેન તેની સાથે દુર્વ્યવહાર કરે છે, પણ જ્યારે તેનાં લગ્ન શહેરના એક અમીર છોકરા સાથે થાય છે ત્યારે તેની જિંદગી બદલાઈ જાય છે. એ યુવક દૃષ્ટિહીન ફોટોગ્રાફર હોય છે. શોમાં વિજયેન્દ્ર કુમેરિયા (નાગિન) અને રિચા રાઠોડ (રાધાકૃષ્ણ) લીડ રોલમાં છે, તો સાથે નારાયણી શાસ્ત્રી, મિલોની કાપડિયા, પૂર્વી વ્યાસ જેવા કલાકારો પણ છે. તો કલર્સ ગુજરાતીના જાણીતા શો ‘લક્ષ્મી સદૈવ મંગલમ’ની લક્ષ્મી એટલે કે સઈ બર્વે પણ ‘આપકી નઝરોં ને સમઝા’માં મહત્ત્વના રોલમાં છે.
મૂળ મરાઠી પણ અમદાવાદમાં ઊછરેલી સઈને ‘લક્ષ્મી’ તરીકે લોકપ્રિયતા મળી છે અને હવે તે ‘આપકી નઝરોં ને સમઝા’માં પરિવારની દેરાણી તરીકે જોવા મળશે. સઈ કહે છે, ‘આ શોમાં હું પારુલનું પાત્ર ભજવી રહી છું. પારુલ દેરાણી તરીકે પૉઝિટિવ પાત્ર છે જે પરિવારને બાંધી રાખે છે. નારાયણી શાસ્ત્રી જેવા ટીવીના જાણીતા કલાકારો સાથે કામ કરવું અને હિન્દી ઑડિયન્સ મેળવવું એ બહુ મોટી વાત છે. ત્રણ વર્ષથી હું ‘લક્ષ્મી સદૈવ મંગલમ’ શો કરી રહી છું અને મને ‘લક્ષ્મી’ તરીકે ઘણી લોકપ્રિયતા મળી છે. મારું ફૅન-ફૉલોઇંગ ગુજરાતી છે એટલે ‘આપકી નઝરોં ને સમઝા’ શો માટે મારા ગુજરાતી ફૅન્સને છોડવાનો સંકોચ થતો હતો. હિન્દીમાં હું નવી શરૂઆત કરવા જઈ રહી છું, પણ એનું ગુજરાતી બૅકડ્રૉપ મારા ફૅન્સ સાથે મને કનેક્ટ કરી શકશે.’