મને આમિર પર છે પૂરો વિશ્વાસ : કરીના

Published: 23rd November, 2012 05:24 IST

આ લાગણી છે ‘તલાશ’માં તેની સાથે કામ કરનારી કરીના કપૂરની
ડિરેક્ટર રીમા કાગતીની થ્રિલર ફિલ્મ ‘તલાશ’ આવતા અઠવાડિયે રિલીઝ થવાની છે, પણ આમ છતાં એના પ્રમોશનની પ્રવૃત્તિ ખાસ હાથ ધરવામાં નથી આવી. ખબર પડી છે કે આ ફિલ્મ માટે આમિરે ઓછામાં ઓછા પ્રમોશનનો પ્લાન અમલમાં મૂક્યો છે. જોકે આ ફિલ્મની ખાસ ચર્ચા ન હોવા છતાં એની હિરોઇન કરીના કપૂરને આ વાતની ખાસ ચિંતા નથી. તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તેને આમિરની ક્ષમતા તેમ જ માર્કેટિંગની ટૅલન્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે. આમિર સાથે ‘થ્રી ઇડિયટ્સ’માં કામ કરી ચૂકેલી કરીના તેનાથી બહુ પ્રભાવિત છે અને તેને એ વાતની ખુશી છે કે તેને આમિર સાથે બે ફિલ્મમાં કામ કરવાની તક મળી છે.

પોતાની લાગણી વ્યક્ત કરતાં કરીના કહે છે, ‘આમિર તેના ફીલ્ડનો માસ્ટર છે અને પોતાના ખભા પર આખી ફિલ્મનો બોજ ઉઠાવી લેવા માટે જાણીતો છે. મને ખબર છે કે જો આમિરે ઓછી પબ્લિસિટીનો પ્લાન અપનાવ્યો છે તો એની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે. આ ફિલ્મની રિલીઝને અઠવાડિયું જ રહ્યું છે એટલે હવે થોડો ઘણો પ્રચાર કરવામાં આવશે.’

આ ફિલ્મની વાર્તાર્ની આસપાસ રહસ્યનું આવરણ છવાયેલું છે. એ વિશે વાત કરતાં કરીના કહે છે, ‘મને લાગે છે કે ફિલ્મ માટે જે રહસ્ય છે એ જ એની મોટી ખૂબી છે. આને કારણે લોકો આ ફિલ્મ જોવા માટે ખેંચાશે. આખરે આ ફિલ્મ થ્રિલર ડ્રામા છે એટલે એની આસપાસનું રહસ્ય જળવાયેલું રહે એ બહુ જરૂરી છે. હું પોતે પણ કોઈ પ્રોજેક્ટના વધુ પડતા પ્રમોશનમાં નથી માનતી. ‘હિરોઇન’ વખતે સતત ૨૦થી ૩૦ દિવસ સુધી પ્રમોશન કરીને હું થાકી ગઈ હતી. હૉલીવુડમાં પણ આટલું બધું પ્રમોશન નથી થતું. પ્રમોશન માટે એક શહેરથી બીજા શહેરમાં દોડાદોડી કરવાને બદલે નિરાંતે બેસીને આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે અને રોલ વિશે સારી રીતે વાત કરવામાં આવે એ વધારે યોગ્ય છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK