ઍક્શન એબ્રાહમને લાગ્યો જૅકપૉટ

Published: 18th October, 2011 17:15 IST

‘ફોર્સ’ સાથે ઍક્શન એબ્રાહમનું બિરુદ મેળવનારા જૉન એબ્રાહમ માટે કરીઅરના નવા રસ્તાઓ હવે આપમેળે જ ખૂલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેની આ સફળતા એટલી સારી રહી છે કે હૉલીવુડના જાણીતા ઍક્શન હીરો સિલ્વેસ્ટર સ્ટૅલન (‘રૉકી’ અને ‘રૅમ્બો’ સિરીઝ) તથા જેરાર્ડ બટલર (‘૩૦૦’નો લીડ-ઍક્ટર) સાથેની ફિલ્મમાં તેને કામ કરવાની તક મળી શકે છે.

 

હૉલીવુડના સ્ટાર કલાકારો સિલ્વેસ્ટર સ્ટૅલન અને જેરાર્ડ બટલર સાથેની ફિલ્મમાં કામ કરવાની જૉનને ઑફર થઈ

સિલ્વેસ્ટર સ્ટૅલનના ઍક્શન-ટ્રેઇનર જે. જે. પેરીના દિગ્દર્શન હેઠળની પહેલી ફિલ્મમાં તેઓ ઇચ્છે છે કે જૉન એબ્રાહમ પણ કામ કરે. જો બધું સફળતાથી પાર પડ્યું તો આ મોટા પ્રોજેક્ટ સાથે જૉન પોતાની હૉલીવુડની કરીઅર પણ શરૂ કરશે એવું લાગી રહ્યું છે.

આ વાતને સ્વીકારતાં જૉન કહે છે, ‘જે. જે. પેરીએ જ્યારે ‘ફોર્સ’નો અમુક ભાગ જોયો ત્યારે તેણે તરત મારો સંપર્ક કર્યો હતો અને મારી ઍક્ટિંગ તથા બૉડીનાં ઘણાં વખાણ કરીને તેમની ફિલ્મમાં કાસ્ટ કરવાની વાત કહી હતી. હું ડિસેમ્બરમાં પ્રોડ્યુસરોને મળવા માટે લૉસ ઍન્જલસ જઈશ.’

હૉલીવુડનો આ મોટો પ્રોજેક્ટ મળ્યા પછી પણ તે બૉલીવુડના ઍક્ટર તરીકે જ ઓળખાવા માગે છે એ વિશે જૉન કહે છે, ‘હું એક ઇન્ડિયન ઍક્ટર છું અને ભારતીય ફિલ્મજગત હંમેશાં મારી પહેલી પસંદગી રહેવાનું. જો મને લાગશે કે મારા કામથી એ ફિલ્મને ફાયદો થશે તો જ હું ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ સ્વીકારીશ.’

જોકે આ પહેલી વખત નથી જ્યારે જૉનને આ પ્રકારની ફિલ્મોની ઑફર થઈ હોય. ઑસ્કર નૉમિનેટેડ દીપા મહેતાની ‘વૉટર’ જ્યારે ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં સ્ક્રીનિંગ કરાવવામાં આવતી હતી ત્યારે પણ જૉનને અમુક ઑફર્સ આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK