ફિલ્મ-રિવ્યુ: જવાની જાનેમન - જવાનીનો ઝાકમઝોળ

Published: Feb 01, 2020, 12:37 IST | Harsh Desai | Mumbai

ફૅમિલી બનાવવાથી દૂર ભાગતી વ્યક્તિની કહાનીને વધુ સારી રીતે લખી શકાઈ હોત : સૈફે પ્લેબૉયના ઍટિટ્યુડ દ્વારા ફિલ્મની નૈયા પાર કરાવવાની ભરપૂર કોશિશ કરી છે : ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર અલાયા ખૂબ જ કૉન્ફિડન્ટ છે, પરંતુ ભાષા અને એક્સપ્રેશન પર મહેનત જરૂરી છે

ફિલ્મ-રિવ્યુ: જવાની જાનેમન
ફિલ્મ-રિવ્યુ: જવાની જાનેમન

આ વર્ષની શરૂઆતમાં જ સૈફ અલી ખાનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ રિલીઝ થઈ હતી અને ગઈ કાલે તેની બીજી ફિલ્મ ‘જવાની જાનેમન’ પણ રિલીઝ થઈ છે. તેની પહેલી ફિલ્મ સુપરડુપર હિટ થઈ છે અને હજી પણ થિયેટરમાં ચાલી રહી છે, પરંતુ એનો લાભ આ ફિલ્મ પર જોવા નહીં મળે. ‘જવાની જાનેમન’માં સૈફ અને પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાલાએ કામ કર્યું છે. અલાયા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે.

સ્ટોરી ટાઇમ

ફિલ્મની સ્ટોરી લંડનમાં સેટ છે. જસવિંદર સિંહ એટલે કે જસ્સી એટલે કે જેઝ ફૅમિલી બનાવવાથી દૂર ભાગતો હોય છે. તેની લાઇફમાં તે ‘શેર’ હોય છે અને ફક્ત શિકાર એટલે કે રંગરેલિયા મનાવવા માગતો હોય છે. દરરોજ ક્લબમાં જવું અને એક છોકરી સાથે ઘરે આવવું તેનું રૂટીન હોય છે. એવામાં અચાનક ૨૧ વર્ષની ટિયા એટલે કે અલાયા તેને ક્લબમાં મળે છે. સૈફે આ ફિલ્મમાં તેની રિયલ ઉંમરનું પાત્ર ભજવ્યું છે, પરંતુ એમ છતાં તે ૨૧ વર્ષની ટિયા સાથે ફ્લર્ટ કરે છે. આ દરમ્યાન ટિયા તેને કહે છે કે તે તેના પપ્પા હોય એવા ૩૩.૩૩ ટકા ચાન્સ છે. આથી તે DNA ટેસ્ટ કરાવવા કહે છે. સૈફ આનાકાની બાદ છેલ્લે માને છે અને તે તેનો પિતા હોવાની સાથે ટિયા પ્રેગ્નન્ટ હોવાનું પણ જાણવા મળે છે. જંગલના શેરની જેમ રહેતા જેઝ પર આ એક ઍટમબૉમ્બ હોય છે. ફૅમિલી બનાવવાથી હંમેશાં દૂર રહેતો સૈફ કેવી રીતે આ પરિસ્થિતિને હૅન્ડલ કરે છે એના પર ફિલ્મ બનાવવામાં આવી છે.

ડિરેક્શન અને સ્ક્રીનપ્લે

‘મિત્રોં’, ‘ફિલ્મિસ્તાન’ અને ‘નોટબુક’ જેવી ફિલ્મો બનાવનાર નીતિન કક્કડે ‘જવાની જાનેમન’ને ડિરેક્ટ કરી છે. બૉલીવુડમાં પિતા-પુત્રીના સંબંધ પર ઘણી ફિલ્મો બની છે અને એમાં હવે ‘જવાની જાનેમન’ને અર્બન ટચ આપવામાં આવ્યો છે. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે સારો છે, પરંતુ એમાં થોડા પ્રૉબ્લેમ છે. ઘણી વાર ટ્રૅક ખૂબ જ સારો ચાલી રહ્યો હોય ત્યાં અચાનક એ પાછો નબળો પડી જાય છે, પરંતુ ફરી એ ટ્રૅક પર આવી જાય છે અને આવું બે કલાકની ફિલ્મમાં સતત ચાલતું રહે છે. સ્ટોરી જ્યારે પણ નબળી પડે છે ત્યારે ડાયલૉગ અથવા તો ઍક્ટિંગ દ્વારા બચાવી લેવામાં નીતિન કક્કડ સફળ રહ્યો છે. ફિલ્મની સ્ટોરી પર હજી થોડું વધુ સારું કામ કરી એને વધુ એન્ટરટેઇનિંગ બનાવી શકાઈ હોત. ડાયલૉગ મનોરંજનથી ભરપૂર છે, પરંતુ હુસેન દલાલ સ્ટોરી પર વધુ કામ કરી શક્યો હોત. તેમ જ ચંકી પાન્ડેના એક દૃશ્ય દ્વારા નીતિન કક્કડે એમ કહેવા માગ્યું છે કે વૃદ્ધાવસ્થામાં બીમારી દરમ્યાન ફૅમિલી-બાળકો હોવાં જરૂરી છે જેથી સેવાચાકરી કરી શકે. જોકે ફિલ્મને જેટલી મૉડર્ન દેખાડવામાં આવી છે એ મુજબ આજની જનરેશન તેમના ફૅમિલી સાથે રહેવા કરતાં પોતાના ગોલને મેળવવા પાછળ દોટ મૂકે છે. આથી એક સવાલ થાય છે કે શું ખરેખર બાળકો રહેશે ખરાં?

ઍક્ટિંગ

સૈફ અલી ખાનની ‘રેસ 2’ અને ‘ગો ગોઆ ગૉન’ બાદ સીધી ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ હિટ રહી છે. જોકે આમ છતાં તેની ઍક્ટિંગ કાબિલેદાદ છે. ‘જવાની જાનેમન’ જેવી ફિલ્મો માટે તે શ્રેષ્ઠ ચૉઇસ છે. ‘લવ આજ કલ’, ‘કૉકટેલ’ અને ‘સલામ નમસ્તે’ જેવી ફિલ્મોમાં તે આવા પાત્રમાં જોવા મળ્યો છે. એક પ્લેબૉયના પાત્રને જેન્ટલમૅનની જેમ કેવી રીતે ભજવવું એ કોઈ સૈફ અલી ખાન પાસેથી શીખે. આ ફિલ્મ દ્વારા અલાયાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. તેની પહેલી ફિલ્મ હોવા છતાં તેણે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. આત્મવિશ્વાસથી ભરપૂર અલાયાએ હજી હિન્દી પર અને તેના ચહેરાના એક્સપ્રેશન પર કામ કરવાની જરૂર છે. જોકે તેનો સ્માઇલી ફેસ હોવાથી ઇમોશનલ દૃશ્યમાં પણ તે સ્માઇલ કરતી હોય એવું લાગે છે. અર્બન ફિલ્મમાં તો તે સારી રીતે ઍક્ટિંગ કરી શકશે, પરંતુ તેની ખરી ટેસ્ટ નાના ગામડાની સ્ટોરી કહેવામાં આવે ત્યારે થશે. આ સાથે જ ચંકી પાન્ડે, કુમુદ મિશ્રા, ફરીદા જલાલ અને કિકુ શારદાનાં પાત્ર નામપૂરતાં છે; પરંતુ તેમણે દરેકે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. તબુનું કામ પણ ફિલ્મમાં નામપૂરતું છે. જોકે સ્ક્રીન પર તે જ્યારે પણ આવે છે ત્યારે ચાર ચાંદ લગાવી દે છે. કુબરા સૈતે પણ સૈફની ડિવૉર્સ ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું છે. જોકે સવાલ એ છે કે ઉંમર છુપાવવા માટે સૈફ ફિલ્મમાં વારંવાર વાળને કલર કરાવતો હોય છે, પરંતુ કુબરાને જોઈને તે સૈફની ઉંમરની નથી લાગતી.

મ્યુઝિક

ફિલ્મમાં ચાર ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી બે સૉન્ગ રીક્રિએટ કરવામાં આવ્યાં છે. સૈફનું ગીત ‘ઓલે ઓલે’નું નવું વર્ઝન તેની એન્ટ્રી દરમિયાન આવે છે. તેમ જ ‘ગલાં કર દી’ સૉન્ગ એન્ડ-ક્રેડિટમાં આવે છે. આ સાથે જ ‘બંધુ તૂ મેરા’ કરતાં ‘મેરે બાબુલ’ વધુ સારું છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું સ્ટ્રૉન્ગ છે અને એના દ્વારા દૃશ્યને જબરદસ્તીથી ઇન્ટેન્સ બનાવવાની કોશિશ કરી હોય એવું લાગે છે.

આખરી સલામ

પિતા-પુત્રીની સ્ટોરીને એક અર્બન એન્ગલ દ્વારા કહેવામાં આવી છે. પિતા હોય કે દીકરી તેઓ સંજોગ અનુસાર કમિટમેન્ટથી ભાગતો હોય એવું બની શકે. જોકે અંતે ફૅમિલી જ સૌથી મહત્વની છે એ ફિલ્મ દ્વારા કહેવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK