મખમલી અવાજે તો થોડા દિવસ પહેલાં જ સાથ છોડી દીધો હતો

Published: 11th October, 2011 21:09 IST

ભારતીય સંગીતમાં ગઝલને એક અલગ સ્થાન અપાવનારા અને વર્ષો સુધી પોતાના અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારા જગજિત સિંહનું ગઈ કાલે શહેરની લીલાવતી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. જે અવાજને કારણે તેમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળ્યું હતું એ જ અવાજે છેલ્લા દિવસોમાં તેમનો સાથ છોડી દીધો હતો અને તેઓ પોતાના કુટુંબીજનો સાથે વાતચીત પણ નહોતા કરી શક્યા.

 

પ્રિયંકા વોરા

મુંબઈ, તા. ૧૧

તેમની ટ્રીટમેન્ટ કરી રહેલા લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોના કહેવા મુજબ અંતિમ દિવસોમાં તેઓ એટલા પણ ભાનમાં નહોતા આવી શક્યા કે પોતાના કુટુંબીજનો કે મિત્રો સાથે વાતચીત કરી શકે.

૨૩ સપ્ટેમ્બરે બ્રેઇન હૅમરેજને કારણે શહેરની લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવેલા જગજિત સિંહ પર એ જ દિવસે તાબડતોબ સર્જરી કરવામાં આવી હતી, પણ તેમની તબિયત ક્યારેય એટલી સારી નહોતી થઈ શકી કે તેઓ વાતચીત કરી શકે. તેમની ટ્રીટમેન્ટ કરતા એક સિનિયર ડૉક્ટરે કહ્યું હતું કે ‘તેમની તબિયતમાં થોડો-ઘણો સુધારો આવ્યો હતો. અમે થોડા સમય માટે તેમને વેન્ટિલેટરમાંથી બહાર લાવવાની કોશિશ પણ કરી હતી. જોકે તેઓ લગભગ આખો સમય બેભાન જ રહ્યા હતા.’

ગઈ કાલે સવારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડૉક્ટરોએ તેમને બચાવવાની પૂરી કોશિશ કરી હતી, પણ સવારે આઠ વાગીને દસ મિનિટે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK