ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેસ, જહાં તુમ ચલે ગએ...

Published: 11th October, 2011 20:55 IST

ભારતીય સંગીતજગતમાં જો ગઝલનું નામ આવે તો એના પર્યાય તરીકે જગજિત સિંહનું નામ આપમેળે જ લેવાઈ જતું હોય છે. ખૂબ જ જટિલ ગણાતા સંગીતના આ પ્રકારને તેમણે સરળ સ્વરૂપમાં ઢાળીને શ્રોતાને પહેલી વખતથી જ યાદ રહી જાય એ પ્રકારની અસંખ્ય ગઝલો લખી, કમ્પોઝ કરી અને પોતાનો અવાજ પણ આપ્યો હતો.

 

ગઝલસમ્રાટ ગણાતા જગજિત સિંહના ગઈ કાલે થયેલા અવસાનથી ભારતીય સંગીતમાં ક્યારેય ન ભરી શકાય એવો ખાલીપો હંમેશ માટે સર્જાયો

તેમની ઘણી એવી ગઝલો હશે જે આજથી દાયકાઓ પછી પણ આ પ્રકારના સંગીતના ચાહકો માટે ટોચની પસંદગીમાં જ સામેલ થશે. આ ગઝલસમ્રાટે જ્યારે ૭૦ વર્ષની ઉંમરે ગઈ કાલે શહેરની લીલાવતી હૉસ્પિટલમાં દુનિયાને અલવિદા કરી ત્યારે એક એવા યુગનો અંત આવ્યો જે કદાચ જ આપણા સંગીતરસિકોથી તૃપ્ત દેશમાં ફરીથી જોવા મળે.

જન્મ અને શરૂઆતનાં વર્ષો

૧૯૪૧ની ૮ ફેબ્રુઆરીએ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક સિખપરિવારમાં જન્મેલા જગજિત સિંહના પિતા અમર સિંહ ધિમાન સરકારી અધિકારી હતા. તેમના પિતાનું મૂળ પંજાબનું ડલ્લા નામનું ગામ હતું અને માતા બચન કૌરનું મૂળ પણ પંજાબના શહેર સમરાલાનું ઓટ્ટાલન ગામ હતું. શરૂઆતનું ભણતર શ્રીગંગાનગરમાં મેળવ્યા પછી તેમણે ગ્રૅજ્યુએશન જલંધરની કૉલેજમાંથી અને હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી હિસ્ટરીમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું હતું.

શરૂઆતના દિવસો અને સ્ટ્રગલ

નાનપણથી જ જગજિત સિંહનું સંગીત પ્રત્યેનું આકર્ષણ જોઈને તેમને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખવવામાં આવ્યું હતું. તેઓ બે વર્ષ સુધી શ્રીગંગાનગરમાં પંડિત છગનલાલ શર્મા અને ત્યાર પછી છ વર્ષ સુધી ઉસ્તાદ જમાલ ખાન પાસે ખયાલ, ઠૂમરી અને દ્રુપદ શીખ્યા હતા. જગજિત સિંહની ટૅલન્ટ જોઈને તેમને મુંબઈ જવાનું કહેવામાં આવ્યું હતું અને ૧૯૬૫ની સાલમાં તેઓ શહેરમાં આવ્યા હતા, પણ શરૂઆતમાં તેમને જોઈએ એવી સફળતા નહોતી મળી. એ કારણે જ તેમણે પેઇંગ-ગેસ્ટ તરીકે રહેવું પડ્યું હતું અને ત્યાર પછી તેઓ બૉય્ઝ હોસ્ટેલમાં રહ્યા હતા. તેમની પાસે ઘરે જવા જેટલા પૈસા પણ નહોતા. તેમણે ટ્રેનના ટૉઇલેટમાં ટ્રાવેલ કરીને પંજાબના ઘરે જવું પડ્યું હતું. જોકે ત્યાર પછી તેમને પોતાની પહેલી સફળતા મળી હતી, તેમને ગુજરાતી ફિલ્મમાં ગીત ગાવાનો મોકો મળ્યો હતો. શરૂઆતમાં તેમણે જાહેરાતની જિંગલ્સ ગાઈ હતી અને લાઇવ પફોર્ર્મન્સ પણ આપ્યા હતા.

સ્વાસ્થ્યની તકલીફો અને અવસાન જગજિત સિંહને હેલ્થને લગતા ઘણા પ્રૉબ્લેમ ૧૯૯૦ના દાયકાના અંતથી શરૂ થયા હતા. ૧૯૯૮માં તેમને હાર્ટઅટૅક આવ્યો હતો અને તેમણે સ્મોકિંગ છોડવું પડ્યું હતું. ત્યાર પછી ૨૦૦૭માં બ્લડ-સક્યુર્લેશનને લગતી મુશ્કેલીઓને કારણે તેમને હૉસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. ૨૩ સપ્ટેમ્બરે તેઓ પાકિસ્તાની ગઝલ સિંગર ગુલામ અલી સાથે શહેરમાં એક શોમાં પફોર્ર્મ કરવાના હતા, પણ સવારે તેમને લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ડૉક્ટરોએ તેમના પર ઇમર્જન્સી સર્જરી કરી હતી. જગજિત સિંહને બ્રેઇન-હૅમરેજ થયું હતું અને આ સર્જરી તેમના મગજમાંથી ગાંઠો કાઢવા માટે કરવામાં આવી હતી. તેમને થોડા દિવસ આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં રાખવામાં આવ્યા હતા અને શ્વાસોચ્છ્વાસ વેન્ટિલેટરથી કરાવવામાં આવતો હતો. આખરે ગઈ કાલે સવારે આઠ વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું.

સામાન્ય ગાયકમાંથી ‘ગઝલસમ્રાટ’

૧૯૭૦ના દાયકામાં ગઝલસિંગર તરીકે હરીફાઈ નહોતી, પણ જે લોકો ગઝલમાં જાણીતાં નામ હતાં એમાં પોતાની ઓળખ બનાવવાનું જગજિત સિંહ માટે શરૂઆતમાં અઘરું બન્યું હતું. જોકે ૧૯૭૬માં આવેલા તેમના આલબમ ‘ધી અનફર્ગેટેબલ્સ’ને ઘણી સફળતા મળી હતી અને તેમના ફ્રેશ અવાજને ઘણા ચાહકો મળી ગયા હતા. ત્યાર પછી તો તેમણે એક પછી એક હિટ આલબમની લાઇન લગાડી દીધી હતી અને ઘણા ઓછા સમયમાં ગઝલસિંગર તરીકે તેમનું ઘણું મોટું નામ થઈ ગયું હતું.


૧૯૬૭માં સિંગર ચિત્રાને મળ્યા બાદ બે વર્ષ સુધીના રોમૅન્સ પછી તેમણે લગ્ન કયાર઼્ હતાં. આ હસબન્ડ-વાઇફની જોડીએ સાથે સંગીત બનાવવાનું શરૂ કર્યું અને સિન્ગિંગ કપલ તરીકેની તેમની ઘણી એવી ગઝલો છે જે આજે અમર થઈ ગઈ છે. તેમનાં આલબમ ‘એક્સ્ટસીઝ’ અને ‘અ સાઉન્ડ અફેર’ ઘણાં પ્રખ્યાત થયાં છે.


જોકે જગજિત સિંહ સૌથી વધુ પï્રખ્યાત તેમનાં ફિલ્મી ગીતોથી થયા હતા. મહેશ ભટ્ટની ‘અર્થ’માં તેમણે ગાયેલાં ગીતો ‘ઝુકી ઝુકી સી નઝર’, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો’ અને ‘કોઈ યે કૈસે બતાએ’ ખૂબ જ ઓછા સમયમાં લોકોમાં ફેવરિટ થઈ ગયાં હતાં અને આજે પણ એનું મહત્વ વધતું જાય છે. આ ઉપરાંત ફિલ્મ ‘પ્રેમગીત’નું હોઠોં સે છૂ લો તુમ...’ અને ‘સાથ સાથ’નાં ગીતો પણ એટલાં જ પ્રખ્યાત થયાં છે. જગજિત સિંહે ગુલઝારના દિગ્દર્શન હેઠળની ટીવી-સિરિયલ ‘મર્ઝિા ગાલિબ’માં પણ સફળ સંગીત આપ્યું હતું અને આ સિરિયલની ગઝલોને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.


ગઝલસિંગર તરીકે તેમણે ‘સરફરોશ’ની ‘હોશવાલોં કો ખબર ક્યા’, ‘દુશ્મન’ની ‘ચિઠ્ઠી ના કોઈ સંદેશ’ અને ‘તુમ બિન’ની ‘કોઈ ફરિયાદ’ આજની જનરેશનમાં પણ ઘણી પ્રખ્યાત થઈ ચૂકી છે. તેમનું આશા ભોસલે સાથેનું આલબમ પણ ચાહકો દ્વારા ખૂબ જ સારો રિસ્પૉન્સ મેળવી શક્યું હતું. આ ઉપરાંત તેમણે લતા મંગેશકર સાથે પણ ‘સજદા’ નામે આલબમ બહાર પાડ્યું હતું અને તેમનું ગીત ‘દર્દ સે મેરા દામન ભર દે...’ ગઝલના શોખીનોમાં ખૂબ જ જાણીતું બન્યું છે. તેમણે છેલ્લો લાઇવ-શો દેહરાદૂનમાં આવેલી ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ૨૦ સપ્ટેમ્બરે કયોર્ હતો.

અટલ બિહારી વાજપેયી માટે આલબમ બનાવનારા એકમાત્ર કલાકાર

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે કામ કરનારા જગજિત સિંહ એકમાત્ર કલાકાર હતા. રાજનેતા સાથે અટલ બિહારી વાજપેયી એક ખૂબ જ પ્રખ્યાત કવિ છે અને જગજિત સિંહે બે આલબમ ૧૯૯૯માં ‘નયી દિશા’ અને ૨૦૦૨માં આવેલા ‘સમવેદના’માં અટલ બિહારી વાજપેયીની કવિતાઓમાં સંગીત આપ્યું હતું અને ગીતો પણ ગાયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK