જૅકી શ્રોફ બનશે સુનીલ દત્ત

Published: Nov 05, 2016, 03:41 IST

સંજય દત્તની બાયોપિકમાં તેના પપ્પાની ભૂમિકા કોણ ભજવશે એ સવાલનો મળી ગયો જવાબ
સોનિલ દેઢિયા

સંજય દત્ત ફેબ્રુઆરીમાં જેલમાંથી બહાર આવ્યો ત્યારથી તેના ઘટનાસભર જીવન પર આધારિત અને રાજકુમાર હીરાણી ડિરેક્ટેડ બાયોપિક સંબંધે ઉત્સુકતાનું વાતાવરણ સરજાયેલું છે. આ બાયોપિકમાં સંજયની ભૂમિકા રણબીર કપૂર ભજવવાનો હોવાના સમાચાર વારંવાર આવતા રહ્યા છે. હવે સુનીલ દત્તનું પાત્ર જૅકી શ્રોફ ભજવશે એ પાકે પાયે નક્કી થઈ ગયું છે અને સંજય દત્તે પણ એને મંજૂરી આપી દીધી છે એ વાત ‘મિડ-ડે’ ખાતરીપૂર્વક જણાવે છે.

સંજય દત્તની બાયોપિકમાં સદ્ગત ઍક્ટર-રાજકારણી સુનીલ દત્તની ભૂમિકા ભજવવાનો આમિર ખાને ઇનકાર કર્યો હોવાના સમાચાર ‘મિડ-ડે’એ બે મહિના પહેલાં આપ્યા હતા. આમિરે આ રોલમાં પ્રારંભે બહુ રસ દેખાડ્યો હતો.

હવે એ ભૂમિકા જૅકી શ્રોફ ભજવે એવી પાકી શક્યતા છે. આ સમાચારને સમર્થન આપતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ માટે ઑડિશન અને લુક-ટેસ્ટ આપ્યાને ઘણો સમય થઈ ગયો. તેથી સારું લાગે છે. આ બાયોપિકનો નિર્માતા વિધુ વિનોદ ચોપડા મારો સારો દોસ્ત છે અને તેણે મને શૉટ આપવા કહ્યું હતું.’

આ બાયોપિકનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૧૭માં શરૂ થવાનું છે. જૅકી શ્રોફે આ ફિલ્મ માટેનો કૉન્ટ્રૅક્ટ સાઇન નથી કર્યો, પણ સુનીલ દત્તનું પાત્ર ભજવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જૅકીએ કહ્યું હતું કે ‘હું દત્તસાબ જેવો લાગતો નથી એ દેખીતું છે, પણ તેમના વ્યક્તિત્વની વિશેષતાથી અને ખાસ કરીને લોકો સાથે વાત કરતી વખતે તેઓ કઈ રીતે હાથ હલાવતા હતા એ જાણવા માટે હું તેમના કેટલાક જૂના વિડિયો અને ફિલ્મો નિહાળી રહ્યો છું. તેમના જેવું ખંધું સ્મિત કરતાં પણ શીખી રહ્યો છું. તેઓ મજબૂત, પણ શરમાળ વ્યક્તિ હતા. તેમનું પાત્ર ભજવવાનું મારા માટે સૌથી વધુ મુશ્કેલ બની રહેશે. જોકે એ બધી તો તેમના રોલ માટે મારી પસંદગી થાય એ પછીની વાત છે.’

૨૦૧૩માં રજૂ થયેલી ‘ઔરંગઝેબ’ તથા ‘ધૂમ ૩’ અને ૨૦૧૫માં રજૂ થયેલી ‘બ્રધર્સ’ તથા ‘હાઉસફુલ ૩’માં જૅકી શ્રોફે ભજવેલાં પાત્રો રાજકુમાર હીરાણીને પસંદ પડ્યાં હતાં. એ સંદર્ભમાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘હું દત્તસાબનું કૅરિકેચર બની રહેવાને બદલે તેમના અસલી વ્યક્તિત્વને મારી ભૂમિકામાં રજૂ કરું એવું રાજકુમાર હીરાણી ઇચ્છે છે.’

આ માટે સંજય દત્તની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘રાજકુમાર હીરાણીએ મારી લુક-ટેસ્ટનો ફોટોગ્રાફ મોકલ્યો હતો અને સંજુને એ બહુ પસંદ પડ્યો હતો. અમે તાજેતરમાં મળ્યા ત્યારે સંજુએ સહમતી આપી હતી અને ‘ફૅન્ટૅસ્ટિક’ એવું કહ્યું હતું. સંજુની મંજૂરીને કારણે મને ગભરામણ થવા લાગી છે. મારે એ રોલ પ્રતીતિપૂર્વક ભજવવો પડશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK