
થોડા દિવસ પહેલાં ડિરેક્ટર અનિલ શર્માની ફિલ્મમાં સની દેઓલ સાથે એક આઇટમસૉન્ગ કરવા સની લીઓનીને સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા હતી. જોકે હવે ખબર પડી છે કે આ ફિલ્મમાંથી તેને કાઢી મૂકવામાં આવી છે. પહેલાં એવા સમાચાર હતા કે સની દેઓલના દબાણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ખબર પડી છે કે હકીકતમાં સનીની ફીના મામલે વિવાદ ઊભો થતાં આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે આટલું બધું થઈ ગયું હોવા છતાં અનિલ શર્મા કહે છે, ‘સની સાથે કોઈ જ સમસ્યા નથી. તે આ આઇટમસૉન્ગમાં કામ કરી રહી છે અને અમે તેની ડેટ્સને ઍડ્જસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
જોકે આ સમગ્ર પ્રકરણ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘હકીકતમાં સનીને આ ફિલ્મમાંથી કાઢવામાં નથી આવી, પણ તેણે સામેથી જ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. હકીકતમાં અનિલે પોતાની આ ફિલ્મમાં સની દેઓલ સાથે આઇટમસૉન્ગ કરવા માટે સનીને ૫૦ લાખ રૂપિયા ફી ઑફર કરી હતી જે સનીને ઓછી લાગી હતી. તેણે તાજેતરમાં એક પ્રોડક્શન-હાઉસ સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરી છે જેના કારણે હાલમાં તેની બહુ ડિમાન્ડ છે. એ સિવાય આ આઇટમસૉન્ગના રિહર્સલ માટે સની પાસેથી સારી એવી ડેટ્સ માગવામાં આવી હતી જે આપવાનું સની માટે શક્ય નહોતું. આને કારણે જ હવે સની આ ફિલ્મમાં કામ નથી કરી રહી.’