કોઈ ફિલ્મ-રાઇટરે હીરોની ફી કરતાં વધુ પૈસા લીધા હોય એવો પ્રથમ કિસ્સો હતો

Published: Mar 30, 2020, 16:51 IST | Ashu Patel | Mumbai Desk

એક્સ્ટ્રા શૉટ્સ : સલીમ-જાવેદે દોસ્તાના ફિલ્મ લખવા માટે હીરો અમિતાભ બચ્ચન કરતાં વધુ ફી લીધી હતી!

સલીમ-જાવેદે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લેખક-જોડી તરીકે અનેક રેકૉર્ડ તોડ્યા છે. સલીમ લેખક બનતાં અગાઉ ફિલ્મ-રાઇટર-ડિરેક્ટર અબ્રાર અલવીના સહાયક તરીકે કામ કરતા હતા. તેમની પાસેથી તેઓ ફિલ્મલેખનની કળા શીખતા હતા એ દિવસોમાં એક વાર તેમણે અબ્રાર અલવીને કહ્યું, ‘અબ્રારસા’બ, ફિલ્મ હીરોની જેમ સ્ટોરીઝ પર પણ ચાલતી હોય છે એટલે હીરોને જેટલી ફી મળતી હોય એટલી જ ફી રાઇટરને કોઈ પણ ફિલ્મ માટે મળવી જોઈએ.’ 

એ પછી તો સલીમ-જાવેદે જોડી બનાવી અને તેમની લખેલી ફિલ્મો સુપરહિટ સાબિત થવા લાગી. તેમણે ‘દોસ્તાના’ ફિલ્મ લખી હતી. એ ફિલ્મ કરણ જોહરના પિતા યશ જોહરે પ્રોડ્યુસ કરી હતી અને એના ડિરેક્ટર રાજ ખોસલા હતા. ૧૯૮૦ની ૧૭ ઑક્ટોબરે એ ફિલ્મ રિલીઝ થયેલી અને એ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા ઉપરાંત ઝીનત અમાન, પ્રેમ ચોપડા, અમરીશ પુરી, હેલન અને પ્રાણ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. એ ફિલ્મ માટે બધા કલાકારોને સાઇન કરી લીધા પછી યશ જોહર સલીમ-જાવેદ પાસે ગયા. તેમણે પૂછ્યું કે ‘તમે કેટલી ફી લેશો.’ ત્યારે સલીમ-જાવેદે તેમને કહ્યું કે ‘અમિતાભ બચ્ચનને જે ફી આપી છે એનાથી ૫૦,૦૦૦ રૂપિયા વધુ ફી અમને આપી દેજો!’ એ વખતે કોઈ ફિલ્મલેખક એવી કલ્પના પણ નહોતા કરી શકતા (આજે પણ નથી કરી શકતા!). જોકે સલીમ-જાવેદ એ કક્ષાએ પહોંચી ગયા હતા કે યશ જોહર તરત જ સહમત થઈ ગયા! યશ જોહર ગયા એ પછી સલીમ ખાને અબ્રાર અલવીને કૉલ કર્યો અને યાદ અપાવ્યું કે ‘અબ્રારસા’બ, તમને યાદ છે, મેં કહ્યું હતું કે ફિલ્મના લેખકને હીરો જેટલી જ ફી મળવી જોઈએ?’
અબ્રાર અલવીએ કહ્યું, ‘હા મને યાદ છે.’ સલીમજીએ કહ્યું, ‘મેં ખોટું કહ્યું હતું કે ફિલ્મ-લેખકને હીરોની ફીથી વધુ પૈસા મળવા જોઈએ. સાચી વાત એ છે કે હીરો જેટલી નહીં, હીરોથી વધુ ફી મળવી જોઈએ! અમે ‘દોસ્તાના’ ફિલ્મ માટે હીરો અમિતાભ બચ્ચન કરતાં વધુ પૈસા લીધા છે!’ ફિલ્મની સ્ટોરી એવી હતી કે બન્ને એકબીજાના બહુ સારા દોસ્તો છે અને એ બન્નેને એકબીજા પર ખૂબ વિશ્વાસ છે. વિજય એક પોલીસ-ઑફિસર છે અને રવિ વકીલ છે. વિજય ગુનેગારોને પકડે છે, જ્યારે રવિ એ ગુનેગારોને જેલમાંથી બહાર કઢાવે છે. રવિને ડાગા (પ્રેમ ચોપડા) કામ પર રાખી લે છે. એક દિવસ વિજય અને રવિ બન્નેને શીતલ (ઝીનત અમાન) સાથે પ્રેમ થઈ જાય છે. વિજય શીતલ સમક્ષ પ્રેમનો એકરાર કરી દે છે અને શીતલ પણ તેના પ્રેમનો સ્વીકાર કરી લે છે. જ્યારે રવિનો શીતલ પ્રત્યેનો પ્રેમ એકતરફી છે. રવિ શીતલ પ્રત્યેના પોતાના પ્રેમની વાત વિજયને કરે છે એ સાંભળીને વિજય હચમચી જાય છે, પરંતુ રવિની દોસ્તી માટે તે પોતાના પ્રેમનું બલિદાન આપવાનો નિર્ણય કરે છે, પરંતુ વિલન ડાગા વિજય અને રવિની દોસ્તી તોડવા માટે વિજય અને શીતલની તસવીરો રવિને બતાવીને તેને ઉશ્કેરે છે અને રવિ અને વિજય વચ્ચે ગેરસમજણ ઊભી થઈ જાય છે. વિજય અને રવિની દોસ્તી દુશ્મનીમાં પલટાઈ જાય છે. જોકે એ ગેરસમજણને લીધે રવિ ડાગાની તરફ જતો રહે છે, પરંતુ તેને પછીથી સચ્ચાઈની ખબર પડે છે અને તેને પસ્તાવો થાય છે અને તેઓ પાછા ગાઢ મિત્રો બની જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK