અનુષ્કાથી છૂટા પડેલા રણવીરની દીપિકા સાથે ઘનિષ્ઠતા

Published: 18th August, 2012 06:50 IST

હાલમાં આ બન્ને વચ્ચેની ઘનિષ્ઠતામાં ભારે વધારો થયો છે: બુધવારે જુહુના ચંદન સિનેમામાં સાથે ફિલ્મ જોતાં ઝડપાયાં

deepika-ranvir-singhરણવીર સિંહ અને અનુષ્કા શર્માના ત્રણ વર્ષ જૂના પ્રેમપ્રકરણનો આખરે અંત આવી ગયો છે અને હવે રણવીર બહુ જલદી દીપિકા પાદુકોણની નજીક આવી ગયો છે. થોડા દિવસ પહેલાં આ બન્ને એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં અને હાલમાં તેઓ બન્ને જુહુમાં આવેલા ચંદન સિનેમામાં ‘એક થા ટાઇગર’ જોવા સાથે આવ્યાં હતાં. હકીકતમાં આ ફિલ્મ જોવા માટે પહેલાં રણવીર અને ડિરેક્ટર શાદ અલી આવ્યા હતા અને દીપિકાએ પાછળથી આવીને તેમની સાથે ફિલ્મ જોવાનું પસંદ કર્યું હતું.

આ મુદ્દે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘રણવીર અને અનુષ્કાના સંબંધોનો બે અઠવાડિયાં પહેલાં બહુ કડવાશપૂર્વક અંત આવ્યો છે અને તેમની વચ્ચે હવે બોલવાના સંબંધ પણ નથી. આ સંજોગોમાં રણવીરની મુલાકાત દીપિકા સાથે થઈ હતી અને તેમની વચ્ચે તરત જ કેમિસ્ટ્રી ઊભી થઈ ગઈ હતી. ‘એક થા ટાઇગર’ પૂરી થઈ એ પછી રણવીર અને દીપિકા પાર્ટી માટે સીધાં શાદના ઘરે ગયાં હતાં અને વહેલી સવાર સુધી ત્યાં જ રહ્યાં હતાં. રણવીર અને અનુષ્કાના બ્રેક-અપમાં દીપિકાનો કોઈ હાથ નથી, પણ હવે રણવીર અને દીપિકા બન્ને એકબીજાને પસંદ કરે છે. તેમની વચ્ચે ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે.’

રણવીરે ઉડાવી યશરાજ ફિલ્મ્સની મૂવીની મજાક

રણવીર સિંહ, શાદ અલી અને દીપિકા બુધવારે રાત્રે જુહુના ચંદન સિનેમામાં ‘એક થા ટાઇગર’ જોવા ગયાં હતાં. રણવીર અને શાદની કરીઅરમાં યશરાજ ફિલ્મ્સનો સિંહફાળો હોવા છતાં તેમને આ બૅનરની ‘એક થા ટાઇગર’ની ભરપૂર મજાક ઉડાવતા જોવામાં આવ્યા હતા. આ મુદ્દે વાત કરતાં થિયેટરમાં હાજર રહેલી એક વ્યક્તિ કહે છે, ‘રણવીર અને શાદ ફિલ્મ જોતી વખતે ધમાલ મચાવીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની હોવા છતાં બન્નેને એની મજાક ઉડાવતાં જોઈને લોકોને પણ બહુ નવાઈ લાગી હતી. જોકે આ ઘટના બની ત્યારે દીપિકાએ મૌન રહેવાનું જ પસંદ કર્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK