ટીવી-ઍક્ટ્રેસ દીગંગનાની દાદાગીરી વધતી જાય છે

Published: 3rd December, 2014 03:26 IST

લેટ લતીફી, ઝઘડા અને નખરાંથી તેની સિરિયલનું યુનિટ અને કો-સ્ટાર્સ પરેશાન
સિરિયલોના સેટ પર જાતજાતનાં નખરાં અને ઝઘડાખોર સ્વભાવથી બદનામ ટચૂકડા પડદાની ઍક્ટ્રેસ દીગંગના સૂર્યવંશીએ ટીવી-સિરિયલ ‘એક વીર કી અરદાસ... વીરા’ના યુનિટને પરેશાન કરી મૂક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રૂ-મેમ્બર્સ તરફથી દીગંગનાનાં નખરાં અને અનપ્રોફેશનલ વર્તનની રોજેરોજ મળતી ફરિયાદોથી કંટાળી ગયેલા પ્રોડ્યુસર યશ પટનાઈકે તેને વારેવારે ચેતવણી આપવી પડે છે.

સૂત્રોએ કહ્યું હતું કે ગયા અઠવાડિયે દીગંગનાને લેટ લતીફીને કારણે ઠપકો મળ્યો હતો અને તાજેતરમાં તેણે હેરડ્રેસર સાથે બબાલ કરતાં પાંચેક કલાક શૂટિંગ રખડી પડ્યું હતું. સૂત્રોએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘મેક-અપ રૂમમાંથી રાડારાડી સાંભળીને સૌને ખબર પડી હતી કે દીગંગનાએ ફરીથી ઝઘડો કર્યો હતો. જોકે આ ઝઘડો શેનો હતો એની ખબર નથી પડી, પરંતુ પ્રોડક્શન-હાઉસની મધ્યસ્થી બાદ પણ તેણે શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. જોકે તેને શાંત કરવામાં સમય વેડફાયો હતો અને આખરે તે માની ત્યારે શૂટિંગનો અડધો દિવસ બરબાદ થઈ ગયો હતો.’

યુનિટના એક મેમ્બરે કહ્યું હતું કે ‘પોતાના આવા વર્તન બદલ ભૂતકાળમાં તેને ચેતવણીઓ અને સલાહસૂચનો મળ્યાં છતાં તેમાં કોઈ જ ફેરફાર થયો નથી અને તે કો-સ્ટાર્સ સાથે પણ દલીલો કરતી રહે છે. હજીયે તે સમયસર શૂટિંગ માટે નથી આવતી અને પોતાના સમયે જ આવે છે. તેનાં આવાં નખરાંઓને કારણે ચૅનલ સાથે ટેલિકાસ્ટના ઇશ્યુ ઊભા થાય છે.’

તાજેતરમાં મેક-અપ આર્ટિસ્ટ સાથે દીગંગનાની બોલાચાલી વિશે અન્ય એક સૂત્રએ કહ્યું હતું કે ઝઘડા બાદ તે કોઈને કહ્યા વિના જ શૂટિંગના સ્થળેથી ચાલી ગઈ હતી. આ ઘટના વિશે વધુમાં સૂત્રએ કહ્યું હતું કે ‘સેટ પરથી છણકો કરીને અચાનક ચાલ્યા જવાનું આ પહેલી વાર નહોતું બન્યું. તે જ્યારથી બૉક્સ ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહી છે ત્યારથી પ્રૅક્ટિસ-સેશનમાં જવાના બહાને ગમે ત્યારે નીકળી જાય છે. આના કારણે તેને મોટા ભાગના કો-સ્ટાર્સ સાથે બોલવાનાય સંબંધો નથી રહ્યા.’

જો સૂત્રોની વાત માનીએ તો પ્રોડક્શન-હાઉસ તેનાં નખરાં ઉઠાવે છે એથી તે આવું વર્તન કરવા પ્રેરાય છે. એક યુનિટ-મેમ્બરે કહ્યું હતું કે ‘સેટ્સ પર શાંતિ જળવાઈ રહે એ મા?ટે પ્રોડક્શન-ટીમે દીગંગના સાથે મર્યાદિત વાતચીત કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જો મૅટર હાથની બહાર ચાલી જશે તો અમારે કોઈક પગલું ભરવું જ પડશે.’

જોકે દીગંગનાએ હેરડ્રેસર સાથેના ઝઘડા વિશે વાત કરવાને બદલે આવા આક્ષેપોનો જવાબ વાળતાં કહ્યું હતું કે ‘ક્રિકેટ લીગમાં ભાગ લેવા માટે મેં ચૅનલ અને પ્રોડક્શન-ટીમની પરમિશન લીધી હતી. મારું શૂટિંગ પતી ગયા બાદ હું ક્રિકેટની પ્રૅક્ટિસ માટે નીકળી જાઉં છું. મેક-અપ તો હું પોતે જ કરું છું. એથી આવા આક્ષેપો દમ વગરના છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK