ઇમરાને કોને આપી લાસ વેગાસ હોલિ઼ડેની ગિફ્ટ?

Published: 30th December, 2011 05:45 IST

ઇમરાન ખાને તેના સ્ટાફના હાર્ડ-વર્કથી પ્રભાવિત થઈને બધાને લાસ વેગસની ટ્રિપ ગિફ્ટ આપીબૉલીવુડમાં કોઈ પણ સ્ટારની સફળતા પાછળ માત્ર તેની પોતાની ટૅલન્ટ જ જવાબદાર નથી હોતી. એમાં ઘણાં ફૅક્ટર્સ કામ કરતાં હોય છે અને એમાંનો એક તેનો સ્ટાફ પણ હોય છે. સલમાન ખાન અને તેના બૉડીગાર્ડ શેરાની મિત્રતા તો જગવિખ્યાત છે. હવે ઇમરાન ખાન પણ એક ઉદાહરણ પૂરું પાડે છે. ઇમરાન ખાન અત્યારે ઘણો વ્યસ્ત કલાકાર છે અને એને કારણે જ ગયા આખા વર્ષમાં લગભગ તેણે શૂટિંગ અને પ્રમોશનનાં કાર્યો જ કર્યા હતાં. કમિટમેન્ટમાં ક્યારેય તે અસફળ ન રહે એ માટે પોતાના સ્ટાફના હાર્ડ-વર્કને જોઈને ઇમરાન ખાને તેમને સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે અમેરિકાના લાસ વેગસની ટ્રિપનું આયોજન કરી આપ્યું છે.

ઇમરાન ખાને ગયા વર્ષની ‘દેહલી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’માં કામ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન દરમ્યાન તેના સ્ટાફ એટલે કે મૅનેજર, ડિઝાઇનર, હેરસ્ટાઇલિસ્ટ અને મૅક-અપ આર્ટિસ્ટમાંથી કોઈને લાંબી રજા તેણે નહોતી આપી. આ ફિલ્મોની રિલીઝ પછી તે કરીના કપૂર સાથેની ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થતી ‘એક મૈં આર એક તૂ’ના શૂટિંગ અને હવે પ્રમોશનમાં વ્યસ્ત છે. આને કારણે જ તેના સ્ટાફને કોઈ હૉલિડે મળી શકે એમ નહોતો.

એટલે જ તેમના હાર્ડ-વર્કને સમજીને ઇમરાને તેમને આ ગિફ્ટ આપી છે. તે પહેલાં બીજા હૉલિડે માટેનાં સ્થળોમાં બાલી અને મૉરિશિયસ માટે પણ વિચારી રહ્યો હતો. જોકે ‘એક મૈં આર એક તૂ’ના લાસ વેગસમાં શૂટિંગ વખતે તેનો અનુભવ ઘણો સારો રહ્યો હતો અને એને કારણે જ તેણે આ સ્થળ પસંદ કર્યું હતું. ઇમરાનના પ્રવક્તાએ આ વાત સ્વીકારી હતી.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK