૬૩ વર્ષનાં ઝીનત અમાનને ફરી લગ્ન કરવાં છે

Published: 20th November, 2014 03:34 IST

તેઓ કહે છે કે બન્ને પુત્રો મોટા થયા, હવે નવેસરથી લાઇફ સેટલ કરવા આતુર છું
ગઈ કાલે ૬૩મી વરસગાંઠ ઊજવનારાં વીતેલાં વર્ષોનાં ગ્લૅમરસ ઍક્ટ્રેસ ઝીનત અમાન હવે નવેસરથી પોતાનું જીવન સેટલ કરવા માગે છે. ઝીનત કહે છે, ‘હવે હું ફરીથી કોઈ સાથે સેટલ થવા માગું છું અને કેમ નહીં? તમે જાણો જ છો કે આટલાં વર્ષો સુધી મેં એકલા હાથે મારા બે પુત્ર અઝાન અને ઝહાન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે મોટા થયા ત્યાં સુધી મેં હંમેશાં તેમની સતત કાળજી રાખી છે. હવે તેઓ પુખ્ત ઉંમરના છે અને તેમની પોતાની મેળે જિંદગી જીવી રહ્યા છે, એથી હું ફરીથી મારા જીવન વિશે વિચારી શકું છું.’

૧૯૭૦ના દાયકામાં ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવવા ઝીનત અમાને ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ૧૯૮૫માં કૅરૅક્ટર ઍક્ટર મઝહર ખાન સાથે પરણી ગયા બાદ ફિલ્મોમાં અભિનય કરવાનું મર્યાદિત કરી નાખ્યું હતું. આ સમયગાળા વિશે તેઓ કહે છે, ‘બધાએ સમજવું જોઈએ કે મેં દોઢ દાયકા સુધી નિરાંતનો શ્વાસ લીધા વગર સતત કામ કર્યું હતું, પરંતુ મૅરેજ બાદ કેટલીક મર્યાદાઓ બાંધી હતી. હું મૅરેજ,  પતિ અને પછી બે દીકરા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતી હતી. હવે મારા દીકરા મોટા થઈ ગયા છે અને તેમની પોતાની જિંદગી છે. મારા બન્ને દીકરા મલ્ટિ-ટેલન્ટેડ છે.’

દીકરાઓ વિશે વાત કરતાં ઝીનત કહે છે, ‘મોટો દીકરો ગ્રૅજ્યુએટ થઈ ગયો છે. નાનો દીકરો આટ્ર્સમાં પાકશાસ્ત્ર, મ્યુઝિક અને ઍક્ટિંગમાં માહેર છે. હવે તેઓ જીવનમાં કયા રસ્તે આગળ વધે છે એ જોવાનું છે. હાલમાં તેમનું ભવિષ્ય પ્રવાહી છે એમ કહી શકાય.’

પોતાના દિલની હાલત પણ પ્રવાહી ગણાવતાં ઝીનત કહે છે, ‘હાલમાં મારા જીવનમાં કોઈ અંગત વ્યક્તિ નથી, પરંતુ હું વર્ષોથી એકલી રહેતી હોવાથી દિલ ખાલી છે અને નવી કોઈ વ્યક્તિ સાથે પ્રેમ અને મૅરેજ માટે તૈયાર છું. મને કોઈની સામે ફરિયાદ નથી. હું માનું છું કે સમાજમાં સારા માણસો હોય જ છે અને દરેકના જીવનમાં લવ અને કમ્પૅન્યનશિપ માટે હંમેશાં જગ્યા હોય છે.’

જોકે હવે પોતાની ફિલ્મી કરીઅર વિશે તેમને બહુ આશા નથી. ઝીનત મોકળા મને કહે છે, ‘મારી ઉંમરની ઍક્ટ્રેસિસ માટે હવે ફિલ્મોમાં રોલ ઓછા જ હોય, એથી ખરેખર તો તક જેવું કંઈ ભાગ્યે જ કહી શકાય. આમેય હવે હું કોઈ કામ માટે દોડાદોડી તો ન જ કરી શકું કેમ કે મેં ક્યારેય આવું કર્યું જ નથી. મને કોઈ ઑફર આવે તો એમાંથી પસંદગી કરી શકું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK