માન્યતા છે મારા ધમાકેદાર પુનરાગમન પાછળનું કારણ

Published: 3rd December, 2012 06:24 IST

સંજય દત્ત પોતાના જીવનથી બહુ સંતુષ્ટ છે. હાલમાં તેની બે ફિલ્મો ‘અગ્નિપથ’ અને ‘સન ઑફ સરદાર’ને સારી સફળતા મળી છે અને આ સફળતાનો સંતોષ તેના ચહેરા પર તરવરતો દેખાય છે. અંગત જીવનમાં પણ તે સંતાનોના ઉછેરને માણી રહ્યો છે. પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનની આ તમામ સફળતાનો યશ સંજય પોતાની પત્ની માન્યતાને આપે છે.
સંજયના પ્રોડક્શન-હાઉસની કામગીરી પર માન્યતા નજર રાખે છે. આ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં સંજય કહે છે, ‘મારી ફિલ્મોને સફળતા મળે તો મને બહુ ખુશી થાય એ સ્વાભાવિક છે. મારા જીવનમાં જે ખુશી છે એનું સંપૂર્ણ શ્રેય હું માન્યતાને આપું છું. મારા પ્રોડક્શન-હાઉસની બધી જવાબદારી માન્યતા જ સંભાળી રહી છે. અમે શરૂઆતમાં એકસાથે ત્રણથી ચાર ફિલ્મો પર કામ શરૂ કરવાનાં છીએ. ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે હું નહીં પણ માન્યતા જ રહેશે, કારણ કે મને ખબર છે હું પ્રોડ્યુસર તરીકે સાવ નકામો છું. હું પ્રેમને કારણે લોકોને કાંઈ કહી નથી શકતો અને મારી આ દરિયાદિલીને કારણે જ લોકો મને પ્રેમ કરે છે. જોકે આને કારણે જ પ્રોડ્યુસર તરીકે હું ક્યારેય કડક રીતે કામ ન કરી શકું. માન્યતા આ બધાને બહુ સારી રીતે કન્ટ્રોલ કરી શકે છે.’

પોતાનાં સંતાનો વિશે વાત કરતાં સંજય કહે છે, ‘હું કામમાં બહુ વ્યસ્ત રહું છું. મને સમય મળે તો હું મારાં સંતાનો શાહરાન અને ઇકરા સાથે રમવાનું વધુ પસંદ કરું છું. મારા જીવનમાં આ ખુશી પણ માન્યતાને કારણે જ આવી છે. માન્યતા મારા જીવનનો ખાસ હિસ્સો છે. એક તબક્કે હતાશ થઈને મેં કરીઅરમાં ધ્યાન આપવાનું સાવ ઓછું કરી નાખ્યું હતું, પણ માન્યતાને કારણે હું સફળ પુનરાગમન કરી શક્યો છું. સંતાનોને મોટાં થતાં જોવાં એ પણ એ લહાવો છે. મારી મોટી દીકરી ત્રિશલા જ્યારે નાની હતી ત્યારે હું તેની સાથે આ બધી ક્ષણો નહોતો માણી શક્યો. કાશ, હું એ સમય તેની સાથે પણ માણી શક્યો હોત.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK