Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુડ ન્યુઝ પહેલાં કેવું રહ્યું બૉલીવુડનું વર્ષ?

ગુડ ન્યુઝ પહેલાં કેવું રહ્યું બૉલીવુડનું વર્ષ?

31 December, 2019 10:17 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ગુડ ન્યુઝ પહેલાં કેવું રહ્યું બૉલીવુડનું વર્ષ?

કબીર સિંહ

કબીર સિંહ


૨૦૧૯નો અંત અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિયારા અડવાણીની ‘ગુડ ન્યુઝ’ દ્વારા થયો છે, પરંતુ આ વર્ષની શરૂઆત એટલી સારી નહોતી રહી. આ વર્ષમાં ઘણી કન્ટ્રોવર્સી થઈ હતી અને કેટલીક દુખદ ઘટનાઓ સાથે કેટલીક ચોંકાવનારી ઘટના પણ બની હતી. કેટલીક ફિલ્મોને લઈને, કેટલીક ફિલ્મોને કારણે, કેટલીક પૉલિટિકલ કારણસર તો કેટલીક બૉલીવુડની પાર્ટીને કારણે થઈ હતી. છેલ્લાં ઘણાં વર્ષથી કંગના રનોટ સતત કન્ટ્રોવર્સી કરતી રહી છે અને આ વર્ષે પણ તે એમાંથી બાકાત નથી. વર્ષ જ્યારે પૂરું થવા આવ્યું છે ત્યારે આપણે કેટલીક સિલેક્ટિવ કન્ટ્રોવર્સી પર એક નજર કરીએ...

anu-malik



#MeToo


#MeTooની શરૂઆત ૨૦૧૮માં તનુશ્રી દત્તાએ કરી હતી, પરંતુ ૨૦૧૯માં આ કૅમ્પેન વધુ ચર્ચામાં રહ્યું છે. આ કૅમ્પેનનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે હવે તમામ પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ ઇન-હાઉસ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ સેલ બનાવી રહ્યાં છે. તેઓ મહિલાઓની સેફ્ટી પર હવે વધુ ધ્યાન આપી રહ્યાં છે. સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટમાં સૌથી મોટું નામ અનુ મલિકનું હતું. તેમના પર ઘણી મહિલાઓએ આરોપ મૂક્યો હતો. જોકે તેમના પર સોની ચૅનલ પણ કોઈ કાર્યવાહી નહોતી કરી રહી. જેમનાં પણ નામ આવ્યાં હતાં તેમને તેમના કરન્ટ પ્રોજેક્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સોના મોહપાત્રના કહેવા મુજબ પૉલિટિકલ પ્રેશરને કારણે સોની ચૅનલે પણ નમવું પડ્યું હતું અને અનુ મલિકને શોમાંથી કાઢવા પડ્યા હતા. આ કૅમ્પેનમાં કોઈ પ્રૂફ ન હોવાથી જેમનાં નામ આવ્યાં હતાં તેમને કાયદાકીય સજા તો નથી મળી, પરંતુ તેમની સાથે કામ કરવા માટે હવે દરેક ચૅનલ, પ્રોડક્શન-હાઉસ અને ઍક્ટર ૧૦૦ વાર વિચાર જરૂર કરશે.

kangana


કંગના રનોટ

કંગનાએ વર્ષની શરૂઆત જ કન્ટ્રોવર્સીથી કરી હતી. તેની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેને ડિરેક્ટર તરીકેની ક્રેડિટ આપવામાં આવી છે. જોકે આ ક્રેડિટને લઈને ડિરેક્ટર ક્રિશ સાથે કન્ટ્રોવર્સી થઈ હતી. આ ફિલ્મનાં મોટા ભાગનાં દૃશ્યો ક્રિશે ડિરેક્ટ કર્યાં હતાં. જોકે કંગનાને અને પ્રોડક્શન-હાઉસને દૃશ્યો પસંદ ન આવતાં તેમણે ફિલ્મને રી-શૂટ કરી હતી. ક્રિશે કહ્યું હતું કે મોટા ભાગનાં દૃશ્યો તેણે ડિરેક્ટ કર્યાં હતાં એ જ છે. આ સાથે જ તેનું ફિલ્મમાં નામ ક્રિશ તરીકે આવે છે, પરંતુ કંગનાએ તેનું ઓરિજિનલ નામ રાધાક્રિષ્ણ જગર્લમુડી આપ્યું હતું. જોકે આ ફિલ્મ સાથે વધુ એક કન્ટ્રોવર્સી પણ થઈ હતી. આ ફિલ્મમાં રણદીપ હૂડા પણ કામ કરી રહ્યો હતો. જોકે કંગના ડિરેક્ટરપદે આવતાં તેણે ફિલ્મ છોડી દીધી હતી. કંગનાનું કહેવું છે કે રણદીપ ફીમેલ ડિરેક્ટરના હાથ નીચે કામ કરવા માગતો ન હોવાથી તેણે ફિલ્મ છોડી દીધી હતી. જોકે રણદીપ કહે છે કે તેને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી હતી ત્યારે જે પાત્ર હતું એ શૂટિંગ દરમ્યાન ન હોવાથી તેણે ફિલ્મ છોડી દીધી છે. આડકતરી રીતે રણદીપે કહ્યું હતું કે કંગના ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે ચેડાં કરી રહી હતી અને દરેકનો સ્ક્રીન-ટાઇમ કાપીને પોતાને આપી રહી હતી.

કંગનાનું નામ હોય અને આટલી જ કન્ટ્રોવર્સી હોય એવું શક્ય નથી. કંગનાએ ત્યાર બાદ તાપસી પન્નુને ટાર્ગેટ કરી હતી. કંગનાને બૉલીવુડની દરેક વ્યક્તિ સાથે પ્રૉબ્લેમ હોય એવું લાગે છે. જોકે તે હવે નવી યુક્તિ અજમાવી રહી છે. કંગનાની જગ્યાએ હવે તેની બહેન રંગોલી કમેન્ટ કરે છે. તેણે જ તાપસીને કંગનાની સસ્તી કૉપી પણ કહી હતી.

‘જજમેન્ટલ હૈ ક્યા’ના પ્રમોશન દરમ્યાન કંગનાએ એક જર્નલિસ્ટ સાથે પંગો લઈ લીધો હતો. આ કન્ટ્રોવર્સીને કારણે તેને મીડિયામાં બૅન પણ કરવામાં આવી હતી અને તેની ફિલ્મ પર ખૂબ ગંદી અસર પડી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી.

tahira

તાહિરા કશ્યપનું બ્રેસ્ટ કૅન્સર

ચાર ફેબ્રુઆરીને વર્લ્ડ કૅન્સર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવી છે. આ દિવસે તાહિરાએ તેનો ટૉપલેસ ફોટો શૅર કરીને કૅન્સર માટેની તેની સર્જરીનાં નિશાન દેખાડ્યાં હતાં. આ ફોટો શૅર કરીને આ નિશાનને તેણે ‘બૅજ ઑફ ઓનર’ કહ્યું હતું. કૅન્સર વિશે ચર્ચા કરવા અને એ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે તેણે તેના કૅન્સર વિશેની તમામ વાતો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તેણે કીમો થેરપી દરમ્યાનનો ફોટો શૅર કરીને એને હળવાશથી લેવાનું લોકોને કહ્યું હતું.

ઇલેક્શન પ્રૉપગૅન્ડા

વર્ષની શરૂઆતમાં અનુપમ ખેરની ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવી હતી. ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહની આ બાયોપિક હતી. ફિલ્મને તેમની વિરુદ્ધ નહીં, પરંતુ ક્રૉન્ગ્રેસવિરોધી કહેવામાં આવી રહી હતી. આ ફિલ્મ બાદ નરેન્દ્ર મોદીના જીવન પર વેબ-શો બનાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમની બાયોપિક પણ બનાવવામાં આવી હતી. આ બાયોપિકમાં વિવેક ઑબેરૉયે કામ કર્યું હતું જે પાંચ એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે તેને ત્યાર બાદ ૧૨ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઇલેક્શન કમિશન દ્વારા એની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી અને એને લોકસભાના રિઝલ્ટ બાદ રિલીઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ તમામ કારણસર તમામ ફિલ્મો અને વેબ-શોને ઇલેક્શન પ્રૉપગૅન્ડા કહીને ક્રૉન્ગ્રેસે ખૂબ ચગાવ્યું હતું.

અક્ષયકુમારનું નાગરિકત્વ

અક્ષયકુમાર દેશભક્તિની ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે દેશ માટે ઘણાં સારાં કામ કરી રહ્યો છે અને સોશ્યલ ઇશ્યુ પર ફિલ્મો પણ બનાવી રહ્યો છે. તે આર્મી માટે ‘ભારત કે વીર’ પૉર્ટલ લઈને આવ્યો હતો જેથી શહીદ થયેલા જવાનોના પરિવારને પૈસા મળી રહે. જોકે આ તમામ કામને નેવે મૂકીને સોશ્યલ મીડિયા પર સતત તેના નાગરિકત્વને લઈને સવાલ કરવામાં આવે છે. અક્ષયકુમાર કહે છે કે દરેક વ્યક્તિએ વોટ કરવો જોઈએ, પરંતુ તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ હોવાથી તે ઇન્ડિયામાં વોટ નથી કરી શકતો. આથી સોશ્યલ મીડિયા પર તેને હંમેશાં ટાર્ગેટ કરવામાં આવે છે. જોકે હાલમાં દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં અક્ષયકુમારે કહ્યું હતું કે આ ખૂબ દુઃખની વાત છે કે હું દેશભક્ત છું એ માટે મારે પાસપોર્ટ બતાવવો જરૂરી છે. તેણે ઇન્ડિયન પાસપોર્ટ માટે અપ્લાય પણ કરી દીધી છે.

કબીર સિંહ

શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ જૂનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં તેમ જ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. જોકે ક્રિટિક્સ દ્વારા એને વખોડી કાઢવામાં આવી હતી. આ ફિલ્મમાં સ્ત્રીને દબાવીને રાખવામાં આવી છે તેમ જ પુરુષ સ્ત્રી સાથે જે હિંસા કરે છે એને ગ્લૉરિફાય કરવામાં આવી છે એમ કહીને એને વખોડી કાઢી હતી. જોકે દર્શકોએ ફિલ્મ જોઈને તેમનો રિસ્પૉન્સ આપી દીધો હતો.

ધર્મની આડે આવતું હોવાથી ફિલ્મમાંથી વિદાય

ઝાયરા વસીમે ફિલ્મમાં કામ નહીં કરવાનું જાહેર કરતાં તે ચર્ચાનો વિષય બની હતી. આમિર ખાન સાથે ‘દંગલ’માં કામ કર્યા બાદ તેણે છેલ્લે પ્રિયંકા ચોપડા જોનસની ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં કામ કર્યું હતું. આ ફિલ્મની રિલીઝ પહેલાં જ કાશ્મીરની ઝાયરાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તે હવે ફિલ્મોમાં કામ નહીં કરે. તેનો ધર્મ અને તેની માન્યતાને આડે આવતી હોવાથી તે હવે ફિલ્મોમાં કામ કરવા નથી ઇચ્છતી. આ પહેલાં પણ તે ડિપ્રેશનમાં હતી એવું તેણે સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું હતું.

ડ્રગ્સ પાર્ટી?

કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. આ પાર્ટીમાં વિકી કૌશલ, રણબીર કપૂર, શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી. આ પાર્ટીનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં તેઓ ડ્રગ્સ લઈ રહ્યાં છે એવી ચર્ચા ચાલુ થઈ હતી. કેટલાકે આ પાર્ટીનો પૉલિટિકલ ફાયદો ઉઠાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

ઇન્શાઅલ્લાહ

સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વર્ષો બાદ ફરી સાથે કામ કરવાના હતા. આ ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ હતી, જેનું નામ ‘ઇન્શાઅલ્લાહ’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટને પસંદ કરવામાં આવી હતી. જોકે ફિલ્મને હવે પડતી મૂકવામાં આવી છે. ‘બાજીરાવ મસ્તાની’, ‘ગુઝારીશ’ અને ‘ઇન્શાઅલ્લાહ’ આ તમામ ફિલ્મોમાં સલમાન પહેલી પસંદગી હતો. સલમાને ફિલ્મની સ્ટોરીલાઇનમાં સંજય લીલા ભણસાલીને બદલાવ કરવાનું કહ્યું હોવાની ચર્ચા હતી. જોકે સંજય લીલા ભણસાલી એ ન કરવા માગતા હોવાથી ફિલ્મ જ પડતી મૂકવામાં આવી છે.

saand-ki-aankh

ઉંમરલાયક પાત્રો

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની ‘સાંડ કી આંખ’ એક વિચિત્ર કારણને લઈને કન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી અને એ છે ઉંમર. આ ફિલ્મમાં બન્નેએ વૃદ્ધ સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું. આ કારણસર નીના ગુપ્તાએ કહ્યું હતું કે બૉલીવુડની હિરોઇન અને ફિલ્મમેકર્સે વૃદ્ધનાં પાત્રો તેમને માટે છોડી દેવાં જોઈએ. જોકે આ કન્ટ્રોવર્સીને લઈને લોકો બે પાર્ટમાં વહેંચાઈ ગયા હતા. અન્ય ગ્રુપનું કહેવું છે કે જ્યારે ૫૦ વર્ષનો હીરો ૨૦ વર્ષની હિરોઇન સાથે રોમૅન્સ કરે છે તો ૩૦ વર્ષની હિરોઇન ૬૦ વર્ષનું પાત્ર કેમ ન ભજવી શકે.

સેલ્ફી વિથ પ્રાઇમ મિનિસ્ટર

નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી બર્થ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે બૉલીવુડની હસ્તીઓને દિલ્હીમાં આમંત્રણ આપ્યું હતું. બૉલીવુડની ફિલ્મોમાં ગાંધીજીના મેસેજને કેવી રીતે ફેલાવી સોસાયટીને જાગરૂક કરી શકાય એ માટે તેમણે આ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં દરેક સેલિબ્રિટીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. આ ઇવેન્ટ બાદ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી. જોકે તેમના દરેક વ્યક્તિના મોબાઇલ લઈ લેવામાં આવ્યા હતા એ વિશે ઘણી સેલિબ્રિટીએ સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સિટિઝનશિપ કાયદાનો વિરોધ

સરકારે બનાવેલા નવા નિયમ સિટિઝનશિપ કાયદાનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં બૉલીવુડની કેટલીક નાની-મોટી સેલિબ્રિટીઝ પણ જોડાઈ છે. જોકે એ લિસ્ટ ઍક્ટર્સ આ વિરોધમાં હિંસા ન કરવા માટે લોકોને વિનંતી કરી રહ્યા છે. કંગના રનોટ ડંકે કી ચોટ પર મોદી સરકારને સપોર્ટ કરી રહી છે, તો ફરહાન અખ્તર જેવા ઍક્ટર તેમનો વિરોધ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 10:17 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK