વેબ-ફિલ્મ રિવ્યુ : ઘોસ્ટ સ્ટોરીઝ - ડર વિનાની હૉરર ફિલ્મ

Updated: Jan 22, 2020, 13:37 IST | Harsh Desai | Mumbai Desk

વેબ-ફિલ્મ રિવ્યુ : ઘોસ્ટ સ્ટોરીઝ : ઝોયા અખ્તર અને અનુરાગ કશ્યપ બન્ને હૉરર સ્ટોરી પરથી સાઇડલાઇન થઈ ગયાં છે : કરણ જોહરે તો હૉરર ફિલ્મ બનાવી છે કે શું એ માટે એક રિસર્ચ-ટીમ બનાવવી પડશે : ચારેય સ્ટોરીમાં દિબાકર બૅનરજીની સ્ટોરી અદ્ભુત છે

ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, દિબાકર બૅનરજી અને કરણ જોહર ફરી એક વાર સાથે મળીને એન્થોલૉજી એટલે કે ચાર શૉર્ટ સ્ટોરી મળીને એક ફિલ્મ લઈને આવ્યાં છે. તેમણે સૌથી પહેલાં ૨૦૧૩માં આવેલી ‘બૉમ્બે ટૉકીઝ’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે લસ્ટ સ્ટોરીઝ પણ બનાવી હતી. નેટફ્લિક્સ માટે જ તેમણે ઘોસ્ટ સ્ટોરીઝ પણ બનાવી છે જેને પહેલી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમણે પહેલી વાર હૉરર સ્ટોરી પર કામ કર્યું છે, પરંતુ તેઓ એમાં નિષ્ફળ રહ્યા છે. બૉલીવુડ હૉરર ફિલ્મોમાં એકદમ પાછળ છે. જોકે તેઓ ક્યારેય હૉરર ફિલ્મ બનાવવાનું છોડશે કે નહીં એ પણ એક સવાલ છે.

ઝોયા અખ્તર
ઝોયા અખ્તરની સ્ટોરીમાં વૃદ્ધ મહિલા સુરેખા સિક્રીની સેવાચાકરી માટે સમીરા એટલે કે જાહ્‍ન્વી કપૂરને કામ સોંપવામાં આવે છે. આ સ્ટોરીની શરૂઆત સમીરાથી થાય છે જેની પાછળ ખુલ્લા આકાશમાં ઘણા કાગડા ફરતા હોય છે અને ગ્રાઉન્ડ પર પણ એક કાગડો મૃત હાલતમાં પડ્યો છે. આ દૃશ્ય ખૂબ જ સારી રીતે ફિલ્માવવામાં આવ્યું છે, પરંતુ ત્યાર બાદ સ્ટોરી આગળ જતાં એ હૉરરમાંથી ફૅમિલી ડ્રામા બની જાય છે. ઝોયાએ સમીરા અને વૃદ્ધ મહિલા મિસિસ મલિક વચ્ચે ઘણું સામ્ય દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. સમીરા અનાથ હોય છે અને મિસિસ મલિકને તેનો દીકરો છોડીને જતો રહ્યો છે. બન્નેને ફૅમિલી દ્વારા ત્યજી દેવામાં આવ્યાં છે. મિસિસ મલિક તેના દીકરા અરમાનની રાહ જુએ છે અને સમીરા તેના મૅરિડ બૉયફ્રેન્ડ ગુડ્ડુ એટલે કે વિજય વર્મા સાથે હૂડ-અપ માટે રાહ જોતી હોય છે. આ બન્ને સ્ટોરીને પૅરૅરલ ચલાવવી એમાં ફૅમિલી ડ્રામા વધી ગયો હોવાથી હૉરર સ્ટોરી જેવો કોઈ ડર નથી લાગતો. ઝોયાએ જૂનીપુરાણી દરવાજો ખોલતાં અવાજ આવવો તેમ જ કૅમેરાવર્કથી ડરાવવાની કોશિશ કરી છે, પરંતુ તે એમાં નિષ્ફળ રહી છે. સુરકા સિક્રીને જોઈને થોડો ડર લાગી શકે, પરંતુ જાહ્‍ન્વીના એક્સપ્રેશન પરથી તે ડરી રહી હોય એવું પણ નથી લાગતું. ફિલ્મના પાત્રને જ્યારે ડર લાગી રહ્યો હોય ત્યારે એ ક્લિયર ન દેખાતું હોય ત્યારે દર્શકોને તો કેવી રીતે લાગી શકે?
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપની હૉરર સ્ટોરીમાં યંગ પ્રેગ્નન્ટ મધર વિશે વાત કરવામાં આવી છે. નેહાનું પાત્ર શોભિતા ધુલિપલાએ ભજવ્યું છે જે તેની બહેનના દીકરા (ઝકેરી બ્રાઝ)ને સવારે બેબીસીટ કરતી હોય છે. નેહાના ઘરમાં એક નાનકડી રૂમ પણ હોય છે જેમાં તે કાગડાના બચ્ચાની સંભાળ લેતી હોય છે અને બીજી તરફ તે પોતાના દીકરાને પણ સાચવતી જોવા મળે છે. આ સ્ટોરીમાં નેહા વારંવાર કાગડાના બચ્ચાની સંભાળ લેતી જોવા મળી રહી છે. આ દૃશ્ય દ્વારા અનુરાગ એ બતાવવાની કોશિશ કરી રહ્યો છે કે નેહાનું ઘર એક માળો છે અને નેહા પોતે ક્રો છે જે પોતાના બચ્ચાને સંભાળીને રાખે છે. આ સાથે જ તેના બાળપણનું એક દૃશ્ય પણ દેખાડવામાં આવે છે જેમાં તેની મમ્મી તેને કહે છે કે તેં કાગડાના ઈંડાને પકડી લીધું, હવે તેઓ એને જન્મ નહીં આપે. તું એક સારી મમ્મી બની શકશે કે નહીં એવો તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ સવાલના આધારે અનુરાગે આખી સ્ટોરી ઘડી કાઢી છે, જે સંપૂર્ણપણે દર્શકોને કનેક્ટ નથી કરી શકતી તેમ જ હૉરર જેવું એમાં કશું છે પણ નહીં. જોકે શોભિતાએ ખૂબ જ અદ્ભુત ઍક્ટિંગ કરી છે.
દિબાકર બૅનરજી
આ ચાર સ્ટોરીઝમાં દિબાકરની સ્ટોરી સૌથી સારી છે. તેણે આ સ્ટોરીમાં કેનિબલ્સ એટલે કે એક મનુષ્યને ખાનાર બીજા મનુષ્યની વાત કરી છે. જોકે રિયલિટીમાં તેણે આ સ્ટોરી દ્વારા સોસાયટી પર સીધો પ્રહાર પણ કર્યો છે. આ સ્ટોરી એક નાના ગામડાની છે જેમાં એક વ્યક્તિ એટલે કે સુકાંત ગોયલ મુલાકાતે જાય છે. તે ગામડામાં નાના બાળક આદિત્ય શેટ્ટીને અને નાની છોકરી ઇવા અમિત પરદેશીને મળે છે. આ નાનો છોકરો મુલાકાતીને કહે છે કે ગામડામાં કોઈ જીવિત નથી રહ્યું, કારણ કે મોટા ગામડાના લોકો નાના ગામડાના લોકોને ખાઈ ગયા છે. આ સ્ટોરીની જાન આદિત્ય શેટ્ટી છે અને તેની ઍક્ટિંગ પણ દાદુ છે. આ સ્ટોરી પરથી દિબાકરે એ વાત કહેવાની કોશિશ કરી હોય એવું લાગી રહ્યું છે કે ઊંચો હોદ્દો ધરાવતા લોકો હંમેશાં તેમની નીચેની વ્યક્તિનું શોષણ કરે છે. આ સ્ટોરીમાં
એક ડાયલૉગ છે કે તમે હલ્યા તો
તમારું મૃત્યુ થશે. તમે બોલ્યા તો તમારું મૃત્યુ થશે તેમ જ જો તમે તેમની જેમ અન્ય વ્યક્તિને ખાશો તો તેઓ તમારું ખુન નહીં કરે. આ ડાયલૉગ સીધો આપણી સોસાયટી પર હોય એવું લાગે છે તેમ જ આ સ્ટોરીમાં ઝોમ્બી દેખાડવામાં આવ્યા છે અને એ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. બાકીની સ્ટોરી કરતાં આ સ્ટોરી દર્શકો સાથે કનેક્ટ પણ થાય છે અને એ ડરાવવાની સાથે એના મેસેજ પર ધ્યાન આપીએ તો એ વધુ હૉરર લાગશે.
કરણ જોહર
કરણ જોહરે પહેલી વાર હૉરર ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં તે જબરદસ્ત રીતે નિષ્ફળ રહ્યો છે. 
હૉરર સ્ટોરીમાં તેણે મૅરેજ-ડ્રામાનો સમાવેશ કર્યો છે અને એ તેનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે. આ સ્ટોરીમાં એક પણ દૃશ્ય એવું નથી કે આપણને ડર લાગે તેમ જ મૃણાલ ઠાકુર જે રીતે આ સ્ટોરીમાં ફ્રસ્ટ્રેટ થઈ રહી છે એ જ રીતે દર્શકો પણ થાય તો નવાઈ નહીં. દરવાજા ખોલવાનો અવાજ અને અજવાળું હોવા છતાં બૅટરી પકડીને ઘરકામ કરતી શાંતિ દ્વારા ડરાવવાનો પ્રયાસ કરવો આશ્ચર્યજનક વાત છે. કરણ જોહર જેવો ફિલ્મમેકર એક નવોદિત ફિલ્મમેકર કરતાં પણ ખરાબ સ્ટોરી લઈને આવે એ ખૂબ જ શૉકિંગ છે. મૃણાલ ઠાકુર સારી ઍક્ટ્રેસ હોવા છતાં તેની પાસે આ સ્ટોરીમાં કામ કરવા જેવું કંઈ જ નથી.
નોંધ : આ ફિલ્મને બે સ્ટાર કહીને ઍવરેજ ગણાવવામાં આવી એમાંથી દોઢ સ્ટાર ફક્ત અને ફક્ત દિબાકર બૅનરજીની સ્ટોરીને કારણે, બાકીના ત્રણ ડિરેક્ટર્સની સ્ટોરી મળીને ફક્ત અડધો સ્ટાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK