એજ્યુકેશન નહીં, પરંતુ કોટાની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ હોવાથી આ વેબ-શો બનાવ્યો છે : જિતેન્દ્ર કુમાર

Updated: Jan 23, 2020, 16:46 IST | હર્ષ દેસાઈ

કોટા ફૅક્ટરીના મોનોલૉગ વિશેની સ્ટોરી અને એન્જિનિયર્સ કેમ ઍક્ટર્સ બની રહ્યા છે જેવી વગેરે વાતો વિશે વિગતે ચર્ચા કરીએ

જિતેન્દ્ર કુમાર
જિતેન્દ્ર કુમાર

વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ટીવીએફ પર હાલમાં જ રિલીઝ થેયેલા શો ‘કોટા ફૅક્ટરી’માં કોચિંગ ક્લાસિસમાં સ્ટ઼ુડન્ટ્સની લાઇફ કેવી હોય છે એ દેખાડવામાં આવ્યું છે. આ શોમાં મયૂર મોરે સ્ટુડન્ટના લીડ રોલમાં છે. જિતેન્દ્ર કુમાર આ શોમાં ટીચર જિતુ ભૈયાના રોલમાં છે જેને કોઈ સર કહીને બોલાવે એ પસંદ નથી હોતું. સ્ટુડન્ટ્સને કોઈ પણ સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો એ જિતુ ભૈયા પાસે તેમને મળી રહે છે. ગર્લફ્રેન્ડ સાથે પ્રૉબ્લેમ હોય, એજ્યુકેશનને લગતો પ્રૉબ્લેમ હોય કે પછી ભોજનને લઈને કોઈ ઇશ્યુ હોય. તેની પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન મળી રહે છે. શોની ફીમેલ લીડમાં એહસાસ ચન્નાએ શિવાંગીનું પાત્ર ભજવ્યું છે. ‘કભી અલવિદા ના કહના’માં ચાઇલ્ડ ઍક્ટર તરીકે એહસાસ ખૂબ જ જાણીતી બની હતી. ત્યાર બાદ તેણે ‘ફૂંક’માં પણ કામ કર્યું હતું. જિતેન્દ્ર પણ તેના વેબ-શો અને વિડિયોઝને લઈને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ખૂબ જ જાણીતો છે. ‘કોટા ફૅક્ટરી’ની ટીમે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :

જિતેન્દ્ર સાથે કરેલી વાતચીત

આ શોનું નામ ‘કોટા ફૅક્ટરી’ રાખવાનું કેમ નક્કી કર્યું?

આ શોનું નામ શું રાખવું એના પર ચર્ચા ચાલી રહી હતી. ૧૯૮૯માં કોટા ઇન્ડસ્ટ્રિયલ એરિયા હતો. આ ઇન્ડસ્ટ્રિયલ એરિયા બંધ થતાં ઘણા લોકો બેરોજગાર થઈ ગયા હતા. ત્યારે બંસલ સરે કોચિંગ ક્લાસની શરૂઆત કરી હતી. આ સાથે જ ઘણા લોકોને ફરી એમ્પ્લૉયમેન્ટ મળવાનું શરૂ થવા લાગ્યું હતું. આ સાથે એક નવી મુસાફરીની શરૂઆત થઈ હતી અને એથી જ અમે એનું નામ ‘કોટા ફૅક્ટરી’ રાખનું નક્કી કર્યું હતું. કોઈ નેગેટિવ રીતે નહીં, પરંતુ એક ફૅક્ટરી બંધ થઈ તો ટી‌ચ‌િંગની ફૅક્ટરી શરૂ થઈ એ ઉદ્દેશથી જ અમે એ નામ રાખ્યું હતું.

કોચિંગ જેવા વિષય પર વેબ-શો બનાવવાનો આઇડિયા કેવી રીતે આવ્યો?

અમારામાંથી ઘણા લોકો કોટામાં રહી ચૂક્યા છે. અમને એવું લાગ્યું હતું કે અમે લોકો માટે એક નવી દુનિયા ક્રીએટ કરી શકીએ છીએ જેને મોટા ભાગના લોકોએ નથી જોઈ. હું પોતે પણ કોટામાં રહી ચૂક્યો છું. એજ્યુકેશનનો મુદ્દો ઉઠાવવાનો અમારો ઉદ્દેશ નહોતો, પરંતુ કોટાનો વિષય અમને ખૂબ જ આકર્ષક લાગ્યો હતો.

કોટાનો તારો એક્સ્પીરિયન્સ કેવો રહ્યો હતો?

૧૩-૧૪ વર્ષની ઉંમરે મને કોટામાં મોકલી દેવામાં આવ્યો હતો. મારા માટે કોઈ સપોર્ટ સિસ્ટમ નહોતી. હું મારી ફૅમિલીથી દૂર થઈ ગયો હતો. મારા માટે એક નવી મુસાફરી શરૂ થઈ હતી જ્યાં મારે મારા નવા મિત્રો બનાવાના હતા. મારા માટે દરરોજ એક નવી ચૅલેન્જ હતી. દરરોજ મારે કોઈ નવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ટીચર બદલાઈ જતા, ફ્રેન્ડ્સ બદલાઈ જતા, ડાઉટ્સ સૉલ્વ કરવો વગેરે જેવી ઘણી ચૅલેન્જ રહેતી.

આ શોમાં જેવું પાત્ર ભજવી રહ્યો છે એવા ટીચર તને રિયલ લાઇફમાં મળ્યા છે ખરા?

મને તો એવા કોઈ ટીચર નથી મળ્યા, પરંતુ એવા ટીચર મેં જોયા છે. તેમને લાગે છે કે આ બાળકમાં ટૅલન્ટ છે તો તેઓ તેમને દરેક પ્રકારની મદદ કરતા હોય છે.

કેજરીવાલની તેં મિમિક્રી કરી છે અને આ શોમાં પણ એક ડાયલૉગ દ્વારા કેજરીવાલની હળવી મજાક કરવામાં આવી છે. તો આ વિશે જણાવશે...

અમે આ ડાયલૉગનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ટીમમાંથી ચાલુ શૂટિંગ દરમ્યાન આ સજેશન આપ્યું હતું. હું ડાયલૉગ બોલી રહ્યો હતો કે ‘કલ તો તૂ યે કહ રહા થા કિ યે કર દુંગા, વો કર દુંગા...’ ત્યારે જ કોઈએ કહ્યું કે કેજરીવાલની જેમ અને અમે એનો સમાવેશ કરી દીધો હતો.

‘ટ્રિપ્લિંગ’માં તારા કૅમિયોને કેવો રિસ્પૉન્સ મળ્યો છે?

લોકોન અે ખૂબ જ પસંદ પડ્યો હતો. દર્શકોને ખૂબ જ સરપ્રાઇઝિંગ લાગ્યું હતું કે અમોલ પલાસકર લોકોને ખૂબ જ પસંદ છે. તેની મેમરીઝ હંમેશાં લોકોમાં ફ્રેશ રહે છે અને એના પાત્રમાં લોકોઅે મને જ્યારે જોયો ત્યારે તેમને સરપ્રાઇઝ લાગ્યું હતું.

તેં હાલમાં જ ‘ગોન કેશ’માં કામ કર્યું છે. એ ફિલ્મની ઑફર તને કેવી રીતે મળી હતી?

આ ફિલ્મના ડિરેક્ટર કાસીમ ખાલૌએ એનો સ્ક્રીનપ્લે પણ લખ્યો છે. તેઓ આ પાત્રને લઈને ખૂબ જ ચોક્કસ હતા. તેમને ખબર હતી કે એવું પાત્ર અગાઉ જેણે ભજવ્યું હોય તેને જ તેમણે પસંદ કરવો છે. તેમને ચોક્કસ લુકનો ઍક્ટર પણ જોઈતો હતો અને એ દરમ્યાન તેમણે ‘પિચર્સ’ જોઈ હતી અને એના કારણે તેમણે મને પસંદ કર્યો હતો.

આજે ઘણા એન્જિનિયર ઍક્ટર બની રહ્યા છે?

સાચું કહું તો જ્યારથી ડિજિટલ વર્લ્ડનો ઉદ્ભવ થયો છે ત્યારથી એન્જિયર્સ વધુ આવી રહ્યા છે. આ પાછળ એક કારણ છે કે એન્જિનિયર સૌથી વધુ ઇન્ટરનેટને એક્સપ્લોર કરે છે. તેમ જ મારા જેવા ઘણા લોકોને લાગ્યું હશે કે ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે જેના પર પોતાની ભડાસ કાઢી શકાય છે અને એથી જ ઍક્ટર બનવાની ભડાસ પૂરી થઈ ગઈ.

મયૂર સાથે કરેલી વાતચીત

મયૂર, તને ત્રીજા એપિસોડમાં અચાનક શું થઈ ગયું હતું?

(હસતાં-હસતાં) મેં બધી ભડાસ કાઢી નાખી હતી. આ ફ્રસ્ટ્રેશન મારી રિયલમાં પણ હતું. આ એક મોનોલૉગ છે અને એ માટે મારે ઘણાંબધાં નામ યાદ રાખવાનાં હતાં. આ શબ્દો મેં મારી લાઇફમાં પહેલી વાર સાંભળ્યા હતા. હું દોઢ મહિનામાં IITની એક્ઝામ આપી શકું એ રીતે મેં એને તૈયાર કર્યો હતો.

આ મોનોલૉગ માટે કેટલા ટેક લેવા પડ્યા હતા?

આ માટે ઘણા ટેક લેવા પડ્યા હતા, કારણ કે આ એક પહેલો એવો મોનોલૉગ છે જેને અલગ-અલગ જગ્યાએ લેવામાં આવ્યો છે. ડાયલૉગ ચાલુ રહે છે, પરંતુ લોકેશન બદલાતું રહે છે. ઘણી વાર હું મારા દૃશ્ય સાથે ખુશ નહોતો અને ઘણી વાર ડિરેક્ટર. એથી પણ અમારે ટેક ઘણી વાર લેવા પડ્યા હતા.

આ પાત્રની ઑફર કરવામાં આવી ત્યારે તને પહેલો વિચાર શું આવ્યો હતો?

હું સ્ટુડન્ટ છું. આ મારો પહેલો વિચાર હતો અને મેં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ રીતે મારે આ પાત્ર ભજવવું છે. રિયલ લાઇફમાં સ્કૂલ અને કૉલેજમાં વાંચવું મને પસંદ નથી. આ પાત્ર માટે મારાથી શક્ય એટલી તમામ કોશિશ મેં કરી છે.

આ શો સિવાય બીજું તું શું કરી રહ્યો છે?

મારી અન્ય શો માટે વાત ચાલી રહી છે અને એ સિવાય મેં બે ફિલ્મોમાં કામ કર્યું છે. એક પ્રોડક્શનમાં છે અને એકનું પ્રમોશન શરૂ થશે.

એહસાસ સાથે કરેલી વાતચીત

આ શોને પસંદ કરવાનું કારણ શું છે?

આ શોના પહેલા બે એપિસોડમાં હું ખૂબ જ ઓછી જોવા મળી રહી છું, પરંતુ જે પણ છે એ ખૂબ જ મહત્ત્વનાં દૃશ્ય છે. આવું પાત્ર મેં પહેલાં ક્યારેય નથી ભજવ્યું. આ શોના ઑડિશન માટે મેં જે દૃશ્ય ભજવ્યું હતું એ ચોથા એપિસોડનું હતું અને એ મને ખૂબ જ પસંદ હતું. તેમ આ પાત્ર ખૂબ જ ચલ્ડલ હોય છે અને એથી હું એ તરફ આકર્ષાઈ હતી.

એહસાસ અને શિવાંગીમાં શું સમાનતા છે?

અમારા બે વચ્ચે એટલી ખાસ કોઈ સમાનતા નથી, પરંતુ અમે બન્ને બિન્દાસ અને ચિલ્ડ છીએ. કંઈ પણ થયું હોય અમે મોં પર સામે કહી દઈએ છીએ. હું રિયલ લાઇફમાં ખૂબ જ ક્રેઝી છું, જ્યારે શિવાંગી થોડી શાંત છે.

ફિલ્મોમાં કામ કરવું અને વેબ-શોમાં કરવું એ બે વચ્ચે શું તફાવત લાગે છે?

ઍક્ટરની દૃ‌ષ્ટ‌િએ જોઈએ તો કામમાં કોઈ ફરક નથી. ટાઇમિંગને લઈને થોડુંઘણું પ્રેશર હોય છે વેબ-શોમાં.

જિતેન્દ્ર કુમાર : ઍક્ટર્સની દૃષ્ટ‌િએ કોઈ ફરક નથી હોતો, પરંતુ દર્શકોને ઘણો લાગતો હોય છે. દર્શકો જ્યારે થિયેટરમાં જાય છે ત્યારે એક મૅજિકનો અહેસાસ તેમને થાય છે, જ્યારે વેબ-શોમાં મેકર્સ કોઈ પણ પાત્રને રજૂ કરવા તેમને જોઈતો હોય એટલો સમય લઈ શકે છે. આથી દર્શકોને જોવામાં અલગ અનુભવ મળે છે.

આ પણ વાંચો : વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે હુમા કુરેશી

તું હજી પણ કૉલેજમાં છે તો કામ અને સ્ટડી વચ્ચે કેવી રીતે બૅલૅન્સ રાખે છે?

મને સ્કૂલ અને કૉલેજ દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે. તેમ જ હું એ વસ્તુનું હંમેશાં ધ્યાન રાખું છું કે હું કોઈ પરીક્ષા મિસ ન કરું. હું કોઈ ડેઇલી શો ન કરી રહી હોવાથી મને કોઈ મુશ્કેલી નથી પડી. હું સેટ પર પણ બુક લઈને જતી હતી અને શૉટની વચ્ચે મમ્મી મને ભણાવતી હતી. મારે સ્કૂલ મિસ કરવી પડી હતી, પરંતુ મેં કોઈ વર્ષ નથી બગાડ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK