જાણો કેવી છે ફિલ્મ 'ખાનદાની શફાખાના'

Published: Aug 03, 2019, 12:19 IST | હર્ષ દેસાઈ | મુંબઈ

ખાનદાની શફાખાનામાં સેક્સ વિશે જે વાત કરવી જોઈએ એ નથી કરવામાં આવી અને ફક્ત સોનાક્ષી કેવી રીતે દવાખાના અને ઘરને બચાવે છે એના પર ફોકસ કરવામાં આવ્યું છે

'ખાનદાની શફાખાના'
'ખાનદાની શફાખાના'

સેક્સ. એક એવો વિષય જેવા પર લોકો વાત કરવાનું પણ ટાળે છે. આ વિષયની આસપાસ ફરતી ફિલ્મો ‘વિકી ડોનર’ અને ‘શુભ મંગલ સાવધાન’ને ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી અને એને દર્શકોએ પસંદ પણ કરી હતી. આ જ વિષયની આસપાસ ફરતી સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ ગઈ કાલે રિલીઝ થઈ છે.

સ્ટોરી

કોઈ વ્યક્તિને સેક્સ્યુઅલ બીમારી હોવા છતાં તે એ વિશે લોકો સાથે વાત કરવાનું ટાળે છે. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ‘ખાનદાની શફાખાના’ બનાવવામાં આવી છે. આ ફિલ્મનો નવોદિત ડિરેક્ટર શિલ્પી દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે. સોનાક્ષીએ ફિલ્મમાં પંજાબી છોકરી બેબી બેદીનું પાત્ર ભજવ્યું છે. તેના માથા પર મમ્મી એટેલે કે નાદીરા ઝહીર બબ્બર અને ભાઈ ભૂષિત બેદી એટલે કે વરુણ શર્માની જવાબદારી હોય છે. બેબી બેદી એક મેડિકલ સેલ્સ રેપ્રેઝન્ટેટિવનું પાત્ર ભજવતી હોય છે. બહેનનાં લગ્ન માટે સોનાક્ષીએ તેના ચાચા પાસે મોટી રકમ ઉધાર લીધી હોય છે. આ રકમ ન ચૂકવી શકવાને કારણે ચાચા તેમનું ઘર પચાવી પાડવાની ફિરાકમાં હોય છે. સોનાક્ષી પર ફૅમિલી પ્રેશર હોય છે અને એ જ અરસામાં તેના મામા એટલે કે મામાજીનું પાત્ર ભજવતા કુલભૂષણ ખરબંદાનું મૃત્યુ થાય છે. મામાજી સેક્સ ક્લિનિક ‘ખાનદાની શફાખાના’ ચલાવતા હોય છે, જેમાં તેઓ યુનાની મેડિસિનની મદદથી લોકોનો ઇલાજ કરે છે. સેક્સ વિશે ખુલેઆમ વાત કરવા અને આ દવાખાનું ચલાવવા માટે તેમને સમાજમાંથી બૉયકૉટ કરવામાં આવે છે. તેમના મૃત્યુ બાદ તેઓ વસિયતનામામાં લખી જાય છે કે તેમનું ‘ખાનદાની શફાખાના’ અને તમામ મિલકત બેબી બેદીના નામ પર કરવામાં આવે છે. જોકે સાથે એક શરત મૂકે છે કે બેબીએ તેમના તમામ ગ્રાહકને છ મહિના
સુધી દવા પૂરી પાડવાની રહેશે અને દવાખાનાને સફળતાથી ચલાવવાનું રહેશે. જો તે આ કાર્યમાં નિષ્ફળ રહી તો તમામ મિલકત યુનાની મેડિકલ યુનિવર્સિટીના નામે કરી દેવામાં આવે. તેના ઘરને બચાવવા માટે બેબી આ ચૅલેન્જને સ્વીકારે છે અને ‘ખાનદાની શફાખાના’ને ચલાવવાનું નક્કી કરે છે.

ટ્રૅક સે ઉતર ગઈ

ફિલ્મનું પ્રમોશન એ રીતે કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં સેક્સ ક્લિ‌િન‌કની વાત કરવામાં આવી છે જેમાં સેક્સને લગતી બીમારી ઇરેક્ટાઇલ ડિસફંક્શન, લો-સ્પર્મ કાઉન્ટ, અર્લી ઇજેક્યુલેશન અને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે થતી ઇન્જરીનો ઇલાજ કરવામાં આવે છે. જોકે ફિલ્મમાં સાવ ઊલટું છે. આ વિષયને સબપ્લૉટ બનાવી દવાખાનું કેવી રીતે બચાવવું એ વિશે જ વાત કરવામાં આવી છે. બેબી તેના ઘર અને દવાખાનાને કઈ રીતે બચાવે એ સ્ટોરી બનાવી કાઢવામાં આવી છે. તેમ જ સ્ટોરી ખૂબ જ ધીમી ચાલે છે. ‘વિકી ડોનર’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મો બાદ ‘ખાનદાની શફાખાના’ પાસે આશા વધી ગઈ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એના પર આ ફિલ્મ ખરી નથી ઊતરતી. આ ફિલ્મમાં વધુ સારા પંચ બનાવી શકાયા હોત. તેમ જ એને થોડી મનોરંજક પણ બનાવી શકાઈ હોત. ફિલ્મ એકદમ ફ્લૅટ છે એટલે કે એમાં જરા પણ મનોરંજન નથી. ક્લિનિક બચાવવા માટે સોનાક્ષી ડૉક્ટર ન હોવા છતાં જાતે દવા બનાવી એનું વેચાણ શરૂ કરી દે છે. જોકે એ મેડિકલ એથિક્સ મુજબ એકદમ ખોટું છે. તે એક કૅમ્પેન શરૂ કરે છે ‘બાત તો કરો’, જેથી લોકો સેક્સ વિશે વાત કરવાનું શરૂ કરે. જોકે આ કૅમ્પેનની પણ કોઈ અસર ફિલ્મમાં પણ થતી દેખાડવામાં નથી આવી. ફિલ્મમાં જો એની અસર ન દેખાડવામાં આવી હોય તો સોસાયટી પર એની અસર નહીં પડે. ફિલ્મનો એન્ડ કોર્ટરૂમમાં કરવામાં આવ્યો છે. સોનાક્ષીનો કેસ વકીલ ટાગરા એટલે કે અનુ કપૂર લડે છે. અનુ કપૂરના ‘જૉલી LLB 2’ અને ‘ઐતરાઝ’ના પાત્રની ઝલક આ ફિલ્મમાં પણ જોવા મળશે. આ કોર્ટરૂમમાં એક ડાયલૉગ બોલવામાં આવે છે કે સેક્સ વિશે કોઈ વાત નથી કરતું, પરંતુ આ કોર્ટમાં આજે દરેક વ્યક્તિ એ વિશે વાત કરી રહી છે. જોકે આ ડાયલૉગથી પણ કોઈ ઇમ્પૅક્ટ નથી પડતી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે મામાજી તેમના છેલ્લા શ્વાસ સુધી દવાખાનું ચલાવતા હતા. તેમ જ તેમના મૃત્યુ બાદ મામાજીના તેરમા સુધીનો બેબીને ટાઇમ આપવામાં આવે છે કે તેણે શું કરવું એ નક્કી કરી લે. જોકે આ તેર દિવસમાં દવાખાની હાલત જે રીતે ધૂળવાળી દેખાડવામાં આવે છે એ થોડું આશ્ચર્યજનક છે.

સોનાક્ષીએ નૈયા પાર કરાવી

બેબી બેદીના પાત્રમાં સોનાક્ષીની ઍક્ટિંગ ખૂબ જ જોરદાર છે. ‘લુટેરા’ બાદ આ ફિલ્મમાં તેણે કાબિલેદાદ ઍક્ટિંગ કરી છે. સેક્સ ક્લિનિક ચલાવતી વખતે પણ તેના ચહેરાની માસૂમિયત દર્શકો જોઈ શકે છે. તે હૂબહૂ નાનકડા શહેરા હોંશિયારપુરની છોકરી દેખાઈ છે અને સાથે જ એક નીડર અને ઇન્ડિપેન્ડન્ટ છોકરીના રૂપમાં પણ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરીમાં દમ નથી, પરંતુ ઍક્ટિંગ ખૂબ જ સારી છે. વરુણ શર્મા હંમેશાંની જેમ એક જ સરખા પાત્રમાં જોવા મળ્યો છે. ‘અર્જુન પટિયાલા’ બાદ ‘ખાનદાની શફાખાના’માં પણ તેને કોઈ છોકરી નથી મળતી. દર્શકો હવે તેને એક અલગ રૂપમાં જોવા ઇચ્છે છે. આ ફિલ્મમાં પ્રિયાંશ જોરાએ 

ઍક્ટિંગ ક્ષેત્રે એન્ટ્રી કરી છે. તેણે સોનાક્ષીના પ્રેમી લેમન બૉયનું પાત્ર ભજવ્યું છે. તેની ઍક્ટિંગ પણ સારી છે, પરંતુ સોનાક્ષી સાથેની તેની જોડી જરા પણ જામતી નથી. આ ફિલ્મમાં સિંગર-રૅપર બાદશાહે પણ ઍક્ટિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તેણે ‘ગબરુ ઘટાક’નું પાત્ર ભજવ્યું છે અને તે મામાજીનો હાઈ-પ્રોફાઇલ ક્લાયન્ટ હોય છે. બાદશાહે ફિલ્મમાં પણ રૅપરનું પાત્ર ભજવ્યું છે એથી તેને વધુ મુશ્કેલી પડી હોય એવું લાગતું નથી. જોકે તેણે રૅપરના સ્વૅગની સાથે કોર્ટમાં એક ઇમોશનલ દૃશ્યને પણ ખૂબ જ બખૂબી ભજવ્યું છે.

મ્યુઝિક

‘ખાનાદાની શફાખાના’ના ગીત ‘કોકા’, ‘શહર કી લડકી’ અને ‘સાંસ તો લે લે’ પહેલેથી જ હિટ રહ્યાં છે. ફિલ્મમાં પણ એ સાંભળવાની મજા આવશે. જોકે ફિલ્મ ધીમી ગ‌િત‌ના સમાચાર હોવાથી ગીતને પણ એન્જૉય કરવું થોડું મુશ્કેલ લાગે છે.

આ પણ વાંચો : મારા પિતાની બાયોપિક મારો ડ્રીમ પ્રોજેક્ટ છે : ભૂષણ કુમાર

આખરી સલામ

સોનાક્ષીના ફૅન હો અથવા તો કોઈએ ટિ‌કિટ ગિફ્ટ કરી હોય તો ફિલ્મને થિયેટરમાં જઈને જોઈ શકો છો નહીંતર બહુ જલદી ‘ઍમેઝૉન પ્રાઇમ વિડિયો’ પર એને રજૂ કરવામાં આવશે. રાહ જોવામાં વધુ ચતુરાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK