Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > બદલા રિવ્યુ: જાણો કેવી છે અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ફિલ્મ

બદલા રિવ્યુ: જાણો કેવી છે અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ફિલ્મ

09 March, 2019 10:57 AM IST |
હર્ષ દેસાઈ

બદલા રિવ્યુ: જાણો કેવી છે અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ફિલ્મ

ફિલ્મ બદલાઃ રિવ્યુ

ફિલ્મ બદલાઃ રિવ્યુ


બૉલીવુડની ફિલ્મોમાં બદલો લેવો એટલે મારધાડ અને લોહીની રેલ કાઢવી એ જ હોય છે. જોકે શાહરુખ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી સુજૉય ઘોષની ‘બદલા’માં રિવેન્જને ખૂબ જ અદ્ભુત રીતે દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં છે. તેમણે અગાઉ ‘પિંક’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ તાપસી ક્લાયન્ટ અને અમિતાભ બચ્ચન વકીલના પાત્રમાં છે. જોકે ‘પિંક’ કરતાં આ સ્ટોરી એકદમ અલગ છે. સુજૉય ઘોષ દ્વારા આ ફિલ્મને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનો ડાયલૉગ છે કે ‘બદલા લેના હર બાર સહી નહીં હોતા, લેકિન માફ કર દેના ભી હર બાર સહી નહીં હોતા.’ કોણ માફ કરે છે અને કોણ બદલો લે છે એની આ એક રહસ્યમય સ્ટોરી છે.

ઓરિજિનલ ફિલ્મ



૨૦૧૭ના જાન્યુઆરીમાં સ્પેનમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કૉન્ટ્રેટિએમ્પો’ એટલે કે ‘ધ ઇન્વિઝિબલ ગેસ્ટ’ની આ ઑફિશ્યલ હિન્દી રીમેક છે. ઓરિજિનલ ફિલ્મની રીમેક અથવા તો એને અડૅપ્ટ કેવી રીતે કરવી એનું ક્લાસિક ઉદાહરણ છે ‘બદલા’. ‘ધડક’ હોય કે પછી ‘ટેમ્પર’ની રીમેક ‘સિમ્બા’, તેઓ નામના બહાને બૉક્સ-ઑફિસ પર વકરો કરી લેતા હોય છે. જોકે ઓરિજિનલ ફિલ્મોની કહાણી અને સુંદરતા રીમેકમાં જોવા નથી મળતી. ‘બદલા’માં તમને ઓરિજિનલ ફિલ્મની સુંદરતા, થ્રિલ બધું જ જોવા મળશે. હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મમાં પણ થોડાઘણા બદલાવ કરવામાં આવ્યા છે. ઓરિજિનલ ફિલ્મમાં જે રીતે વકીલની એન્ટ્રી કરવામાં આવે છે એ જ રીતે આ ફિલ્મમાં પણ કરવામાં આવી છે, પરંતુ થોડી સારી છે. ઓરિજિનલ ફિલ્મની શરૂઆતની ક્રેડિટમાં સિટીનો એરિયલ વ્યુ દેખાડવામાં આવ્યો છે. જોકે રીમેકમાં તમે સુજૉય ઘોષ અને ટીમની ક્રીએટિવિટી જોઈ શકશો. ‘બદલા’ની શરૂઆતની ક્રેડિટમાં ફિલ્મમાં જે પણ મહkવની ડીટેલ અથવા તો દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યા છે એ ખૂબ જ ક્રીએટિવ છે. આ ફિલ્મમાં મોટા ભાગની વસ્તુ અને દૃશ્ય એમનાં એમ રાખવામાં આવ્યાં છે અને એ જ એની સુંદરતા છે. સુજૉય ઘોષે ફિલ્મની રિલીઝ પહેલાં જ કહ્યું હતું કે ઓરિજિનલ ફિલ્મમાં જે સુંદરતા હતી એ આ ફિલ્મમાં પણ એમની એમ જ રાખવામાં આવી છે.


સ્ટોરી ટાઇમ

આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત એક મર્ડરથી થાય છે. તાપસી આ ફિલ્મમાં સક્સેસફુલ બિઝનેસ વુમન નૈના સેઠીનું પાત્ર ભજવી રહી છે. અમિતાભ બચ્ચન વકીલ બાદલ સિંહનું પાત્ર ભજવી રહ્યા છે જેમણે તેમની ૪૦ વર્ષની કરીઅરમાં ક્યારેય એક પણ કેસ નથી હાર્યો. ફિલ્મની સ્ટોરી એવી છે કે નૈના એક હોટેલના ફ્લોર પર પડી હોય છે અને તેના બૉયફ્રેન્ડ અજુર્ન જોસેફનું ખૂન થઈ ગયું હોય છે. હોટેલનો સ્ટાફ પોલીસને બોલાવે છે અને રૂમમાં તાપસી એકલી જ હોવાથી તેના પર ખૂનનો આરોપ આવે છે. તેણે ખૂન નથી કર્યું એની આ એક દિલચસ્પ સ્ટોરી છે. આ સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટન્ર્સ જોવા મળશે. અંત સુધી કહેવું મુશ્કેલ છે કે ખૂન કોણે કર્યું અને એ પાછળનું કારણ શું હોય શકે. આ પાછળ ઘણીબધી થિયરીનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ સત્ય આખરે બહાર આવે ત્યારે એ શૉકિંગ હોય છે. આ ફિલ્મની સ્ટોરીમાં અમિતાભ બચ્ચન પાસે ત્રણ કલાક હોય છે કોણ ખૂની છે અને શું ઘટના ઘટી હતી એ જાણવા માટે. આ ત્રણ કલાકના ટાઇમ સ્લૉટની જગ્યાએ બે કલાક કરવામાં આવ્યું હોત તો વધુ સારું રહ્યું હોત. જોકે એનાથી ફિલ્મના થ્રિલને કોઈ અસર નથી થતી. આ ફિલ્મનો ક્લાઇમૅક્સ ખૂબ જ જોરદાર છે. હિન્દી ફિલ્મમાં કે અન્ય ભાષાની કોઈ પણ હિન્દી રીમેકમાં અત્યાર સુધી આવા ક્લાઇમૅક્સને દર્શાવવામાં નથી આવ્યો.


પર્ફોર્મન્સ-એ-બહાર

તાપસી અને અમિતાભ બચ્ચને ખૂબ જ અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યા છે. ‘પિંક’માં વકીલનું પાત્ર ભજવ્યું હોવા છતાં અમિતાભ બચ્ચનનું આ પાત્ર એકદમ અલગ હતું. તેમની ઍક્ટિંગ એકદમ નૅચરલ હતી. ઘણાં દૃશ્યમાં તેમણે પોતાના પર્ફોર્મન્સ દ્વારા ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તાપસી ખૂબ જ ટૅલેન્ટેડ ઍક્ટ્રેસ છે અને આ પાત્ર માટે તે એકદમ યોગ્ય છે. ઓરિજિનલ ફિલ્મમાં જે પણ મહિલાનાં પાત્ર હતાં એ રીમેકમાં પુÊરુષને આપવામાં આવ્યાં છે અને પુÊરુષનાં પાત્ર માટે મહિલાને પસંદ કરવામાં આવી છે. આ જ કારણ છે કે તાપસી આ ફિલ્મમાં મુખ્ય રોલમાં હતી. તેણે પણ સ્ટોરીની ડિમાન્ડ અને થ્રિલને અનુરૂપ યોગ્ય પર્ફોર્મન્સ આપ્યો છે. જોકે કેટલીક જગ્યાએ તેનાં એક્સપ્રેશન થોડાં ïફીકાં લાગે છે (બની શકે કે બિઝનેસને પોતાનું પૅશન માનતી હોવાથી તેને સ્ટ્રૉન્ગ બતાવવા માટે એમ કર્યું હોય.) એક્સ્ટ્રા મૅરિટલ અફેર હોવાનું તેણે જે ગિલ્ટ દેખાડવાનું હતું એ તે યોગ્ય રીતે દેખાડી નથી શકી. આ ફિલ્મમાં સરપ્રાઇઝ પૅકેજ અમિþતા સિંહ છે. અમિþતા સિંહ જેટલી પણ વાર સ્ક્રીન પર આવે છે ત્યારે તે છવાઈ જાય છે. તેના પતિ નર્મિલનું પાત્ર ભજવનાર તન્વીર ઘાનીનો પર્ફોર્મન્સ એટલો જ ખરાબ છે.

ફિલ્મી-દાસ્તાન

ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે, બૅકગ્રાઉન્ડ સ્કોર, ડિરેક્શન અને એડિટિંગ બધું જ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ એટલે કે ડાયલૉગ હિન્દી ફિલ્મોના દર્શકોને ધ્યાનમાં રાખીને થોડા બદલવામાં આવ્યા છે. તેમ જ એમાં થોડું હ્યુમર પણ ઉમેરવામાં આવ્યું છે. બિગ બીના ઘણા ડાયલૉગ ફની છે. તેમ જ તેમના દ્વારા ‘મહાભારત’ના રેફરન્સનો જ્યાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. ભારતના દર્શકો માટે ખાસ આ રેફરન્સનો ઉપયોગ કરાયો છે જેથી તેઓ ફિલ્મ સાથે વધુ કનેક્ટ થઈ શકે.

આખરી સલામ

‘બદલા’માં મોટા ભાગનાં દૃશ્યો ઓરિજિનલ ફિલ્મનાં જ રાખવામાં આવ્યાં છે. ‘કહાની’ અને ‘પિંક’ બાદ ફરી દર્શકો માટે આ એક અદ્ભુત થ્રિલર ફિલ્મ છે. ‘ધ ઇન્વિઝિબલ ગેસ્ટ’ જોઈ હોય તો (આ લખનારે પણ જોઈ છે અને એમ છતાં હિન્દી ફિલ્મ એટલી જ રોમાંચક લાગી છે.) પણ આ ફિલ્મ જોવામાં તમને ખૂબ જ મજા આવશે.

આ પણ વાંચો : શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

(આ ફિલ્મને એની સ્ટોરી, પર્ફોર્મન્સ અને એક્ઝિક્યુશન માટે સાડાત્રણ સ્ટાર અને અડધો સ્ટાર ઓરિજિનલ ફિલ્મની સુંદરતાને જાળવી રાખવા માટે આપવામાં આવે છે.)

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2019 10:57 AM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK