વેબ - ફિલ્મ રિવ્યુ : બારોટ હાઉસ

Published: Aug 11, 2019, 13:05 IST | મુંબઈ

અમિત સાધની આ વેબ-ફિલ્મ બૉલીવુડની મિસ્ટરી-થ્રિલર ફિલ્મોથી એકદમ અલગ છે, વહેલી તકે જોઈ લેવા જેવી ફિલ્મ

બારોટ હાઉસ
બારોટ હાઉસ

ZEE-5 પર રિલીઝ થયેલી ‘બારોટ હાઉસ’ એક અદ્ભુત મિસ્ટરી-થ્રિલર ફિલ્મ છે. ૧.૩૨ કલાકની આ એક ડિજિટલ ફિલ્મ છે. અમિત સાધ અને મંજરી ફડનીસની આ ફિલ્મ બૉલીવુડની થ્રિલર ફિલ્મોથી એકદમ અલગ છે. આ ફિલ્મ વિશે જણાવ્યા વગર એ વિશે વાત કરવી અઘરી છે. ફિલ્મનું શૂટિંગ દમણ અને ઉમરગામમાં કરવામાં આવ્યું છે.

બૉલીવુડથી હટકે સ્ટોરી

ફિલ્મની સ્ટોરી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. ‘બારોટ હાઉસ’ની આસપાસ ફરતી સ્ટોરી બૉલીવુડમાં કહેવાતી હૉરર અને થ્રિલર ફિલ્મો (સેમી પૉર્ન સમજો તો વાંધો નહીં) કરતાં એકદમ અલગ છે. અમિત બારોટનું પાત્ર અમિત સાધે અને તેની પત્ની ભાવના બારોટનું પાત્ર મંજરી ફડનીસે ભજવ્યું છે. તેમને ચાર બાળકો હોય છે જેમાં દીકરા મલ્હારનું પાત્ર આર્યન મેઘજીએ ભજવ્યું છે. અમિત અને તેના ભાઈ વચ્ચે ઘરની પ્રૉપર્ટીને લઈને મતભેદ ચાલતો હોય છે. અમિતની તેના પાડોશી ઍન્થની સાથે પણ તૂતૂમૈંમૈં ચાલતી રહે છે. આ તમામ ઘટના વચ્ચે અમિતની દીકરી શ્રેયાનું મર્ડર થાય છે. આ મર્ડર માટે ઍન્થની અને ત્યાર બાદ અમિતના ભાઈ પર આરોપ મૂકવામાં આવે છે. અમિતને પણ પોલીસ શંકાની નજરે જોઈ રહી છે. અમિત હંમેશાં તેનાં દીકરા-દીકરીઓ વચ્ચે મતભેદ રાખતો જોવા મળે છે. તેને શક હોય છે કે તેની દીકરીઓ ઍન્થની અને તેની પત્નીની છે. જોકે આ પૂછપરછ વચ્ચે તેની બીજી દીકરી શ્રુતિનું મર્ડર થાય છે. શ્રુતિને દાદર પરથી ફેંકી દેવામાં આવે છે અને એ દરમ્યાન અમિતનો ભાઈ ઉપર હોવાથી તેના પર આરોપ આવે છે અને તેને જેલમાં ધકેલવામાં આવે છે. બન્ને દીકરીઓનાં મૃત્યુને પગલે તેમના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે અને ટ્વિસ્ટ ઍન્ડ ટર્નની સાથે થ્રિલરની શરૂઆત થાય છે.

દમ હૈ બૉસ

અમિત સાધે ‘ક્યું હૌતા હૈ પ્યાર’ સિરિયલથી શરૂઆત કરી હતી. ‘કાઈપો છે!’માં તેના કામનાં ખૂબ વખાણ થયાં હતાં. ત્યાર બાદ તેણે ‘સુલતાન’, ‘સરકાર ૩’ અને વેબ-શો ‘બ્રિથ’માં પણ ખૂબ જ અદ્ભુત કામ કર્યું હતું. હાલમાં રિલીઝ થયેલી ‘સુપર ૩૦’માં પણ તે નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ તમામ ફિલ્મોની વાત કરવાનું કારણ એ છે કે આ તમામ પાત્રો કરતાં અમિત સાધ અહીં એક નવા રૂપમાં જોવા મળશે. તેની ઍક્ટિંગ કાબિલેદાદ છે. એક સામાન્ય વ્યક્તિ સાથે તેણે એક ફૅમિલી સાથેના રિલેશન અને પોતાના ગુસ્સાને લઈને થતી સમસ્યા દરેકને ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યાં છે. તેના ચહેરાના હાવભાવ, તેની આંખો બધું જ તમારી સાથે વાત કરતું હોય એવો તમને અહેસાસ થશે. મંજરીએ પણ એક લાચાર મમ્મીની ખૂબ સારી ઍક્ટિંગ કરી છે. જોકે તેને વધુ સ્ક્રીન-ટાઇમ આપી શકાયો હોત. આ ફિલ્મમાં આર્યન બાજી મારી ગયો છે. આર્યને ચાઇલ્ડ ઍક્ટર તરીકે ખૂબ મૅચ્યોર કામ કર્યું છે. મોટા ભાગે ચાઇલ્ડ ઍક્ટર કૉમેડી રોલમાં વધુ જોવા મળે છે, પરંતુ અહીં સ્ટોરી ખૂબ અલગ છે. ‘ચિલ્લર પાર્ટી’ના જાંગિયા (નમન જૈન) બાદ કોઈએ અદ્ભુત કામ કર્યું હોય તો તે આર્યન છે. આર્યનને તબલાં વગાડવાનો શોખ હોય છે અને તેના પિતા પ્રેમથી તેને ઉસ્તાદ કહીને બોલાવે છે.

થોડા નમક કમ થા

ફિલ્મની શરૂઆતની સ્ટોરી થોડી નબળી લાગે છે. જોકે એને રજૂ કરવાની સ્ટાઇલ થોડી હટકે (નવી નથી) છે. દરેક પાત્રની સાઇડ સ્ટોરી કહેવામાં આવી છે, પરંતુ ભાવનાના પાત્રને એટલું એક્સપ્લોર કરવામાં નથી આવ્યું. અમિતને શક હોય છે કે ભાવનાના ઍન્થની સાથે સંબંધ છે તો એ વિશેના સબ પ્લૉટને વધુ સારી રીતે દેખાડી શકાયો હોત, નહીં કે ફક્ત એક ડાયલૉગમાં પતાવી દેવાનું. સ્ટોરી ખૂબ સારી છે અને એ દર્શકોને જકડી રાખે છે, પરંતુ ડાયલૉગ થોડા નબળા છે. શરૂઆતની થોડી મિનિટો કંટાળાજનક છે, પરંતુ બગ્સ ભાર્ગવની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હોવાથી અને એને અલગ રીતે રજૂ કરવાની હિંમત કરવામાં આવી હોવાથી એ અવૉઇડેબલ છે. એડિટિંગ પણ થોડું વધુ સારી રીતે કરી શકાયું હોત. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ નબળો છે. થ્રિલરમાં પણ મ્યુઝિક સાંભળીને થ્રિલ નથી આવતું (બજેટ ઇશ્યુ હોય તો નવાઈ નહીં). દમણ અને ઉમરગામમાં શૂટિંગ કરવામાં આવ્યું છે અને દીપ મેટકરે એની સિનેમૅટોગ્રાફી ખૂબ સારી રીતે કરી છે (દમણની ૫૦૦થી પણ વધુ વાર મુલાકાત લીધી હોવા છતાં એક વાર આ જગ્યા કઈ એ વિચારમાં મૂકી દે એ રીતે રજૂ કરવામાં આવી છે).

આ પણ વાંચો : જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!

આખરી સલામ

ફિલ્મના નવોદિત ડિરેક્ટરની પહેલી ફિલ્મની હિંમતને દાદ આપી આ ફિલ્મ ૧૦૦ ટકા જોવા જેવી છે. ક્લાઇમૅક્સની ૧૫ મિનિટ ખૂબ જ રોમાંચથી ભરપૂર છે. ક્લાઇમૅક્સનું અમિત અને મલ્હાર વચ્ચેનું એક દૃશ્ય ખૂબ જ અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું છે જેમાં દીકરો તેના પિતાને કિસ કરે છે. અમિત સાધના ચાહકોએ તો પહેલી તકે ફિલ્મ જોઈ લેવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK