ગોવિંદાએ પત્ની સુનીતાના પ્રોત્સાહનથી સાઇન કરી કિલ દિલ

Published: Oct 20, 2014, 05:10 IST

બૉલીવુડનો સ્ટાર ગોવિંદા લગભગ ચાર વર્ષ પછી ફિલ્મ ‘કિલ દિલ’ સાથે રૂપેરી પડદે પાછો આવી રહ્યો છે.

આ રોમૅન્ટિક ઍક્શન ફિલ્મ સ્વીકારવા તેની પત્ની સુનીતાએ તેને આગ્રહ કર્યો હતો. પચાસ વર્ષના આ ઍક્ટર ગોવિંદાએ છેલ્લે વર્ષ ૨૦૧૧માં ‘નૉટી ક્૪૦’માં દેખા દીધી હતી. આ ફિલ્મ સ્વીકારવાના કારણ વિશે ગોવિંદાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં મારી માતા મને અનેક બાબતો માટે ગાઇડન્સ આપતી હતી. હવે મારી પત્ની અનેક બાબતોમાં મને સલાહ આપે છે અને હું એ સલાહ માનું છું. યશરાજ ફિલ્મ્સના આ પ્રોજેક્ટથી મારાં સંતાનોની કારકિર્દીને લાભ થવાની શક્યતા જણાતાં મારી પત્નીએ આ ફિલ્મ સ્વીકારવાની સલાહ આપી હતી.’

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ફિલ્મોથી દૂર રહેવા વિશે વાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘એ વખતે ઑફર કરાતા રોલ મને ગમતા નહોતા. જોકે આ ફિલ્મમાં કામ કરવાની જુદી જ મજા છે. કારણ કે યશરાજના બૅનરમાં કામ કરવાનું મારું સ્વપ્ન હતું. હું યશરાજ સ્ટુડિયોમાં જતો હતો ત્યારે અનેક ઍક્ટરોના ફોટો ત્યાં જોતો હતો પરંતુ એમાં મારો ફોટો નહોતો. હવે હું તેમની સાથે કામ કરું છુ. ખરેખર આ અદ્ભુત લાગણી છે. તેઓ વિદ્વાન અને સૌજન્યશીલ છે.’

ફિલ્મ ‘કિલ દિલ’માં પરિણીતી ચોપડા, રણવીર સિંહ અને અલી ઝફર પણ કામ કરે છે. ગોવિંદા એમાં નેગેટિવ રોલ કરે છે. અગાઉ વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘શિકારી’માં તેણે વિલન જેવી ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા વિશે ગોવિંદાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં આ ભૂમિકા વિશે મને શંકા હતી અને વિલન ટાઇપના રોલ બહુ ફાવતા નહીં હોવાથી મેં આદિત્ય ચોપરા અને ડાયરેક્ટર શાદ અલી સાથે વાત કરીને જણાવ્યું કે જો હું આ પાત્રને ન્યાય નહીં આપી શકું તો હું ફિલ્મ છોડી દઈશ, પરંતુ મને આશા છે કે ઑડિયન્સને મારો આ પ્રયત્ન ગમશે. કારણ કે દર્શકો તો તેમના ફેવરિટ ઍક્ટરની સારી ફિલ્મ જોવા ઇચ્છતા હોય છે.’‘કિલ દિલ’ આગામી ૧૪ નવેમ્બરે થિયેટરમાં રજૂ કરાશે. એ ઉપરાંત ગોવિંદા ‘હેપી એન્ડિંગ’માં સૈફ અલી ખાન સાથે પણ જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK